તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
પાંચ વિધાનસભા અને એક લોકસભા બેઠક માટે મતદાન સંપન્ન: ૯મી ઓક્ટોબરે ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થશે, જનતામાં ભારે ઉત્સાહ
પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પુડુચેરી અને આસામમાં યોજાયેલી પેટાચૂંટણીમાં મતદાતાઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ: ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં હવે પરિણામો પર સૌની નજર

નવી દિલ્હી, તા.૦૬: દેશના ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાલી પડેલી પાંચ વિધાનસભા અને એક લોકસભા બેઠક માટે મંગળવારે મતદાન પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પુડુચેરી તેમજ આસામમાં યોજાયેલી આ પેટાચૂંટણીમાં મતદાતાઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી, જેના પરિણામો આગામી ૯ ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે.
તમિલનાડુમાં અનુસૂચિત જાતિ માટે અનામત એવી મદુરંતકમ વિધાનસભા બેઠક પર સૌથી વધુ ૮૬ ટકા જેટલું વિક્રમી મતદાન નોંધાયું હતું. આ ઉપરાંત, તમિલનાડુની ધારાપુરમ બેઠક પર પણ ૮૦ ટકાથી વધુ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બીજી તરફ કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના થટ્ટાનચાવડી વિસ્તારમાં પણ મતદાતાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં ૮૦.૮ ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું છે.
પશ્ચિમ બંગાળની હાઈપ્રોફાઈલ ગણાતી નંદીગ્રામ અને મુર્શિદાબાદ જિલ્લાની રેજીનગર વિધાનસભા બેઠક પર પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આશરે ૮૦ ટકા મતદાન થયું હતું. સાંજના આંકડા અનુસાર નંદીગ્રામમાં ૭૯.૪ ટકા અને રેજીનગરમાં ૭૮.૪ ટકા મતદારોએ પોતાના હક્કનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી દરમિયાન પારદર્શિતા જાળવી રાખવા માટે તંત્ર દ્વારા કડક નજર રાખવામાં આવી હતી અને કેટલીક ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો.
આસામની ચર્ચિત નગાંવ લોકસભા બેઠકની પેટાચૂંટણી માટેનું મતદાન પણ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. આ બેઠક કોંગ્રેસના પૂર્વ સાંસદના રાજીનામા બાદ ખાલી પડી હતી, જ્યાંથી તેઓ બાદમાં રાજ્યની વિધાનસભા ચૂંટણી લડીને વિજેતા બન્યા હતા. આ લોકસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને એઆઈયુડીએફના મુખ્ય દાવેદારો સહિત કુલ ૧૫ ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઈવીએમમાં સીલ થઈ ગયું છે.
મતદાનની ટકાવારી અને સરેરાશ પ્રતિસાદ જોતાં તમામ રાજકીય પક્ષો પોતપોતાની જીતના દવાઓ કરી રહ્યા છે. કેટલાક મતદાન મથકો પર સામાન્ય ગેરરીતિઓના આક્ષેપો સિવાય સમગ્ર પ્રક્રિયા સુચારુ રૂપે પાર પડી છે. તમામ વિસ્તારોમાં મતગણતરી કેન્દ્રો પર સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી પરિણામના દિવસે કોઈ અપ્રિય બનાવ ન બને.
હવે તમામ ઉમેદવારો અને રાજકીય વિશ્લેષકોની નજર ૯મી ઓક્ટોબરના રોજ આવનારા પરિણામો પર ટકેલી છે. ગણતરીના દિવસે સવારથી જ મતગણતરી શરૂ કરવામાં આવશે અને બપોર સુધીમાં તો તમામ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ પરિણામો આગામી સમયમાં રાજકીય સમીકરણો પર કેવી અસર પાડે છે તે જોવું રસપ્રદ રહેશે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
