<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

પૃથ્વીથી 25 અબજ કિમી દૂર વોયેજર-1 ના અસ્તિત્વની લડાઈ: નાસાના વૈજ્ઞાનિકો કરવા જઈ રહ્યા છે 'બિગ બેંગ' પ્રયોગ, અંતરિક્ષના અંધકારમાં ખોવાઈ જતા યાનને બચાવવા છેલ્લો દાવ!

50 વર્ષ જૂની ટેકનોલોજી અને પ્લાટોનિયમની ઘટતી શક્તિ વચ્ચે એન્જિનિયરોનો ચમત્કાર: અંતરિક્ષના થીજવી દેતા તાપમાનમાં વોયેજરને જીવતું રાખવા સાયન્સ ઈન્સ્ટ્રુમેન્ટ બંધ કરાયા, જુલાઈમાં થશે જોખમી 'પાવર સ્વેપ'

કેલિફોર્નિયા,: માનવજાતના ઈતિહાસમાં પૃથ્વીથી સૌથી દૂર નીકળી ગયેલું અંતરિક્ષ યાન 'વોયેજર-1' (Voyager 1) હાલમાં તેના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. પૃથ્વીથી આશરે 25.40 અબજ કિમી દૂર આંતરતારાકીય અવકાશ (Interstellar Space) માં સફર કરી રહેલા આ યાનમાં ઉર્જાનું સ્તર ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે. આ ઐતિહાસિક મિશનને હજુ થોડા વધુ વર્ષો સુધી જીવંત રાખવા માટે નાસાના એન્જિનિયરોએ 'બિગ બેંગ' (Big Bang) નામનો એક અત્યંત મહત્વાકાંક્ષી પ્લાન તૈયાર કર્યો છે.
ઉર્જા બચાવવા માટે કઠોર નિર્ણય
વોયેજર-1 માં લાગેલું 'લો-એનર્જી ચાર્જ્ડ પાર્ટીકલ્સ' (LECP) નામનું સાયન્સ ઈન્સ્ટ્રુમેન્ટ, જે છેલ્લા 49 વર્ષથી સૌર કણો અને કોસ્મિક કિરણોનો અભ્યાસ કરી રહ્યું હતું, તેને નાસાએ 17 એપ્રિલના રોજ કમાન્ડ મોકલીને બંધ કરી દીધું છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ યાનની ઘટતી જતી પાવર સપ્લાય છે. વોયેજર-1 દર વર્ષે આશરે 4 વોટ જેટલી પાવર ગુમાવી રહ્યું છે. આ ઈન્સ્ટ્રુમેન્ટ બંધ કરવાથી બચેલી ઉર્જાનો ઉપયોગ યાનના હીટર્સ ચાલુ રાખવા માટે કરવામાં આવશે, જેથી તેની ફ્યુઅલ લાઈન્સ થીજી ન જાય.
શું છે નાસાનો 'બિગ બેંગ' ફિક્સ?
નાસાના જેપીએલ (JPL) ના એન્જિનિયરો એક જોખમી 'પાવર સ્વેપ' કરવાની તૈયારી કરી રહ્યા છે. આ પ્રક્રિયામાં યાનના કેટલાક જૂના અને વધુ પાવર ખાતા ઉપકરણોને કાયમ માટે બંધ કરી તેની જગ્યાએ ઓછા પાવર વાળા વિકલ્પો શરૂ કરવામાં આવશે. આ પ્રયોગ સૌપ્રથમ મે અને જૂન મહિનામાં વોયેજર-2 પર અજમાવવામાં આવશે અને જો ત્યાં સફળતા મળશે, તો જુલાઈમાં વોયેજર-1 પર 'બિગ બેંગ' ઓપરેશન હાથ ધરાશે. જો આ પ્લાન સફળ રહ્યો, તો કદાચ બંધ કરાયેલું LECP ઈન્સ્ટ્રુમેન્ટ ફરીથી જીવંત થઈ શકે છે.
ચમત્કારથી ઓછું નથી વોયેજરની સફર
1977 માં લોન્ચ થયેલું વોયેજર-1 માત્ર 5 વર્ષના મિશન માટે મોકલવામાં આવ્યું હતું, પરંતુ તે આજે 49 વર્ષ પછી પણ કાર્યરત છે. તેના એન્જિનિયર કરીમ બદારુદ્દીને જણાવ્યું કે, "વોયેજર હજુ પણ પ્લાઝમા વેવ્સ અને મેગ્નેટિક ફિલ્ડનો ડેટા મોકલી રહ્યું છે - જે બ્રહ્માંડના એવા ખૂણામાંથી આવે છે જ્યાં આજ સુધી કોઈ માનવ નિર્મિત વસ્તુ પહોંચી નથી." આ યાનમાં રહેલી નાની મોટર, જે માત્ર 0.5 વોટ પાવર વાપરે છે, તે -62 ડિગ્રી સેલ્સિયસ જેવા થીજવી દેતા તાપમાનમાં પણ 85 લાખથી વધુ સ્ટેપ્સ ચાલીને હજુ પણ કામ કરી રહી છે, જે ખરેખર એક વૈજ્ઞાનિક ચમત્કાર છે.
જો બધું જ પ્લાન મુજબ ચાલ્યું, તો વોયેજર-1 તેની સફરની પચાસમી વર્ષગાંઠ (Golden Jubilee) અંતરિક્ષમાં જ ઉજવશે. વૈજ્ઞાનિકોને આશા છે કે આ 'બિગ બેંગ' ફિક્સ આ ઐતિહાસિક યાનને અંધકારમાં વિલીન થતા બચાવી લેશે અને આપણને બ્રહ્માંડના નવા રહસ્યો જણાવતું રહેશે.
એક નજરે વોયેજરની સફર:
•    દૂર: પૃથ્વીથી 25.40 અબજ કિલોમીટર.
•    શરૂઆત: 1977 માં લોન્ચિંગ.
•    શક્તિ: ઘટતી જતી પ્લુટોનિયમ ગરમી.
•    લક્ષ્ય: 2027 સુધીમાં 50 વર્ષ પૂરા કરવાનું મિશન.

(9:42 PM IST)