<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

મુંબઈના ભૂલેશ્વરમાં ભીષણ આગ વચ્ચે ફસાયેલા ૩૨ લોકોના દેવદૂત બન્યા વીપી રોડ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સીમા ગાયકવાડ: પોતાના જીવનું જોખમ ખેડીને બચાવ્યા જીવ

કાકા કુઆ બિલ્ડિંગમાં લાગેલી આગમાં અંદર ફસાયેલા અસંખ્ય નાગરિકોને સરાહનીય બહાદુરી દાખવીને સુરક્ષિત બહાર કાઢનાર મહિલા પોલીસ અધિકારીના સાહસને સ્થાનીય એસોસિએશને સલામ કરી.

મુંબઈ, તા.૨૩: મુંબઈના અતિ વ્યસ્ત અને ગીચ વિસ્તાર ગણાતા ભૂલેશ્વર ખાતે આજે સવારે એક મોટી હોનારત સર્જાતા ટળી હતી. થર્ડ ભોઈવાડા વિસ્તારમાં આવેલી 'કાકા કુઆ બિલ્ડિંગ'માં સવારે આશરે ૧૦ વાગ્યાના સુમારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને કારણે આખી ઇમારતમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ભયાનક આગની વચ્ચે બિલ્ડિંગની અંદર ફસાયેલા ૩૨ જેટલા નિર્દોષ લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે વીપી રોડ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સીમા ગાયકવાડે પોતાના જાનની પરવા કર્યા વગર અદ્ભુત સાહસ અને ત્વરિત નિર્ણયશક્તિનું પ્રદર્શન કર્યું હતું.

 

ઘટનાની વિગતો મુજબ, આગ લાગ્યાની જાણ થતા જ સિનિયર ઇન્સ્પેક્ટર સીમા ગાયકવાડ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ધુમાડાના ગોટેગોટા અને ભયાનક લપટો વચ્ચે જીવનું જોખમ હોવા છતાં તેમણે પીછેહઠ કરવાને બદલે જાતે જ મોરચો સંભાળ્યો હતો. તેમની આ ત્વરિત અને સમયસૂચક કાર્યવાહીના કારણે બિલ્ડિંગમાં ફસાયેલા તમામ ૩૨ લોકોને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મોટી સફળતા મળી હતી, જેનાથી એક મોટી જાનહાની ટળી ગઈ હતી.

 

આ અકસ્માત બાદ 'થર્ડ ભોઈવાડા ઈમિટેશન જ્વેલરી એસોસિએશન' (TIDJMA) દ્વારા સિનિયર ઇન્સ્પેક્ટર સીમા ગાયકવાડની આ વીરતાપૂર્ણ કામગીરીના મુક્તકંઠે વખાણ કરવામાં આવ્યા છે. એસોસિએશનના પ્રમુખ અમર રહેજાએ કટોકટીની આ ઘડીમાં તેમણે દાખવેલી દ્રઢતા, માનવતા અને જનસેવા પ્રત્યેના સમર્પણને બિરદાવતા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની બહાદુરીને સલામ કરી હતી.

 

મુંબઈ પોલીસ દળમાં ફરજ બજાવતા અધિકારીઓ ઘણીવાર પોતાની ફરજથી ઉપર ઉઠીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હોય છે, અને સિમા ગાયકવાડનું આ કાર્ય તે શ્રેણીમાં મોખરે ગણવામાં આવી રહ્યું છે. ભીષણ આગના આ બનાવમાં કોઈ જાનહાની ન થવાને કારણે રાહતનો શ્વાસ લીધો છે, ત્યારે સોશિયલ મીડિયા અને સ્થાનીય વેપારી આખીઓમાં આ મહિલા પોલીસ અધિકારીની પ્રશંસાના પુલ બંધાઈ રહ્યા છે.

 

પોલીસ તંત્ર અને ફાયર બ્રિટગની સમયસરની જહેમતથી આગ પર કાબૂ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જ્યારે કટોકટીનો સમય આવે છે ત્યારે રક્ષકો કેવી રીતે પોતાના પ્રાણની બાજી લગાવીને પણ જનતાના રક્ષણ માટે અડીખમ ઊભા રહે છે.

 

(4:34 PM IST)