હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વાંગચુકનો ‘કોકરોચ મુવમેન્ટ’ને સિંહફાળો: ડિજિટલ દમન સામે સરકારને લપડાક
બેરોજગારી અને પેપર લીક વિરુદ્ધ યુવાનોના અનોખા વ્યંગાત્મક આંદોલનને સોનમ વાંગચુકનું ખુલ્લું સમર્થન; સેન્સરશીપ સામે ચેતવણી

નવી દિલ્હી: ભારતના જાણીતા શિક્ષણશાસ્ત્રી, પર્યાવરણવિદ્ અને લદ્દાખના હીરો સોનમ વાંગચુકે દેશમાં યુવાનો દ્વારા ચલાવવામાં આવી રહેલા એક અનોખા આંદોલનને પોતાનું સમર્થન જાહેર કરીને કેન્દ્ર સરકારની ઊંઘ હરામ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર ભારે સનસનાટી મચાવી રહેલી અને સ્વ-ઘોષિત "કોકરોચ જનતા પાર્ટી" (CJP) દ્વારા સંચાલિત ઓનલાઈન મુવમેન્ટને વાંગચુકે સત્તાવાર રીતે ટેકો આપ્યો છે. પોતાને આ આંદોલનના એક ‘માનદ કોકરોચ’ ગણાવતા તેમણે સરકારી તંત્રને અપીલ કરી છે કે તેઓ યુવા પેઢીના અવાજને, તેમના ડિજિટલ અભિવ્યક્તિના અધિકારને દબાવવાનો પ્રયાસ કરવાના બદલે તેમની વાસ્તવિક પીડાને સાંભળે.
આ ઓનલાઈન ઝુંબેશમાં લોકશાહી ઢબે દૃઢતા, અસંમતિ અને જીવંતતાના પ્રતીક તરીકે કોકરોચ (વંદો) ની છબીનો ઉપયોગ કરીને સરકારની નીતિઓ પર આકરા કટાક્ષ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ જ્યારે આ ચળવળના સ્થાપકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સસ્પેન્ડ થવા લાગ્યા અને હેકિંગના ગંભીર આરોપો સામે આવ્યા ત્યારે આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચાની એરણે ચડ્યો હતો. દેશમાં વધી રહેલી બેરોજગારી, સરકારી ભરતી પરીક્ષાઓના પેપર લીક થવાની ઘટનાઓ અને વહીવટી તંત્રમાં જવાબદારીના અભાવ જેવા અતિ સંવેદનશીલ મુદ્દાઓ પર આ આંદોલન સીધા પ્રહારો કરી રહ્યું છે, જે શાસક પક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે.
પ્રતિષ્ઠિત સમાચાર સંસ્થા પીટીઆઈ સાથેની એક ખાસ મુલાકાતમાં સોનમ વાંગચુકે આ વિવાદ પર રોકટોક વિના પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે શાસકોને આડે હાથ લેતા કહ્યું કે, આ ડિજિટલ અભિયાનને દેશ માટે કોઈ ખતરો કે ધમકી તરીકે જોવાના બદલે એક સકારાત્મક લોકશાહી પ્રતિભાવ તરીકે સ્વીકારવું જોઈએ. વાંગચુકે ભારપૂર્વક જણાવ્યું કે, "સૌ પ્રથમ તો હું આ યુવાનોની કલ્પનાશીલતાથી ખૂબ પ્રભાવિત થયો છું. આપણા દેશના યુવાનો તરફથી આવી સર્જનાત્મક અભિવ્યક્તિ જોઈને ચિંતિત થવાની કે ડરવાની કોઈ જરૂર નથી. સરકારે સંદેશને સમજવો જોઈએ, સંદેશવાહકનો શિકાર ન કરવો જોઈએ. જો આપણે અવાજ ઉઠાવનારાઓને જ ખતમ કરી દઈશું, તો દેશની મૂળ સમસ્યાઓ ક્યારેય બહાર નહીં આવે."
જ્યારે સોનમ વાંગચુકને પૂછવામાં આવ્યું કે શું તેઓ સત્તાવાર રીતે આ રાજકીય અને સામાજિક આંદોલનમાં જોડાવા જઈ રહ્યા છે, ત્યારે તેમણે હળવા અંદાજમાં મજાક કરતા કહ્યું કે, "મને દેશના અનેક ખૂણેથી આ વિષય પર બોલવા અને સભ્ય બનવા માટે આમંત્રણો મળી રહ્યા છે. પરંતુ મને લાગે છે કે હું હજુ આ પદ માટે લાયક નથી, કારણ કે હું બેરોજગાર નથી કે આળસુ નથી! આથી હું ભલે સત્તાવાર સભ્ય ન બની શકું, પણ વૈચારિક રીતે હું મારી જાતને એક માનદ વંદો ચોક્કસ માનું છું." તેમણે વધુમાં ઉમેર્યું કે જેમ અખબારોના કાર્ટૂનિસ્ટો વડાપ્રધાન, ગૃહપ્રધાન કે સંરક્ષણપ્રધાનના વ્યંગચિત્રો બનાવે તો તેમના પર ગોળીઓ નથી ચલાવવામાં આવતી, તેમ આ ડિજિટલ વ્યંગને પણ તંદુરસ્ત લોકશાહીના ભાગરૂપે જોવો જોઈએ.
જોકે, વાંગચુકે આ સાથે સરકારને એક અત્યંત ગંભીર અને ભયજનક ભવિષ્યવાણી કરતા ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે જો ઓનલાઈન ફોરમને દબાવવામાં આવશે તો યુવાનોનો આ આક્રોશ હિંસક સ્વરૂપ ધારણ કરી શકે છે. નેપાળનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે ત્યાં પણ હિંસા આમને આમ નહોતી ફાટી નીકળી, પરંતુ જ્યારે ઇન્ટરનેટ બંધ કરીને યુવાનોની સર્જનાત્મક અભિવ્યક્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. ભારત સરકારની ફરજ છે કે તેઓ દેશના ભવિષ્ય સમાન યુવાનોને પથ્થર ઉપાડવા મજબૂર કરવાના બદલે પ્રેમથી તેમની વાત સાંભળે અને પેપર લીક તેમજ રોજગારી અંગે ત્વરિત પગલાં ભરે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
