<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

પ્રોપર્ટી કે ગોલ્‍ડ ખરીદવું છે? PAN Card સંબંધિત આ ભૂલ તમને જેલ ભેગા કે પેનલ્‍ટીના ચક્કરમાં ફસાવી શકે છે...

નવી  દિલ્‍હી તા.૧૯: આધાર કાર્ડના આજના સમયમાં પેન કાર્ડ માત્ર એક ઓળખપત્ર નથી, પરંતુ તે આપણા તમામ ફાઈનાન્‍શિયસ ટ્રાન્‍ઝેક્‍શનનો સૌથી મહત્‍વનો હિસ્‍સો બની ગયો છે. બેંકમાં એકાઉન્‍ટ ઓપન કરાવવાથી લઈને મોટું ઈન્‍વેસ્‍ટમેન્‍ટ કરાવવા સુધી દરેક જગ્‍યાએ પેન કાર્ડ ફરજિયાત છે. ઈન્‍કમટેક્‍સ ડિપાર્ટમેન્‍ટના નિયમો અનુસાર, જો તમે કોઈ મોટો ફાઈનાન્‍શિયલ ટ્રાન્‍ઝેક્‍શન કરો છો, તો પેન કાર્ડ આપવું અનિવાર્ય છે. ખાસ કરીને બે લાખ રૂપિયા કે તેથી વધુની ટ્રાન્‍ઝેક્‍શન મર્યાદા માટેના નિયમો ખૂબ જ કડક છે.

સરકાર દેશમાં બ્‍લેક મની અને ટેક્‍સ ચોરી રોકવા માટે મોટા ટ્રાન્‍ઝેક્‍શન પર ચાંપતી નજર રાખે છે. ઈન્‍કમટેક્‍સ એક્‍ટના નિયમો મુજબ, જ્‍યારે પણ તમે કોઈ વસ્‍તુની ખરીદી કે વેચાણ કરો અને તેની કિમત બે લાખ રૂપિયા કે તેથી વધુ હોય, ત્‍યારે પેન કાર્ડ નંબર આપવો કાયદેસર રીતે ફરજિયાત છે. પછી ભલે ને એ ટ્રાન્‍ઝેક્‍શન રોકડમાં કરાયું હોય કે ડિજિટલ પેમેન્‍ટ દ્વારા કરવામાં આવ્‍યું હોય.

પ્રોપર્ટીની ખરીદીઃ જો તમે કોઈ સ્‍થાવર મિલકત (જમીન કે મકાન) ખરીદો છો જેની કિમત બજાર ભાવ મુજબ વધુ છે, તો પેન કાર્ડ વગર આ ડીલ શક્‍ય નથી.

સોના કે દાગીનાની ખરીદીઃ બુલિયન અથવા જ્‍વેલરીની ખરીદી વખતે જો બિલ બે લાખ રૂપિયાથી ઉપર જાય છે, તો જ્‍વેલર તમારા પેન કાર્ડની વિગતો માંગશે.

વાહનની ખરીદી કે વેચાણઃ ફોર-વ્‍હીલર કે અન્‍ય કોઈ વાહનની ખરીદી-વેચાણ સમયે પેન કાર્ડ આપવું પડે છે (સિવાય કે તે ટુ-વ્‍હીલર હોય).

મોટી રોકડ ડિપોઝિટઃ બેંક અથવા પોસ્‍ટ ઓફિસમાં એક જ દિવસમાં ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ અથવા વર્ષમાં નિર્ધારિત મર્યાદાથી વધુ રોકડ જમા કરાવવા પર પેન કાર્ડ જરૂરી બને છે.

જો કોઈ વ્‍યક્‍તિ જાણીજોઈને મોટા ટ્રાન્‍ઝેક્‍શન વખતે પાન કાર્ડ નથી આપતી અથવા ખોટો પાન નંબર રજૂ કરે છે, તો ઈન્‍કમટેક્‍સ ડિપાર્ટમેન્‍ટ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે. આનાથી માત્ર નોટિસ આવવાનો જ ભય નથી રહેતો, પરંતુ નિયમોના ભંગ બદલ ભારે પેનલ્‍ટી પણ ચૂકવવી પડી શકે છે. એટલે જ, કોઈપણ મોટી નાણાકીય લેવડ-દેવડ કરતી વખતે હંમેશા તમારા સાચા અને અપડેટ થયેલા પેન કાર્ડનો જ ઉપયોગ કરો.

(10:26 AM IST)