તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
વિશ્વ પર યુદ્ધના વાદળો: અમેરિકા-ઈરાન વચ્ચેની ઐતિહાસિક શાંતિ વાટાઘાટો નિષ્ફળ, જે.ડી. વેન્સે કરી જાહેરાત- ‘ઈરાન શરતો માનવા તૈયાર નથી, અમે પરત ફરી રહ્યા છીએ’
ઇસ્લામાબાદમાં ૨૧ કલાક ચાલેલું ‘મહામંથન’ બેનતીજા: અમેરિકાની અંતિમ ઓફરને ઈરાને ફગાવી, પરમાણુ હથિયાર અને હોર્મુઝના વિવાદ મુદ્દે ગતિરોધ યથાવત રહેતા હવે ટ્રમ્પના આગામી નિર્ણય પર વિશ્વની મીટ

ઇસ્લામાબાદ:પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આયોજિત અમેરિકા અને ઈરાન વચ્ચેની અત્યંત મહત્વપૂર્ણ મંત્રણાઓ આખરે કોઈ નક્કર પરિણામ વિના નિષ્ફળ સાબિત થઈ છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે એક પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કર્યું હતું કે ઈરાન સાથેની શાંતિ વાટાઘાટો નિષ્ફળ રહી છે અને અમેરિકી પ્રતિનિધિમંડળ હવે સમજૂતી વિના જ સ્વદેશ પરત ફરી રહ્યું છે. આ જાહેરાત બાદ વૈશ્વિક રાજકારણમાં ફરી એકવાર તણાવ અને યુદ્ધના ભયનો માહોલ પેદા થયો છે.
૨૧ કલાકની સઘન ચર્ચા છતાં મડાગાંઠ:
પાકિસ્તાનની યજમાનીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ૨૧ કલાક સુધી મેરેથોન બેઠક ચાલી હતી. જે.ડી. વેન્સે જણાવ્યું હતું કે અમેરિકાએ ઈરાનને ‘બેસ્ટ અને ફાઈનલ ઓફર’ આપી હતી, જેનો હેતુ પ્રાદેશિક સ્થિરતા લાવવાનો હતો. જોકે, ઈરાન પોતાના ઈરાદાઓ પર મક્કમ રહ્યું હતું અને અમેરિકા દ્વારા મૂકવામાં આવેલી શરતો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. વેન્સે ઉમેર્યું કે, "અમે સદ્ભાવના સાથે આવ્યા હતા, પરંતુ ઈરાન પરમાણુ હથિયારો અને અન્ય સુરક્ષા મુદ્દાઓ પર સમજૂતી કરવા તૈયાર નથી. હવે આગળ શું કરવું તેનો નિર્ણય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લેશે."
મુખ્ય વિવાદના મુદ્દાઓ:
આ વાટાઘાટોનો મુખ્ય ઉદ્દેશ્ય લેબનોનમાં ઈઝરાયેલના હુમલા રોકવા, હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ને જહાજોની અવરજવર માટે સુરક્ષિત રીતે ખુલ્લી મુકવી અને સીઝફાયરને મજબૂત કરવાનો હતો. જોકે, ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને તેલના ટેન્કરો પરના નિયંત્રણ મુદ્દે બંને પક્ષો વચ્ચે ગંભીર મતભેદો ઉભા થયા હતા, જે અંત સુધી ઉકેલી શકાયા નહોતા.
ઉચ્ચસ્તરીય પ્રતિનિધિઓની હાજરી:
આ મહાવર્તામાં અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સની સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર અને વિશેષ દૂત સ્ટીવ વિટકોફ હાજર રહ્યા હતા. જ્યારે ઈરાન તરફથી વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચી અને સંસદ સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફે પ્રતિનિધિત્વ કર્યું હતું. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરે આ મધ્યસ્થી ભૂમિકા ભજવી હતી. વાટાઘાટો નિષ્ફળ જતા હવે આગામી દિવસોમાં હોર્મુઝની સામુદ્રધુની અને લેબનોન સરહદે સંઘર્ષ વધુ ઉગ્ર બનવાની દહેશત સેવાઈ રહી છે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
