News of Monday, 20th April 2026
યુદ્ધના ભણકારા: હોર્મુઝમાં અમેરિકાએ ઈરાની જહાજ પર મિસાઈલ ડિસ્ટ્રોયરથી કર્યો હુમલો, જનરલ મુનીરની મધ્યસ્થી વચ્ચે ટ્રમ્પની આકરી કાર્યવાહીથી ગલ્ફમાં ખળભળાટ
ઈરાને અમેરિકાની કાર્યવાહીને 'સશસ્ત્ર ચાંચિયાગીરી' ગણાવી, તેલના ભાવમાં 6%નો ઉછાળો અને ઈસ્લામાબાદમાં 20,000 સૈનિકો ખડકાયા: શું મંત્રણા પહેલા જ બગડશે ખેલ?

ઈસ્લામાબાદ: વિશ્વ અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે ઉભું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો બે અઠવાડિયાનો યુદ્ધવિરામ બુધવારે સમાપ્ત થવા જઈ રહ્યો છે, પરંતુ તે પહેલા જ ઓમાનના અખાતમાં સર્જાયેલી એક સૈન્ય ઘટનાએ શાંતિની આશા પર પાણી ફેરવી દીધું છે. અમેરિકન નેવીએ નાકાબંધી તોડવાનો પ્રયાસ કરી રહેલા એક ઈરાની કાર્ગો જહાજને નિશાન બનાવી તેના એન્જિન રૂમ પર ગોળીબાર કરી તેને મધ્ય દરિયે જ ઠપ્પ કરી દીધું છે.
સમગ્ર ઘટનાક્રમ અને અમેરિકાનું કડક વલણ
યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જાહેર કરાયેલા વિડિયો મુજબ, અમેરિકન મરીન હેલિકોપ્ટર દ્વારા દોરડા વડે ઈરાની જહાજ પર ઉતરીને તેનો કબજો લેવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ કાર્યવાહીને વાજબી ઠેરવતા કહ્યું કે નાકાબંધીનો ભંગ કરનાર સામે આવી જ કાર્યવાહી થશે. જોકે, ઈરાને આને 'સશસ્ત્ર ચાંચિયાગીરી' ગણાવી છે અને દાવો કર્યો છે કે જહાજ ચીનથી આવી રહ્યું હતું અને તેમાં ક્રૂ સભ્યોના પરિવારો પણ હાજર હતા. ચીને પણ અમેરિકાના આ 'બળજબરીભર્યા અવરોધ' સામે કડક વિરોધ નોંધાવ્યો છે.
જનરલ મુનીર અને ટ્રમ્પ વચ્ચે 'હોટલાઈન' પર ચર્ચા
આ ભયાનક તણાવ વચ્ચે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર એક મહત્વના મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યા છે. જનરલ મુનીરે સીધો જ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંપર્ક કરી ચેતવણી આપી છે કે અમેરિકા દ્વારા કરવામાં આવેલી આ નાકાબંધી શાંતિ વાટાઘાટોમાં સૌથી મોટો 'રેડ ફ્લેગ' (ખતરાની નિશાની) છે. ટ્રમ્પે મુનીરની સલાહ પર વિચાર કરવાનું વચન આપ્યું છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ અત્યંત સ્ફોટક છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા તેની મિસાઈલ ક્ષમતા પર કાપ મુકવાની વાત કરશે તો કોઈ વાટાઘાટો શક્ય નથી.
ઈસ્લામાબાદમાં છાવણી જેવો માહોલ
સોમવારે સાંજે અમેરિકાનું હાઈ-પ્રોફાઈલ પ્રતિનિધિમંડળ જેમાં જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ સામેલ છે, તેઓ ઈસ્લામાબાદ પહોંચી રહ્યા છે. આ બેઠકની સુરક્ષા માટે પાકિસ્તાન સરકારે રાજધાનીમાં 20,000 થી વધુ પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરી દીધા છે. જોકે, ઈરાનના વિદેશ મંત્રાલયે હાલ પૂરતો મંત્રણામાં જોડાવાનો ઈનકાર કર્યો છે, જે પાકિસ્તાનની મધ્યસ્થીના પ્રયાસો માટે મોટો ઝટકો માનવામાં આવે છે.
વૈશ્વિક અર્થતંત્ર પર સંકટના વાદળો
હોર્મુઝની સામુદ્રધુની, જ્યાંથી દુનિયાનો 20% તેલ પુરવઠો પસાર થાય છે, ત્યાં ફરીથી નાકાબંધી થતા વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં રાતોરાત 6% નો વધારો ઝીંકાયો છે. શેરબજારોમાં પણ ભારે કડાકો જોવા મળ્યો છે. ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદરેઝા આરેફે સોશિયલ મીડિયા પર ખુલ્લી ધમકી આપી છે કે, "કાં તો બધા માટે મુક્ત તેલ બજાર હશે, અથવા બધાએ ભારે કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડશે." ટ્રમ્પની 'પાવર પ્લાન્ટ ઉડાવી દેવાની' ધમકી સામે ઈરાને પણ પડોશી આરબ દેશોમાં આવેલા અમેરિકન બેઝ પર હુમલો કરવાની તૈયારી બતાવી છે.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
