<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

હોર્મુઝમાં 'યુદ્ધ' જેવી સ્થિતિ: સમુદ્રની વચ્ચે જહાજો પર તાબડતોબ ગોળીબાર

ઈરાને સ્ટ્રેટ પર ફરી લાદ્યું કડક નિયંત્રણ : અમેરિકા સાથેના તણાવ અને તેલના ભાવમાં સંભવિત તોતિંગ વધારાને કારણે વૈશ્વિક બજારમાં ફફડાટ : બુધવાર સુધીનો સમય નિર્ણાયક

તેહરાન : વૈશ્વિક તેલ પુરવઠા માટે 'લાઈફલાઈન' ગણાતી હોર્મુઝ માં ફરી એકવાર સ્થિતિ સ્ફોટક બની છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) ના નૌકાદળે સામુદ્રધુનીમાંથી પસાર થઈ રહેલા બે વેપારી જહાજો પર કોઈપણ ચેતવણી વિના ગોળીબાર કર્યો હતો. બ્રિટિશ લશ્કરી એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના ઓમાનના દરિયાકિનારાથી આશરે 37 કિમી દૂર બની હતી. જોકે જહાજ પરના ક્રૂ સભ્યો સુરક્ષિત છે, પરંતુ આ હુમલાએ સાબિત કરી દીધું છે કે ઈરાને હવે આ માર્ગ પર પોતાનું લશ્કરી નિયંત્રણ અત્યંત કડક કરી દીધું છે.

ઈરાનનું કહેવું છે કે જ્યાં સુધી અમેરિકા તેની "નૌકાબંધી" દૂર નહીં કરે, ત્યાં સુધી કોઈપણ જહાજને પરવાનગી વગર આ માર્ગમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. ઈરાની સંસદની સુરક્ષા સમિતિના વડા ઈબ્રાહિમ અઝીઝીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હવેથી દરેક વેપારી જહાજે IRGC પાસેથી મંજૂરી લેવી પડશે અને 'ટોલ' પણ ચૂકવવો પડી શકે છે. ઈરાનનો આરોપ છે કે અમેરિકા નાકાબંધીના બહાને "દરિયાઈ લૂંટ" કરી રહ્યું છે, જેના જવાબમાં ઈરાને આ વ્યૂહાત્મક માર્ગ ફરીથી બંધ કરવાનો નિર્ણય લીધો છે.

આ તરફ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કડક વલણ અપનાવતા સંકેત આપ્યો છે કે જો 22 એપ્રિલ (બુધવાર) સુધીમાં શાંતિ કરાર નહીં થાય, તો પરિણામો ગંભીર આવી શકે છે. ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે હાલ 10 દિવસનો યુદ્ધવિરામ ચાલી રહ્યો છે, પરંતુ હોર્મુઝમાં સર્જાયેલી આ અરાજકતાએ વૈશ્વિક તેલ બજારમાં ખળભળાટ મચાવી દીધો છે. જો આ નાકાબંધી લાંબો સમય ચાલશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચશે, જેની સીધી અસર ભારત સહિત અનેક દેશોના અર્થતંત્ર પર પડશે.

(5:53 PM IST)