તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના ભણકારા: અમેરિકા અને ઈઝરાયલે જો સમજૂતી તોડી તો ઈરાન આપશે 'ચોખ્ખો જવાબ'; સ્પીકર ગાલિબાફની ખુલ્લી ચેતવણી
'ઝાયોનિસ્ટ શાસન અને વોશિંગ્ટન પોતાની પ્રતિબદ્ધતાઓનું સન્માન કરે' – બેલારુસના નેતા સાથેની બેઠકમાં તેહરાને પોતાના આકરા વલણથી દુનિયાને ચોંકાવી

તેહરાન : પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં માંડ-માંડ શાંતિ સ્થપાયાના એક મહિના બાદ ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાવા લાગ્યા છે. ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે શુક્રવારે વૈશ્વિક મંચ પરથી એક અત્યંત ગંભીર અને આકરી ચેતવણી જારી કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો અમેરિકા (USA) અને ઈઝરાયલ ગયા મહિને વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે પરસ્પર સંમતિથી થયેલા ઐતિહાસિક સમજૂતી કરાર (MoU) નું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો ઈરાન તેનો સણસણતો અને યોગ્ય જવાબ આપવા માટે સંપૂર્ણ તૈયાર છે અને પોતાના તમામ પરમાણુ કે સૈન્ય સંબંધિત 'પ્રમાણસર પગલાં' (Proportional Measures) તાત્કાલિક ધોરણે ફરી શરૂ કરી દેશે.
ઈરાનની સત્તાવાર સરકારી મીડિયા એજન્સી 'ISNA' ના અહેવાલ અનુસાર, સ્પીકર ગાલિબાફે આ આકરા પ્રહારો બેલારુસના સંસદ સ્પીકર ઇગોર સેર્ગેયેન્કો સાથે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક દરમિયાન કર્યા હતા. ગાલિબાફે જણાવ્યું હતું કે, "અમે આંતરરાષ્ટ્રીય સ્તરે જે પણ કરારો અને સમજૂતીઓ પર પહોંચ્યા છીએ, તેના સંપૂર્ણ અને પ્રામાણિક અમલીકરણની મક્કમ માંગ કરીએ છીએ. પરંતુ જો યુનાઇટેડ સ્ટેટ્સ અને ઝાયોનિસ્ટ શાસન (ઈઝરાયલ) પોતાની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓનું સન્માન નહીં કરે, તો ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન પણ શાંત બેસશે નહીં." તેમણે વધુમાં દાવો કર્યો હતો કે વોશિંગ્ટન હવે એ વાત સારી રીતે સ્વીકારી ચૂક્યું છે કે તે લશ્કરી તાકાતના જોરે ઈરાનનો સામનો કરી શકે તેમ નથી.
ઈઝરાયલના વિરોધથી કરાર પર સંકટના વાદળો
નોંધનીય છે કે ગયા મહિને થયેલા આ શાંતિ કરારની વાટાઘાટોમાં ઈઝરાયલ સીધી રીતે સામેલ ન હતું. આ જ કારણે ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સાર્વજનિક રીતે આ સમજૂતીથી પોતાને તદ્દન દૂર રાખ્યા છે. જોકે, આ કરારની પ્રારંભિક અને મુખ્ય કલમમાં સ્પષ્ટ લખાયું છે કે આ સમજૂતી પશ્ચિમ એશિયામાં યુદ્ધનો કાયમી અંત લાવવા માટે છે અને તે યુનાઇટેડ સ્ટેટ્સ, ઈરાન "અને તેમના તમામ સહયોગી અને સાથી દેશો" પર સમાન રીતે બંધનકર્તા રહેશે. આ શરતને કારણે જ ઈઝરાયલ પછાડા મારી રહ્યું છે અને કરારને તોડવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનો ઈરાનનો આરોપ છે.
ઈરાનનું શાસન ઉખેડી ફેંકવાની ઈઝરાયલની ઈચ્છા અધૂરી રહી
બીજી તરફ, ઈઝરાયલી સુરક્ષા સત્તાવાળાઓ અને વરિષ્ઠ અધિકારીઓએ આ અમેરિકા-ઈરાન કરારની આકરી ટીકા કરી છે. ઈઝરાયલનું માનવું છે કે આ કરાર યુદ્ધના મુખ્ય ઉદ્દેશ્યોને પૂરા કરવામાં તદ્દન નિષ્ફળ રહ્યો છે. ઈઝરાયલની મુખ્ય માંગ ઈરાનના પરમાણુ અને ખતરનાક બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમોને હંમેશા માટે તોડી પાડવાની તેમજ તેહરાનની વર્તમાન કટ્ટરપંથી સરકારનું પતન થાય તેવી પરિસ્થિતિઓનું નિર્માણ કરવાની હતી. પરંતુ અમેરિકાએ આ શરતો વિના જ કરાર કરી લેતા ઈઝરાયલ ખલેલ પહોંચાડી રહ્યું છે, જેને લઈને ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ પરિસ્થિતિ અને યુદ્ધ માટે સજ્જ છે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
