News of Wednesday, 22nd April 2026
રાજકારણમાં ‘શબ્દયુદ્ધ’ તેજ: પીએમ મોદી માટે ‘આતંકવાદી’ શબ્દના પ્રયોગથી ભાજપ લાલચોળ, નિર્મલા સીતારમણ સહિતના દિગ્ગજો પહોંચ્યા ચૂંટણી પંચના દ્વારે
મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે ભાજપનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ એક્શન મોડમાં: “વડાપ્રધાનનું અપમાન એ લોકશાહી વિરુદ્ધનું ઘૃણાસ્પદ કૃત્ય”, કોંગ્રેસ પાસે જાહેર માફીની માંગ

નવી દિલ્હી, તા.૨૨: દેશમાં ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય પક્ષો વચ્ચેની મર્યાદાઓ હવે લોપાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ‘આતંકવાદી’ શબ્દનો ઉપયોગ કરતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. આ મામલે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું છે અને બુધવારે કેન્દ્રીય મંત્રીઓનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સીધું ચૂંટણી પંચ (ECI) ને મળવા પહોંચ્યું હતું.
ચૂંટણી પંચ સમક્ષ ભાજપની કડક રજૂઆત
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, કિરેન રિજિજુ અને અર્જુન રામ મેઘવાલ સહિતના દિગ્ગજોએ ચૂંટણી પંચ સમક્ષ ખડગેના નિવેદન સામે સખત વાંધો નોંધાવ્યો છે. કિરેન રિજિજુએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “દેશના વડાપ્રધાનને આતંકવાદી કહેવું એ માત્ર અપમાન નથી પણ એક ગુનો છે. અત્યાર સુધી કોઈ પણ રાજકીય પક્ષે પીએમ પદની ગરિમાને આટલી નીચી કક્ષાએ હણી નથી. આ લોકશાહીને નબળી પાડવાનું ષડયંત્ર છે.”
“કોંગ્રેસ વારંવાર ખાડામાં પડી રહી છે” – નિર્મલા સીતારમણ
નાણામંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ પાસે પીએમ મોદી વિરુદ્ધ બોલવા માટે કોઈ મુદ્દા બચ્યા નથી, તેથી તેઓ હવે અપશબ્દો પર ઉતરી આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, “પીએમ મોદીએ આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી છે, ત્યારે તેમને જ આતંકવાદી કહેવા તે હાસ્યાસ્પદ અને નિંદનીય છે. અમે માંગ કરી છે કે ખડગે અને કોંગ્રેસ પાર્ટી સમગ્ર દેશની માફી માંગે.”
કેવી રીતે શરૂ થયો વિવાદ?
આ વિવાદની શરૂઆત મંગળવારે થઈ હતી, જ્યારે મલ્લિકાર્જુન ખડગે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત હતા. AIADMK અને ભાજપના જોડાણ પર નિશાન સાધતા તેમણે પીએમ મોદી માટે આ વિવાદાસ્પદ શબ્દ વાપર્યો હતો. જોકે, હોબાળો વધતા ખડગેએ સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો હતો કે પીએમ મોદી વિરોધીઓને ‘ધમકાવે’ છે અને ‘આતંકિત’ (Terrorize) કરે છે તે સંદર્ભમાં તેમણે વાત કરી હતી. પરંતુ ભાજપે આ સ્પષ્ટતાને ફગાવી દઈને કાયદેસરના પગલાંની માંગ કરી છે.
ચૂંટણી પંચની ભૂમિકા મહત્વની
ચૂંટણી આચારસંહિતાના અમલ વચ્ચે આ પ્રકારની ભાષાનો પ્રયોગ ઉમેદવારો કે પક્ષના વડાઓ કરી શકે નહીં. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પંચ આ મામલાને કેટલી ગંભીરતાથી લે છે અને મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ કોઈ શિક્ષાત્મક પગલાં ભરે છે કે કેમ.
રાજકીય નિષ્ણાતો માને છે કે ચૂંટણીના ટાણે આવા નિવેદનો જનતાના મન પર વિપરીત અસર પાડી શકે છે. ભાજપ આ મુદ્દાને હવે રાષ્ટ્રીય સ્તરે ઉઠાવીને કોંગ્રેસને ઘેરવાની તૈયારીમાં છે.
(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
