News of Thursday, 9th July 2026
મહાયુદ્ધના ભણકારા: ઈરાન સાથેનું યુદ્ધ એક દિવસ, અઠવાડિયું કે મહિનો ચાલશે? ડોનાલ્ડ ટ્રમ્પની ગર્જના- 'જો વળતો હુમલો થયો, તો ૧૦ ગણો ઘાતક પલટવાર કરીશું!'
હોર્મુઝની ખાડીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ૬૦ દિવસનો યુદ્ધવિરામ ખતમ: વ્હાઇટ હાઉસ કોઈપણ મોટી લશ્કરી કાર્યવાહી માટે સજ્જ, તેલના વૈશ્વિક બજારમાં ભારે ઉત્તેજના

વોશિંગ્ટન, તા.૦૯: પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલો ભીષણ તણાવ હવે આરપારની લડાઈ તરફ આગળ વધી રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર જાહેરાત કરી છે કે ઈરાન સાથે થયેલો ૬૦ દિવસનો યુદ્ધવિરામ કરાર હવે સંપૂર્ણપણે 'ખતમ' થઈ ગયો છે. વાણિજ્યિક જહાજો પર ઈરાન દ્વારા કરવામાં આવેલા તાજેતરના બોમ્બમારા બાદ અમેરિકાએ કડક વલણ અપનાવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિએ વ્હાઇટ હાઉસમાંથી રૌદ્ર સ્વરૂપમાં ચેતવણી આપતા કહ્યું છે કે, "જો તેઓ (ઈરાન) ફરી હુમલો કરશે, તો અમે દસ ગણો વધુ શક્તિશાળી અને ઘાતક પલટવાર કરીશું. જે કંઈ પણ થશે તે ખૂબ જ ઝડપથી સમાપ્ત થઈ જશે." આ સાથે જ ટ્રમ્પે દાવો કર્યો કે તેઓ વૈશ્વિક તેલના પુરવઠાને સુરક્ષિત કરશે જેથી ભવિષ્યમાં તેલ ખૂબ જ સરળતાથી અને મફતના ભાવે ઉપલબ્ધ થઈ શકે.
જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના આશાવાદી વલણથી વિપરિત વ્હાઇટ હાઉસના આંતરિક સૂત્રો અને સંરક્ષણ અધિકારીઓ કોઈ જોખમ લેવા માંગતા નથી. પ્રતિષ્ઠિત ન્યૂઝ આઉટલેટ 'એક્સિઓસ'ના અહેવાલ મુજબ, ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાન સાથે 'ફાયર એક્સચેન્જ' (સામસામે સૈન્ય હુમલા)ના એક લાંબા દોર માટેની ગુપ્ત તૈયારીઓ કરી રહ્યું છે. આ લશ્કરી સંઘર્ષ માત્ર થોડા દિવસો નહીં, પણ અઠવાડિયા કે મહિનાઓ સુધી ખેંચાઈ શકે છે. આ સંભવિત યુદ્ધનું મુખ્ય કેન્દ્રબિંદુ 'હોર્મુઝની ખાડી' (Strait of Hormuz) પર અંકુશ મેળવવાનું રહેશે, જે લાંબા સમયથી બંને દેશો વચ્ચે વિવાદનો મુખ્ય મુદ્દો રહ્યો છે. અમેરિકી અધિકારીઓના મતે હવે દડો સંપૂર્ણપણે તેહરાન (ઈરાન)ના કોર્ટમાં છે. જો ઈરાની સૈન્ય આ સાંકડા અને વ્યૂહાત્મક જળમાર્ગમાં વેપારી જહાજોને નિશાન બનાવવાનું બંધ નહીં કરે, તો વોશિંગ્ટન તેના સૈન્ય હુમલા અતિશય તીવ્ર બનાવશે.
અમેરિકાના બોમ્બમારા સામે ઈરાનનો પલટવાર:
યુદ્ધવિરામ તૂટતાંની સાથે જ અમેરિકાએ મહિનાઓમાં પહેલીવાર ઈરાનની અંદર ઘૂસીને તેના મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર લક્ષ્યો પર એરસ્ટ્રાઈક કરી હતી. આના જવાબમાં ઈરાને પણ કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય થાણાઓ (US Military Bases) પર મિસાઈલ હુમલા કરીને યુદ્ધની આગમાં ઘી હોમ્યું છે.
બીજી તરફ, ઈરાન પણ ઘૂંટણ ટેકવવા તૈયાર નથી અને તેનો સૂર અત્યંત આક્રમક છે. ઈરાનના વરિષ્ઠ વાટાઘાટકાર મોહમ્મદ બાઘર ગાલિબાફે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે હોર્મુઝની ખાડી માત્ર અને માત્ર 'ઈરાની શરતો અને ગોઠવણો' હેઠળ જ ખુલ્લી રહેશે, અને જો અન્ય કોઈ રૂટ પરથી જહાજો પસાર કરવાનો પ્રયાસ થશે તો તેની સામે કડક સૈન્ય કાર્યવાહી કરાશે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે ઓમાન નજીક સંયુક્ત રાષ્ટ્ર (UN) સમર્થિત વિસ્તારમાં એક જહાજ પર હુમલો થયા બાદ ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO) એ પોતાનું બચાવ કાર્ય અટકાવી દીધું છે અને ફસાયેલા ખલાસીઓ માટે ખાસ ઇમરજન્સી કોરિડોર બનાવવાની ફરજ પડી છે.
આ ભયાનક લશ્કરી તણાવ છતાં, વ્હાઇટ હાઉસ માટે રાહતના સમાચાર એ છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં સેંકડો ઓઈલ ટેન્કરો કોઈ પણ અડચણ વિના હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહ્યા છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની સપ્લાય ખોરવવાનો તત્કાલ ભય ટળ્યો છે. આ સ્થિતિએ અમેરિકાનો આત્મવિશ્વાસ વધાર્યો છે કે તે વૈશ્વિક ઉર્જા સંકટ ઊભું કર્યા વિના પણ ઈરાન પર પોતાનું સૈન્ય અને આર્થિક દબાણ મજબૂતાઈથી જાળવી રાખી શકે છે.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
