<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

મુંબઈમાં આભ ફાટ્યું: નવી મુંબઈના નેરુલમાં ભરાયેલા પાણી વચ્ચે રોડ પર કાળનો આંચકો, વીજકરંટ લાગતાં ૨ કૉલેજ કન્યાઓ ગંભીર

એલપી બ્રિજ નીચે શોર્ટ સર્કિટથી પાણીમાં કરંટ ફેલાયો; રસ્તા પર તડપતી યુવતીઓને લાકડીના સહારે બચાવાઈ, ભારે વરસાદથી માયાનગરી પાણી-પાણી

મુંબઈ : મુંબઈ અને તેની આસપાસના ઉપનગરોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ મુશળધાર વરસાદ વચ્ચે નવી મુંબઈના નેરુલ વિસ્તારમાંથી એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. અહીં એલપી બ્રિજ નીચે આવેલા બિકાનેર સ્વીટ્સની સામે એક વીજ લાઈનમાં અચાનક શોર્ટ સર્કિટ થયો હતો. બુધવારે બપોરે રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા હોવાથી, આ વાયરનો વીજપ્રવાહ સીધો પાણીમાં ઉતરી ગયો હતો. આ જીવલેણ કરંટના સંપર્કમાં ત્યાંથી પસાર થઈ રહેલી બે કૉલેજની નિર્દોષ છોકરીઓ આવી ગઈ હતી અને જોતજોતામાં રસ્તા પર જ ઢળી પડી હતી. આ ભયાનક દ્રશ્ય જોઈને સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ અને દોડધામ મચી ગઈ હતી.

લાકડીના સહારે કરાયું રેસ્ક્યૂ, હોસ્પિટલમાં જિંદગી મરણની જંગ

ઘટનાસ્થળેથી સામે આવેલા કાળજું કંપાવનારા વીડિયોમાં બંને છોકરીઓ રસ્તા પર પાણીની વચ્ચે અસહાય અવસ્થામાં પડેલી જોવા મળી રહી છે. આસપાસ વાહનો ફસાયેલાં છે અને કરંટના ડરથી કોઈ આગળ વધવાની હિંમત નહોતું કરી રહ્યું, તેવા સમયે એક બહાદુર નાગરિકે ઝાડની લાંબી ડાળી (લાકડી) નો ઉપયોગ કરીને પોતાના જીવના જોખમે બંને છોકરીઓને પાણીમાંથી બહાર ખેંચી કાઢી હતી. વીજકરંટના કારણે ગંભીર રીતે દાઝી ગયેલી બંને કૉલેજ કન્યાઓને તાત્કાલિક રિક્ષા મારફતે 'ડીવાય પાટિલ હોસ્પિટલ' ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે.

ચેમ્બુરમાં સ્કૂલ બસ પર ઝાડ પડતાં માસૂમનું મોત

મુંબઈમાં વરસાદી આફત માત્ર નેરુલ પૂરતી મર્યાદિત નથી. ગઈકાલે મંગળવારે બપોરે ચેમ્બુર પૂર્વના રોડ નંબર ૧૧ પર એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો, જેમાં ૬૦ વર્ષ જૂનું વિશાળ પીપળાનું ઝાડ એક સ્કૂલ બસ પર તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં ૧૧ વર્ષના માસૂમ બાળક વિહાન શ્રીવાસ્તવનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ૪ થી ૧૨ વર્ષની ઉંમરના અન્ય ચાર બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તો પૈકી એક બાળક હાલ આઈસીયુ (ICU) માં જિંદગીની જંગ લડી રહ્યું છે અને તેને તાત્કાલિક સર્જરીની જરૂર પડી છે.

હાઇવે અને બજારો જળમગ્ન, ટ્રાફિકની ગતિ થંભી

નવી મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પડેલા અવિરત વરસાદને કારણે સાયન-પનવેલ હાઇવેના કેટલાક મહત્વના ભાગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મુંબઈ અને નવી મુંબઈને જોડતા આ સૌથી વ્યસ્ત માર્ગ પર પાણી ભરાવાને કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિકની ગતિ સાવ ધીમી પડી ગઈ હતી. આ ઉપરાંત, વાશીના પ્રખ્યાત એપીએમસી (APMC) માર્કેટમાં પણ પૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા. બજારના વેપારીઓ અને મજૂરો અનાજની ભારે બોરીઓ અને નાશવંત માલસામાનને વરસાદના પાણીથી બચાવવા માટે ઘૂંટણસમા પાણીમાં કવાયત કરતા નજરે પડ્યા હતા.

(6:41 PM IST)