<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

કંગના રનૌતની ફિલ્મ 'ક્વીન ફૂલ પાવર' ની રિલીઝનો માર્ગ થયો મોકળો: બોમ્બે હાઈ કોર્ટે ફેન્ટમ સ્ટુડિયોઝની અરજી ફગાવી

૨૦૧૪ની પ્રખ્યાત ફિલ્મ 'ક્વીન' સાથે કોઈ સમાનતા નથી; ફિલ્મ અપહરણ પર આધારિત કોમિક થ્રિલર હોવાનું કોર્ટે નોંધ્યું, ૨૫૦ કરોડની વળતરની માંગ નકારાઈ

મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અભિનીત આગામી ફિલ્મ "ક્વીન ફૂલ પાવર" ની રિલીઝ સામેનો કાનૂની અવરોધ દૂર થઈ ગયો છે. બોમ્બે હાઈ કોર્ટે ફેન્ટમ સ્ટુડિયોઝ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે અને ફિલ્મ સામે વચગાળાનો મનાઈહુકમ (સ્ટે) આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. કોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્યું છે કે પ્રથમ દૃષ્ટિએ આ નવી ફિલ્મ અને વર્ષ ૨૦૧૪માં આવેલી કંગનાની જ સુપરહિટ ફિલ્મ 'ક્વીન' વચ્ચે કોઈ જ સમાનતા કે સામ્યતા જોવા મળતી નથી.

 

ન્યાયમૂર્તિ સંદીપ માર્નેની સિંગલ બેન્ચે આપેલા આ આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રસ્તાવિત ફિલ્મ એ ૨૦૧૪ની ફિલ્મની કોઈ 'સિક્વલ' કે 'રીબૂટ' નથી. બંને ફિલ્મોની વાર્તા, કથાનકો અને વિષયવસ્તુ બિલકુલ અલગ છે. કોર્ટે નોંધ્યું હતું કે પ્રસ્તાવિત ફિલ્મ એ મુખ્યત્વે અપહરણ પર આધારિત એક કોમિક થ્રિલર છે, જ્યારે મૂળ ૨૦૧૪ની 'ક્વીન' એક અલગ પ્રકારની રોમેન્ટિક અને ડ્રામા ફિલ્મ હતી. તેથી, ફિલ્મમાં માત્ર 'ક્વીન' શબ્દનો ઉપયોગ થયો હોવાથી દર્શકોમાં કોઈ ભ્રમણા કે મૂંઝવણ ઊભી થશે તેવી ફેન્ટમ સ્ટુડિયોઝની દલીલ પણ અદાલતે ફગાવી દીધી હતી.

 

અગાઉ, ફેન્ટમ સ્ટુડિયોઝે જિયોસ્ટાર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરીને દાવો કર્યો હતો કે મૂળ 'ક્વીન' ફિલ્મ સમયે થયેલા કરાર મુજબ ભવિષ્યની સિક્વલ કે પ્રિક્વલ પર બંને પક્ષોના ૫૦-૫૦ ટકા હકો રહેશે અને તેમણે આ નવી ફિલ્મ માટે કોઈ સંમતિ આપી નથી. આ સાથે જ સ્ટુડિયોએ ફિલ્મની રિલીઝ અટકાવવા માટે મનાઈહુકમની સાથે ૨૫૦ કરોડ રૂપિયાના નુકસાની વળતરની પણ માંગણી કરી હતી. જો કે, જિયોસ્ટારે રજૂઆત કરી હતી કે કંગનાની આ નવી ફિલ્મ સંપૂર્ણપણે મૌલિક અને સ્વતંત્ર વાર્તા પર આધારિત છે.

 

કોર્ટે તમામ દલીલોને ધ્યાનમાં રાખીને ફેન્ટમ સ્ટુડિયોઝનો દાવો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ ફગાવી દીધી હતી. હાઈ કોર્ટના આ ચુકાદાથી નિર્માતાઓને મોટી રાહત મળી છે અને હવે ફિલ્મની રિલીઝનો રસ્તો સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે.

(6:15 PM IST)