તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
આપણે નેહરૂની ભૂલનું પરિણામ ભોગવી રહ્યા છીએઃ ફારૂક અબ્દુલ્લાનો મોટો ધડાકો
SIR અને ચૂંટણી પંચ મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહારો : મતદાર યાદીમાંથી નામ હટાવવાને મુસ્લિમો વિરુદ્ધનું મોટું રાજકીય ષડયંત્ર ગણાવ્યું

શ્રીનગર, તા.૫: નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ શ્રીનગરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન દેશના પ્રથમ વડાપ્રધાન પં. જવાહરલાલ નેહરુની એક ઐતિહાસિક ભૂલ તરફ ઈશારો કરતા રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને લ્ત્ય્ પ્રક્રિયા પર સવાલો ઉઠાવતા ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, ‘આપણે આજે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ, તે જવાહરલાલ નેહરુના સમયની એક મોટી ભૂલનું પરિણામ છે.' તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જો તે સમયે ચૂંટણી પંચને સંપૂર્ણપણે સ્વતંત્ર અને સ્વાયત્ત બનાવવામાં આવ્યું હોત, તો આજે દેશને આ પ્રકારના સંકટો કે ચૂંટણી સંસ્થાઓ પર સવાલો ઉઠાવવાની નોબત ન આવત.
વર્તમાન કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચની કામકાજ શૈલી પર પ્રહાર કરતા અબ્દુલ્લાએ આરોપ લગાવ્યો કે એસઆઈઆર (SIR) પ્રક્રિયા અંતર્ગત જાણી જોઈને અને પસંદગીપૂર્વક માત્ર મુસ્લિમ સમુદાયના લોકોના નામ મતદાર યાદીમાંથી રદ કરવામાં આવ્યા છે. આ ગંભીર બાબતનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે આ કોઈ સામાન્ય તકનીકી ખામી નથી, પરંતુ લઘુમતીઓના અવાજને કચડી નાખવાનું અને સત્તામાં કાયમ ટકી રહેવાનું એક સુઆયોજિત રાજકીય ષડયંત્ર છે. તેમણે પ્રખ્યાત વકીલ કપિલ સિબ્બલ સહિતના અનેક અગ્રણી વ્યક્તિઓના નામ પણ યાદીમાંથી ગાયબ હોવાનું ઉદાહરણ આપીને સરકારની મનમાની સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. વધુમાં, મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક અંગે બોલતા તેમણે કહ્યું કે સમિતિમાં સરકારી સભ્યોની બહુમતી હોવાના કારણે વિપક્ષની સ્થિતિ લાચાર બની જાય છે અને સત્તાધીશો પોતાની મિલીભગતથી મનપસંદ નિયુક્તિઓ કરે છે.
આ તમામ વિવાદો અને વિરોધો વચ્ચે આશાવાદ વ્યક્ત કરતા ફારુક અબ્દુલ્લાએ અંતમાં ભારપૂર્વક જણાવ્યું કે દેશમાં હવે પરિવર્તનના પવન ફૂંકાઈ રહ્યા છે અને જનતામાં સરકાર સામે અવાજ ઉઠાવવાની હિંમત આવી ગઈ છે. મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં જનતા દ્વારા થઈ રહેલા પ્રદર્શનો આ વાતની સાક્ષી પૂરે છે કે ભારતની મૂળભૂત ભાવના અને લોકશાહીનો વિચાર હજુ પણ જીવંત છે. તેમણે દાવો કર્યો હતો કે શોષણ અને દમનની આ નીતિઓ લાંબો સમય ટકશે નહીં અને ગમે તે ભલે દેશમાં સકારાત્મક પરિવર્તન ચોક્કસ આવશે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
