તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
૭ ઓક્ટોબરના હુમલાના તમામ મુખ્ય સૂત્રધારોનો સફાયો કરવાની અમે ખૂબ જ નજીક છીએ - ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો મોટો દાવો
હમાસની સશસ્ત્ર પાંખના કમાન્ડર એઝેદ્દીન અલ-હદ્દાદના મોત બાદ સાપ્તાહિક કેબિનેટ બેઠકમાં પીએમનું નિવેદન : ગઝાના ૬૦ ટકા વિસ્તાર પર ઈઝરાયેલી સેનાનું નિયંત્રણ હોવાની પણ કરી પુષ્ટિ

જેરૂસલેમ : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા લાંબા સંઘર્ષની વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે એક બહુ મોટું નિવેદન આપ્યું છે. વડાપ્રધાને સાપ્તાહિક કેબિનેટ બેઠક દરમિયાન સત્તાવાર રીતે જણાવ્યું હતું કે ગઝામાં ચાલી રહેલા યુદ્ધના એક મુખ્ય લક્ષ્ય એટલે કે ૭ ઓક્ટોબરના ભયાનક આતંકી હુમલાનું આયોજન કરનારા તમામ આર્કિટેક્ટ્સ (સૂત્રધારો) નો સફાયો કરવાની દિશામાં ઈઝરાયેલ લગભગ સફળતાની ખૂબ જ નજીક પહોંચી ગયું છે. વડાપ્રધાનનું આ નિવેદન ઈઝરાયેલી સેના દ્વારા શુક્રવારે ગઝામાં કરવામાં આવેલા એક મોટા હવાઈ હુમલામાં હમાસની સશસ્ત્ર પાંખના પ્રભાવશાળી કમાન્ડર એઝેદ્દીન અલ-હદ્દાદને મારી નાખવાની સત્તાવાર જાહેરાત બાદ સામે આવ્યું છે.
બેન્જામિન નેતન્યાહૂએ કેબિનેટ બેઠકમાં એઝેદ્દીન અલ-હદ્દાદને એક અધમ આતંકવાદી ગણાવતા ભારપૂર્વક કહ્યું હતું કે, “મેં દેશની જનતાને વચન આપ્યું હતું કે ૭ ઓક્ટોબરના નરસંહાર અને નાગરિકોને બંધક બનાવવા પાછળ રહેલા એક-એક આર્કિટેક્ટને છેલ્લા માણસ સુધી શોધીને ખતમ કરવામાં આવશે અને આજે આપણે આ મિશન પૂર્ણ કરવાની ખૂબ જ નજીક છીએ.” અત્રે ઉલ્લેખનીય છે કે ૭ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા સીમાપારના આચનક હુમલામાં ઈઝરાયેલમાં સત્તાવાર આંકડાઓ અનુસાર અંદાજે ૧,૨૨૧ લોકોના મોત થયા હતા, ત્યારબાદ ઈઝરાયેલી સેના અને જાસૂસી સંસ્થાઓએ આ હુમલા પાછળના માસ્ટરમાઇન્ડને ખતમ કરવા માટે વૈશ્વિક સ્તરે મોટું અભિયાન શરૂ કર્યું હતું.
આ યુદ્ધ દરમિયાન ઈઝરાયેલે અગાઉ પણ હમાસના કેટલાક સર્વોચ્ચ રાજકીય અને લશ્કરી નેતાઓની હત્યા કરવાની જવાબદારી સ્વીકારી છે. જેમાં ૭ ઓક્ટોબરના હુમલાના મુખ્ય સૂત્રધાર ગણાતા યાહ્યા સિનવાર અને હમાસની સશસ્ત્ર પાંખના લાંબા સમય સુધી કમાન્ડર રહેલા મોહમ્મદ દૈફનો પણ સમાવેશ થાય છે. આ આક્રમક સૈન્ય કાર્યવાહી વચ્ચે રવિવારે વડાપ્રધાન નેતન્યાહૂએ એ બાબતની પણ પુષ્ટિ કરી હતી કે વર્તમાન સમયમાં ઈઝરાયેલી સશસ્ત્ર દળો ગઝા પટ્ટીના ૬૦ ટકા જેટલા ભૌગોલિક વિસ્તાર પર પોતાનું સીધું લશ્કરી નિયંત્રણ ધરાવે છે.
ઈઝરાયેલી સેનાનું ગઝામાં વધી રહેલું આ નિયંત્રણ તાજેતરના મીડિયા અહેવાલોને સમર્થન આપે છે, જેમાં જણાવાયું હતું કે ઈઝરાયેલી સૈનિકો નવી નિર્ધારિત કરવામાં આવેલી ‘ઓરેન્જ લાઇન’ તરફ આગળ વધી રહ્યા છે. આ અગાઉ અમેરિકાની મધ્યસ્થીથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ૧૦ ઓક્ટોબરથી અમલમાં આવેલી યુદ્ધવિરામની શરતો અનુસાર, ઈઝરાયેલી દળોએ ગઝામાં ‘યલો લાઇન’ સુધી પાછા હટવાનું હતું, જે અંતર્ગત તેઓ પેલેસ્ટાઈની વિસ્તારના ૫૦ ટકાથી વધુ ભાગ પર નિયંત્રણ ધરાવતા હતા. નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “હમાસ અત્યારે આપણી પકડમાં છે. આપણે બરાબર જાણીએ છીએ કે આપણું મિશન શું છે, અને આપણું મિશન એ સુનિશ્ચિત કરવાનું છે કે ગઝા ભવિષ્યમાં ક્યારેય ઈઝરાયેલ માટે ખતરો ન બની શકે.”
બીજી તરફ, ઓક્ટોબર ૨૦૨૩ ના હુમલા બાદ હમાસ વિરુદ્ધ શરૂ કરાયેલા ઈઝરાયેલના સૈન્ય અભિયાનને કારણે ગઝામાં અત્યાર સુધીમાં ૭૨,૭૦૦ થી વધુ લોકોના મોત થયા હોવાનું હમાસ સત્તાવાળાઓ હેઠળ કાર્યરત ગઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે, જેમાં મોટાભાગની સંખ્યા સામાન્ય નાગરિકોની છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) પણ આ આંકડાઓને વિશ્વસનીય માને છે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
