તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
હમ બને તુમ બને એક દુજે કે લિયેઃ ભાજપ-અકાલી ફરી સાથે
ગુરુ નાનક જયંતિના પાવન અવસરે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં અમિત શાહે કર્યું એલાન : પંજાબમાં અકાલી દળ ‘મોટા ભાઈ'ની ભૂમિકામાં રહેશે અને મુખ્યમંત્રી તેમના જ પક્ષના હશેઃ ૩૧ ડિસેમ્બર ૨૦૨૯ સુધીમાં રાજ્યને સંપૂર્ણ ડ્રગમુક્ત બનાવવાનો NDAનો સંકલ્પ

નવી દિલ્હી, તા.૨૪: પંજાબ વિધાનસભાની આગામી ચૂંટણી પૂર્વે રાજ્યના રાજકીય સમીકરણોમાં સૌથી મોટો ફેરફાર જોવા મળ્યો છે, જ્યાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને શિરોમણી અકાલી દળે છ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર હાથ મિલાવ્યા છે. ગુરુ નાનક દેવજીની જન્મજયંતિના શુભ અવસરે દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલય ખાતે કેન્દ્રીય ગળહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે આ ઐતિહાસિક ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી હતી. સુખબીર બાદલનું NDAમાં સ્વાગત કરતા અમિત શાહે આ જોડાણને હિન્દુ અને શીખ ભાઈચારાનું પ્રતીક ગણાવ્યું હતું અને વચન આપ્યું હતું કે પંજાબમાં તેમની સરકાર બનશે તો ૩૧ ડિસેમ્બર, ૨૦૨૯ સુધીમાં રાજ્યને સંપૂર્ણપણે ડ્રગમુક્ત બનાવવામાં આવશે, તેમજ ખેડૂતોના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે.
આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને આ જોડાણને પંજાબ અને દેશના હિતમાં લેવાયેલો કુદરતી નિર્ણય ગણાવીને મહારાજા રણજીત સિંહના સુશાસનના વિઝનને આગળ ધપાવવાની વાત કરી હતી. બીજી તરફ, અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે ૧૯૯૬માં અટલ બિહારી વાજપેયી અને પ્રકાશ સિંહ બાદલે નાખેલા ગઠબંધનના પાયાને યાદ કરતા જણાવ્યું હતું કે આજે પંજાબના યુવાનો, ખેડૂતો અને મજૂરોને ડ્રગ માફિયા અને ભ્રષ્ટાચારથી બચાવવા માટે ડબલ-એન્જિન સરકારની તાતી જરૂર છે. નેતળત્વ અંગે સ્પષ્ટતા કરતા અમિત શાહે જણાવ્યું હતું કે પંજાબની તમામ ૧૧૭ બેઠકો પર બંને પક્ષો સાથે મળીને લડશે, જેમાં અકાલી દળ મોટા ભાઈની ભૂમિકામાં રહેશે અને મુખ્યમંત્રી પદ પણ તેમની પાસે જ રહેશે.
ઉલ્લેખનીય છે કે ૧૯૯૬ થી ૨૦૨૦ સુધી બંને પક્ષો સાથે રહ્યા હતા અને ૧૯૯૭, ૨૦૦૭ તેમજ ૨૦૧૨માં પંજાબમાં સંયુક્ત સરકાર બનાવી હતી, પરંતુ સપ્ટેમ્બર ૨૦૨૦માં કેન્દ્રના ત્રણ કળષિ કાયદાઓના વિરોધમાં હરસિમરત કૌર બાદલે મંત્રીમંડળમાંથી રાજીનામું આપીને અકાલી દળે ગઠબંધન તોડી નાખ્યું હતું. હવે છ વર્ષ બાદ લાંબી ચર્ચા-વિચારણા અને મતભેદો ઉકેલ્યા બાદ બંને પક્ષો ફરી એક મંચ પર આવ્યા છે, જોકે સૂત્રોના જણાવ્યા મુજબ ૧૧૭માંથી બેઠકોની વહેંચણી મુદ્દે હજુ પણ ખેંચતાણ ચાલી રહી છે, જ્યાં ભાજપ ૫૫ બેઠકોની માંગ કરી રહ્યું છે જ્યારે અકાલી દળ લગભગ ૪૫ બેઠકો આપવા તૈયાર હોવાનું જાણવા મળ્યું છે.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
