તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
અમે તમને જનતાની સામે ખુલ્લા પાડીશું : જામીનનો વિરોધ અને ટ્રાયલમાં ઢીલ બદલ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારના ઉતાર્યા છોતરાં
એક તરફ આરોપીઓને જેલમાં સડવા દેવા માટે સરકારી વકીલો એડીચોટીનું જોર લગાવે છે, તો બીજી તરફ વર્ષો સુધી સાક્ષીઓ તપાસવામાં તંત્રના પેટનું પાણીય નથી હલતું : મહારાષ્ટ્ર સરકારના આ 'ડબલ સ્ટાન્ડર્ડ' સામે કોર્ટે લાલ આંખ કરીને કડક નીતિ ઘડવાનો આદેશ આપ્યો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની બેધારી નીતિઓ પર આકરા પ્રહારો કરતા ચેતવણી આપી છે કે જો આવી જ બેદરકારી ચાલુ રહેશે તો અદાલત તેને જાહેરમાં "ખુલ્લી" પાડી દેશે. જસ્ટિસ હસનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચ સમક્ષ એક વિદેશી નાગરિકની જામીન અરજીની સુનાવણી ચાલી રહી હતી, ત્યારે અદાલતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકાર આરોપીઓની જામીન અરજીઓનો કોર્ટમાં એડીચોટીનું જોર લગાવીને વિરોધ કરે છે, પરંતુ જ્યારે ફોજદારી કેસોની ટ્રાયલ ઝડપી બનાવવાની વાત આવે છે ત્યારે તે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થાય છે. ન્યાયાધીશોએ ટિપ્પણી કરી હતી કે રોજ મહારાષ્ટ્રમાંથી આવા કિસ્સાઓ સામે આવે છે જ્યાં કાયદાકીય પ્રક્રિયાના નામે વ્યક્તિની સ્વતંત્રતા છીનવી લેવાય છે પરંતુ ન્યાય આપવામાં ઢીલ થાય છે.
આ કેસની ચોંકાવનારી વિગતો મુજબ, અપહરણ અને હત્યાના કેસમાં પકડાયેલો એક વિદેશી આરોપી છેલ્લા ચાર વર્ષથી જેલમાં બંધ છે. ટ્રાયલ કોર્ટમાં તેનો કેસ 86 વખત તારીખ પર લિસ્ટ થયો હોવા છતાં, સરકારી તંત્ર તેને 53 વખત કોર્ટમાં રજૂ કરવામાં જ નિષ્ફળ રહ્યું હતું. સુપ્રીમ કોર્ટે આને રાજ્ય સરકારની ગંભીર બેદરકારી ગણાવી છે. કોર્ટે ભારે આશ્ચર્ય અને શરમ વ્યક્ત કરતા કહ્યું કે, ચાર વર્ષના લાંબા સમયગાળામાં કુલ 34 સાક્ષીઓમાંથી માત્ર બે જ સાક્ષીઓની તપાસ કરવામાં આવી છે. આ પ્રકારનો ગોકળગાયની ગતિએ ચાલતો ન્યાય તંત્રની નબળાઈઓ છતી કરે છે અને જેલમાં બંધ વ્યક્તિના ઝડપી ટ્રાયલ મેળવવાના મૂળભૂત અધિકારનું સરેઆમ ઉલ્લંઘન કરે છે.
જોકે, મહારાષ્ટ્ર સરકાર વતી હાજર રહેલા વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે હવે તેઓ ભૂલો સુધારી રહ્યા છે અને દરેક સુનાવણી પર આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવી રહ્યો છે. પરંતુ સુપ્રીમ કોર્ટ આટલી ખાતરીથી સંતુષ્ટ થઈ નહોતી. બેન્ચે મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો છે કે તેઓ ટ્રાયલની કાર્યવાહી ઝડપી બનાવવા માટે એક નક્કર અને કડક નીતિ ઘડે. કોર્ટે ગાઈડલાઈન આપતા કહ્યું કે હવેથી દર અઠવાડિયે ઓછામાં ઓછા ચાર સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવે અને તેની પ્રગતિનો રેકોર્ડ ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂ થવો જોઈએ. અદાલતે ચીમકી આપી છે કે જો ભવિષ્યમાં તંત્રની આવી ઢીલી નીતિને કારણે કોઈ કેસ લંબાયો, તો સરકાર પર ભારે દંડ સાથે આકરા આદેશો પસાર કરવામાં કોઈ ખચકાટ રાખવામાં નહીં આવે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
