<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

‘પૈસા મોકલી દઈશું, તમે અંતિમ સંસ્‍કાર કરી દો,':૪-૪ દીકરા હોવા છતાં માતાના અંતિમ સંસ્‍કારમાં એકય ન આવ્‍યો

ચાર-ચાર સગા દીકરા હોવા છતાં વૃદ્ધ માતાના મૃતદેહને અંતિમ સંસ્‍કાર માટે ત્રણ દિવસ સુધી રાહ જોવી પડી : દીકરાઓએ માતાને મુખાગ્નિ આપવાની અને અંતિમ વિધિમાં હાજર રહેવાની સ્‍પષ્ટ ના પાડી દીધીઃ આખરે સમાજસેવકોએ આગળ આવીને વૃદ્ધાની અંતિમ વિધિઓ પૂરી કરી

ઈન્‍દોરઃ તા.૧૯: મધ્‍ય પ્રદેશના ઈન્‍દોરથી આંખોમાં પાણી આવી જાય એવો બનાવ સામે આવ્‍યો છે. જેમાં ચાર દીકરા હોવા છતાં એક વૃદ્ધ માતાના મૃતદેહને અંતિમ સંસ્‍કાર માટે ત્રણ દિવસ સુધી રાહ જોવી પડી. આરોપ છે કે, દીકરાઓએ માતાના અંતિમ સંસ્‍કારમાં આવવાની અને મુખાગ્નિ આપવાની ચોખ્‍ખી ના પાડી દીધી. ત્‍યારબાદ સમાજસેવકોએ આગળ આવીને મહિલાના અંતિમ સંસ્‍કાર કર્યા.

આ બનાવ ઈન્‍દોરના સિલિકોન સિટી ખાતે આવેલી ગણેશ રેસિડેન્‍સીનો છે. અહીં રહેતા ૬૦ વર્ષીય લતાબાઈનું ૧૩ સપ્‍ટેમ્‍બરે એક હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. ત્‍યારબાદ તેમના નિધનની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી. ત્રણ દિવસ સુધી રાહ જોવા છતાં પરિવારજનો અંતિમ સંસ્‍કાર માટે ન આવતા સમાજસેવકોએ તેમના અંતિમ સંસ્‍કારની જવાબદારી ઉઠાવી અને લતાબાઈના અંતિમ સંસ્‍કાર કર્યા.

માહિતી મુજબ, લતાબાઈએ પોતાના જીવનભરની જમા પૂંજી અને ઘરેણાં વેચીને ગણેશ રેસિડેન્‍સીમાં એક ફલેટ ખરીદ્યો હતો. જોકે, ચારેય દીકરાઓએ છેતરપિડીથી તે ફલેટ પોતાના નામે કરાવી લીધો અને વૃદ્ધ માતાને ઘરમાંથી કાઢી મૂક્‍યા. ઘરમાંથી કાઢી મૂક્‍યા પછી લતાબાઈ આમ તેમ ભટકી રહ્યા હતા. ત્‍યારબાદ સમાજસેવી સંસ્‍થા ‘પ્રિયુ ફાઉન્‍ડેશન'ના અજય નાગદાએ તેમને પોતાના વૃદ્ધાશ્રમમાં આશરો આપ્‍યો.

લતાબાઈ લાંબા સમયથી ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. જ્‍યારે તેમની તબિયત વધુ બગડી ત્‍યારે તેમને ઈન્‍દોરની MY હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. આશ્રમ સંચાલકોએ ચારેય દીકરાઓને ફોન કરીને માતાની ગંભીર હાલતની જાણ કરી હતી, પણ દીકરાઓએ એકબીજા પર જવાબદારી નાખવાનું શરૂ કર્યું હતું. કોઈ કહેતું હતું કે નાનો ભાઈ આવશે, તો કોઈ મોટા ભાઈના આવવાની વાત કરતું હતું. પણ એકપણ દીકરો માતાની ખબર અંતર પૂછવા હોસ્‍પિટલ ન પહોંચ્‍યો.

આ દરમિયાન ૧૩ સપ્‍ટેમ્‍બરે હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન લતાબાઈનું અવસાન થયું. વૃદ્ધાશ્રમ દ્વારા આ અંગેની જાણ તેમના દીકરાઓને કરવામાં આવી હતી અને અંતિમ સંસ્‍કાર કરવા માટે કહેવામાં આવ્‍યું હતું. ત્‍યારે તેમણે અંતિમ સંસ્‍કારમાં આવવાની ચોખ્‍ખી ના પાડી દીધી. નફફટાઈની હદો પાર કરીને દીકરાઓએ આશ્રમના સંચાલકોને કહ્યું કે, તેઓ ઈન્‍દોર આવી શકે તેમ નથી, તેથી બધી વિધી કરીને તેઓ અંતિમ સંસ્‍કાર કરી દે, જે ખર્ચ થશે એ તેમને ઓનલાઈન ટ્રાન્‍સફર કરી દેવામાં આવશે.

સગા દીકરાઓની આ વાત સાંભળ્‍યા પછી પરવાહ ફાઉન્‍ડેશન અને સ્‍થાનિક સમાજસેવકોએ મળીને હિન્‍દુ રીતિ-રિવાજ મુજબ લતાબાઈના અંતિમ સંસ્‍કાર કર્યા. આ ઘટના બાદ આવા દીકરાઓ સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

(10:32 AM IST)