News of Wednesday, 6th May 2026
દેશના અનેક ભાગોના વાતાવરણમાં પલટો આવશે: દિલ્હી-NCR અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકશે
મધ્ય -દક્ષિણ ભારતમાં પણ માવઠું જોર પકડશે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આગામી 5 દિવસ હળવો વરસાદ રહેશે:વિદર્ભમાં કરા પડવાની શક્યતા:તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં આગામી 5 થી 7 દિવસ સુધી વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી

નવી દિલ્હી :ભારતીય હવામાન વિભાગે 7 મેથી 12 મે દરમિયાન દેશના અનેક ભાગોના વાતાવરણમાં મોટાફેરફાર થવાની ચેતવણી આપી છે. ઉત્તર ભારતથી લઈને પશ્ચિમ બંગાળ સુધીના રાજ્યોમાં આંધિ-તોફાન સાથે કમોસમી વરસાદનો યુ-ટર્ન થવાના એંધાણ છે. જમ્મુ-કાશ્મીર, દિલ્હી-NCR અને ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, ત્યારે અન્ય ભાગોમાં વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થતા 'કૂલ-કૂલ' મે મહિનાનો અનુભવ થશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક સપ્તાહ દરમિયાન દેશના વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં હવામાનના અલગ-અલગ રંગ જોવા મળશે. ઉત્તરાખંડમાં 7 થી 8 મે દરમિયાન અને હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને રાજસ્થાનમાં 7 મેના રોજ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉત્તર પ્રદેશમાં 7 મેના રોજ તેજ પવન ફૂંકાઈ શકે છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની પણ સંભાવના છે, જે પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર હોઈ શકે છે. જોકે, ઉત્તર-પશ્ચિમ ભારતમાં 10 મે સુધીમાં તાપમાનમાં 5-7°C નો ક્રમશઃ વધારો થવાની ધારણા છે, ત્યારબાદ 11 અને 12 મેના રોજ પારો સ્થિર રહેશે.
પૂર્વોત્તર ભારતની વાત કરીએ તો આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરામાં 6 થી 10 મે દરમિયાન વ્યાપક વરસાદ અને તેજ પવનની આગાહી છે. ખાસ કરીને અરુણાચલ પ્રદેશમાં પણ આ દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. બીજી તરફ, બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે આંદામાન અને નિકોબાર ટાપુઓ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 7 થી 9 મે દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ આગામી 7 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે.
મધ્ય -દક્ષિણ ભારતમાં પણ માવઠું જોર પકડશે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આગામી 5 દિવસ હળવો વરસાદ રહેશે, જ્યારે વિદર્ભમાં 6 મેના રોજ કરા પડવાની શક્યતા છે. દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં આગામી 5 થી 7 દિવસ સુધી વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ આંતરિક કર્ણાટકમાં 7 અને 8 મેના રોજ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આમ, સમગ્ર ભારતમાં કુદરતી ફેરફારોને કારણે ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદી માહોલ જોવા મળશે.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
