<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

દેશભરમાં હવામાનનો મિજાજ બદલાયો: આગામી 7 દિવસ ભારે વરસાદ અને 70 કિમીની ઝડપે ફૂંકાતા વાવાઝોડાની આગાહી, ગરમી અને મેઘરાજાનો રહેશે સંયુક્ત પ્રકોપ!

ભારતીય હવામાન વિભાગની ચેતવણી: દક્ષિણ ભારતથી લઈને પૂર્વોત્તર રાજ્યો સુધી રેડ એલર્ટ, એક તરફ આકરી ગરમી તો બીજી તરફ તોફાની વરસાદનો બેવડો માર.

નવી દિલ્હી : સમગ્ર દેશમાં હાલ હવામાન અત્યંત અસ્થિર બની રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 7 દિવસ માટે જારી કરવામાં આવેલી ચેતવણી મુજબ, દેશના મોટાભાગના વિસ્તારોએ કુદરતના મિજાજ સામે સાવધ રહેવું પડશે. એક તરફ જમ્મુથી લઈને દક્ષિણ બિહાર સુધી સક્રિય થયેલા વિવિધ ચક્રવાતી પરિભ્રમણ અને પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળી રહી છે, તો બીજી તરફ 28 મેથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં વધુ એક નવા પશ્ચિમી વિક્ષેપના આગમન સાથે વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે.
દક્ષિણ ભારતમાં મેઘરાજાનું જોર વધશે. આગામી 29 મે સુધી કેરળ, માહે અને લક્ષદ્વીપમાં વ્યાપક વરસાદની સાથે તેજ પવન ફૂંકાવાની આગાહી છે. તમિલનાડુ, પુડુચેરી, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વાવાઝોડાની ગતિ 50 થી 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, સાથે જ કરા પડવાની પણ સંભાવના છે. પૂર્વોત્તરના રાજ્યો જેવા કે આસામ અને મેઘાલયમાં આજે અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જે જનજીવનને પ્રભાવિત કરી શકે છે.
પૂર્વ ભારતના પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર અને ઓડિશામાં પણ વાવાઝોડા અને ભારે વરસાદનો દોર ચાલુ રહેશે. મધ્ય ભારતના મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં 31 મે સુધી વરસાદી માહોલ રહેશે. જોકે, એક તરફ આ વરસાદની આગાહી છે, તો બીજી તરફ મહારાષ્ટ્ર સહિત દેશના ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં ગરમીનો પારો પણ ઉંચકાઈ રહ્યો છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આવનારા 4-5 દિવસ ગરમીનું પ્રમાણ વધવાની અને કેટલીક જગ્યાએ હીટવેવ જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે.
હવામાન વિભાગે નાગરિકોને ચેતવણી આપી છે કે ભારે પવન અને વાવાઝોડા દરમિયાન સુરક્ષિત સ્થળોએ આશરો લેવો અને પ્રવાસ કરવાનું ટાળવું. અત્યંત ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી સ્થાનિક વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ પર છે. આ મે મહિનાનો અંતિમ અઠવાડિયું ગરમી અને ચોમાસાના આગમન પૂર્વેના તોફાની સંકેતો વચ્ચે આખા દેશ માટે હવામાનની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ બની રહેશે.

(6:02 PM IST)