તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th October 2026
દેશભરમાં હવામાનનો મિજાજ બદલાયો: શનિવારે ૨૦ રાજ્યોમાં વરસાદ અને જોરદાર પવનો ફૂંકાવાની હવામાન વિભાગની ચેતવણી
દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના; પર્વતીય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે

નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં આગામી શનિવારે હવામાનમાં મોટો પલટો જોવા મળવાની સંભાવના છે. રાષ્ટ્રીય હવામાન વિભાગ (IMD) દ્વારાારી કરવામાં આવેલા અહેવાલ મુજબ, ૧૦ ઓક્ટોબરે દેશના ઓછામાં ઓછા ૨૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પશ્ચિમ અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ૫૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં હવામાન મિશ્ર રહેશે. ઉત્તર પ્રદેશના પૂર્વી વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે, જ્યારે પશ્ચિમી ભાગોમાં કેટલાક સ્થળોએ હળવા ઝરમર વરસાદ અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં નીચા વાતાવરણીય સ્તરમાં સર્જાયેલા ચક્રવાતી પરિભ્રમણને કારણે આ ફેરફાર જોવા મળી રહ્યો છે.
બિહારમાં પણ ૧૧ ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદી માહોલ જળવાઈ રહેવાની આગાહી કરવામાં આવી છે, જોકે રાજ્યમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા પણ ધીમે ધીમે આગળ વધી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ૧૦ ઓક્ટોબરે આકાશ આંશિક રીતે વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન ૩૨ થી ૩૪ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. દિલ્હી, હરિયાણા અને ચંદીગઢમાં આગામી ત્રણ દિવસ સુધી ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વાવાઝોડાની સંભાવના છે.
પર્વતીય રાજ્યોમાં પણ હવામાનનો મિજાજ બદલાયો છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સાથે વીજળી પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને પહાડી વિસ્તારોમાં મુસાફરી કરતા પહેલા હવામાનની સ્થિતિ ચકાસી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં પણ ૧૦ અને ૧૧ ઓક્ટોબરે વરસાદ તેમજ ૩૦ થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
દેશના દક્ષિણી રાજ્યો જેમ કે કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના આ પૂર્વાનુમાનને પગલે સંબંધિત તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને પર્યટન સ્થળો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. બદલાતા મોસમી પરિબળોને કારણે આગામી દિવસોમાં તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
