<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી : ડાયમંડ હાર્બરના બૂથ પર ભાજપના નિશાન પર ટેપ લગાવાઈ હોવાનો આક્ષેપ : મમતા બેનર્જી અને ટીએમસી પર અમિત માલવીયાના પ્રહાર : જુઓ વિડીયો

ફોલ્ટામાં EVM પર કમળના નિશાનને બ્લોક કરી મતદારોને રોકવામાં આવ્યા હોવાનો વીડિયો વાયરલ : ચૂંટણી પંચે તપાસ બાદ અસરગ્રસ્ત બૂથ પર ફરીથી મતદાન કરાવવાની ખાતરી આપી

 કોલકાતા:  પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાના મતદાન દરમિયાન ડાયમંડ હાર્બર વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર ગંભીર પ્રકારની ચૂંટણી ગેરરીતિનો આક્ષેપ કર્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જીના ગઢ ગણાતા ડાયમંડ હાર્બરના ફોલ્ટા વિસ્તારમાં અનેક મતદાન મથકો પર EVM મશીન પર ભાજપના 'કમળ'ના નિશાન પર ટેપ લગાવી તેને બ્લોક કરી દેવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

 

ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં EVM પર ભાજપના નિશાન પર ટેપ લાગેલી જોવા મળે છે. માલવીયાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મમતા બેનર્જી જે ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવાર જહાંગીર ખાનનો બચાવ કરી રહ્યા હતા, આ તેનું પરિણામ છે. તેમણે આને 'ડાયમંડ હાર્બર મોડેલ' ગણાવતા આક્ષેપ કર્યો હતો કે આ જ રીતે અભિષેક બેનર્જી લોકસભાની બેઠક જીત્યા હતા. ભાજપે ફોલ્ટાના તમામ અસરગ્રસ્ત બૂથ પર તાત્કાલિક ફરીથી મતદાન (રી-પોલિંગ) કરાવવાની માંગ કરી છે.

 

પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, બટન સાથે છેડછાડના અહેવાલોની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. જો આ આક્ષેપો સાચા જણાશે તો તે બૂથ પર ફરીથી મતદાન કરાવવામાં આવશે. બીજી તરફ, ચૂંટણી નિરીક્ષક તરીકે તૈનાત યુપીના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અજય પાલ શર્મા અને ટીએમસી ઉમેદવાર જહાંગીર ખાન વચ્ચે પણ ઘર્ષણ જોવા મળ્યું હતું. અજય પાલ શર્માએ જહાંગીર ખાનને કડક ચેતવણી આપી હતી કે જો તેમના લોકો મતદારોને ધમકાવવાનું ચાલુ રાખશે તો તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

 

સામે પક્ષે ટીએમસી ઉમેદવાર જહાંગીર ખાને આક્ષેપ કર્યો હતો કે પોલીસ નિરીક્ષક તેમના પરિવાર અને સુરક્ષાકર્મીઓને ધમકાવી રહ્યા છે, જે ચૂંટણી પંચના નિયમોની વિરુદ્ધ છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપને મદદ કરવા માટે ટીએમસીના કાર્યકરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે કારણ કે વિરોધ પક્ષો જાણે છે કે તેઓ જીતવાના નથી. હાલમાં આ વિવાદને પગલે ડાયમંડ હાર્બર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે.

(12:27 PM IST)