<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

પશ્ચિમ બંગાળ ચૂંટણીના બીજા તબક્કામાં પણ બપોરે ૩ વાગ્યા સુધી ૭૮.૬૮ ટકા જેવું જંગી મતદાન: ઈવીએમ સાથે ચેડાંના આક્ષેપો

​ભાજપના બટન પર ટેપ મારવામાં આવી હોવાની ફરિયાદ સાચી ઠરશે તો ફરીથી મતદાન થશે: ચૂંટણી પંચ

​કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરે ૩ વાગ્યા સુધીમાં ૭૮.૬૮ ટકા જેટલું જંગી મતદાન નોંધાયું છે. જોકે, આ મતદાન વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ ગંભીર આક્ષેપો લગાવતા ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે.

​ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ડાયમંડ હાર્બર બેઠક હેઠળ આવતા ફલતા વિસ્તારના અનેક મતદાન મથકો પર ઈવીએમ મશીનમાં કમળના નિશાન વાળા બટન પર કાળી કે સફેદ ટેપ લગાવી દેવામાં આવી છે. આ કારણે મતદારો ભાજપને મત આપી શકતા નથી. પક્ષના આઇટી સેલના વડા અમિત માલવિયાએ આ ઘટનાને 'ડાયમંડ હાર્બર મોડલ' ગણાવીને વિરોધીઓ પર નિશાન સાધ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરીથી મતદાન કરાવવાની માંગ કરી છે. અલગ અલગ ઓનલાઈન માધ્યમોમાં પણ આ અંગેના અહેવાલો અને તસવીરો વાઇરલ થતાં ચૂંટણી પંચ હરકતમાં આવ્યું છે.

​પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીએ આ ગંભીર ફરિયાદ પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈપણ મતદાન મથક પર ઈવીએમ બટન પર ટેપ લગાવ્યાની ફરિયાદ તપાસમાં સાચી જણાશે, તો ત્યાં ફરજિયાતપણે ફરીથી મતદાન એટલે કે રી-પોલિંગ કરાવવામાં આવશે. સંબંધિત જિલ્લા અધિકારીઓને આ અહેવાલોની તાત્કાલિક ખરાઈ કરવા કડક નિર્દેશો આપી દેવામાં આવ્યા છે. હાલ ૧૪૨ બેઠકો પર ચાલી રહેલા આ મતદાનમાં છૂટક હિંસા અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે સુરક્ષા દળો ચાંપતો બંદોબસ્ત જાળવી રહ્યા છે.*

(3:52 PM IST)