<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

પીએફના પૂર્ણ ઉપાડ (Final Settlement) પછી તમારા ખાતાનું શું થાય છે? જાણો UAN અને નવા જોબ જોઈનિંગ અંગેનો મહત્વનો નિયમ

સંપૂર્ણ રકમ ઉપાડી લેવાથી યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) કાયમી બંધ થતો નથી: નવી નોકરી મળતાં એ જ UAN સાથે નવું PF એકાઉન્ટ ટેગ કરી શકાશે, ટેક્સના નિયમો જાણવા જરૂરી.

નવી દિલ્હી, તા.૨૮: અચાનક નોકરી ગુમાવવી અથવા અણધાર્યા આર્થિક સંકટ સમયે કર્મચારીઓ અવારનવાર પોતાના 'એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ' (EPF) માં જમા થયેલી રકમ ઉપાડવાનું મુનાસિબ માનતા હોય છે. નિયમો અનુસાર, જો કોઈ કર્મચારી બેરોજગાર થાય તો તે પોતાના ખાતામાંથી એક મહિના પછી ૭૫ ટકા સુધીની રકમ ઉપાડી શકે છે. ત્યારબાદ સતત બે મહિના સુધી બેરોજગારી જળવાઈ રહે તો તે બાકીની ૨૫ ટકા રકમ પણ ઉપાડીને 'ફાઇનલ સેટલમેન્ટ' કરી શકે છે. પરંતુ આ રકમ સંપૂર્ણ ઉપાડી લીધા બાદ ખાતાનું શું થાય છે તે અંગે મોટાભાગના કર્મચારીઓમાં દ્વિધા જોવા મળે છે.

સૌથી મહત્વની બાબત એ છે કે અંતિમ સેટલમેન્ટ હેઠળ ૧૦૦% રકમ ઉપાડી લેવાથી કર્મચારીનો 'યુનિવર્સલ એકાઉન્ટ નંબર' (UAN) કાયમી ધોરણે રદ કે નિષ્ક્રિય થતો નથી. UAN દરેક નોકરીયાત માટે એક અનોખો અને કાયમી આઈડી છે. જ્યારે કર્મચારીને બીજી નોકરી મળે છે અને તે EPF હેઠળ આવતી નવી સંસ્થામાં જોડાય છે, ત્યારે નવો નોકરીદાતા (Employer) તે જ જૂના UAN સાથે નવો PF મેમ્બર આઈડી લિંક કરી દે છે. આથી, કર્મચારીનું ભવિષ્યનિધિનું નવું રોકાણ અને પીએફ યોગદાન તે જ જૂના UAN માં ફરી સરળતાથી શરૂ થઈ જાય છે.

જોકે, પીએફની રકમ ઉપાડતી વખતે ટેક્સના નિયમો ખાસ ધ્યાનમાં રાખવા જરૂરી છે. જો પીએફ ખાતામાં સતત ૫ વર્ષની સેવા (Service Period) પૂર્ણ કર્યા પહેલાં જમા રકમ ઉપાડવામાં આવે, તો તે રકમ ટેક્સના દાયરામાં આવે છે અને ટીડીએસ (TDS) કપાઈ શકે છે. આ ઉપરાંત, પીએફ એ લાંબા ગાળાના નિવૃત્તિ ફંડ (Retirement Savings) માટેનું ઉત્તમ સાધન છે; જેથી કટોકટી વગર આખું ફંડ ખાલી કરી નાખવાથી તમારી ભવિષ્યની નિવૃત્તિ સુરક્ષા ઘટી શકે છે. આથી, નિષ્ણાતો સલાહ આપે છે કે જરૂરિયાત વગર પીએફ ખાતું સંપૂર્ણ ખાલી કરવાથી બચવું જોઈએ.

(5:01 PM IST)