<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

આ કેવી આસ્‍થા? માથા પર બાપ્‍પા સાથે બાઇકરે કર્યા જોખમી સ્‍ટન્‍ટ

સ્‍ટન્‍ટમાં યુવકે પોતાની સાથે બાપ્‍પાની મૂર્તિની ગરિમા અને પવિત્રતાને પણ જાણે દાવમાં મૂકી દીધી

માલેગાવ તા.૧૬: ગણેશોત્‍સવના પાવન તહેવારના દિવસો દરમ્‍યાન સોશ્‍યલ મીડિયા પર લાઇક્‍સ અને વ્‍યુઝ મેળવવા માટે લોકો કેટલી હદે જઈ શકે છે એનો એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. માલેગાવના બાઇકર સ્‍ટન્‍ટમેને ગણપતિબાપ્‍પાની મૂર્તિ સાથે ચાલતી મોટરસાઇકલ પર અત્‍યંત જોખમી કરતબો કર્યાં છે. ભગત સિહ નામના આ સ્‍ટન્‍ટમેને ગણેશજીની મૂર્તિ માથા પર મૂકીને પૂરપાટ ઝડપે દોડતી બાઇક પર ઊભા રહીને આ જોખમી સ્‍ટન્‍ટ કર્યા હતા. એ સ્‍ટન્‍ટમાં યુવકે પોતાની સાથે બાપ્‍પાની મૂર્તિની ગરિમા અને પવિત્રતાને પણ જાણે દાવમાં મૂકી દીધી છે.

સ્‍ટન્‍ટમેને પહેલાં બાપ્‍પાની નાની મૂર્તિ પોતાના માથા પર મૂકી દીધી હતી. આટલું ઓછું હોય એમ ચાલતી બાઇકે આ મહાશય સીટ પર બન્ને પગ રાખીને સીધા ઊભા થઈ ગયા અને બેલેન્‍સ જાળવીને તેજ રફતારમાં બાઇક ચલાવવા લાગ્‍યા. જો સંતુલન જરા પણ બગડે તો પોતે પણ નીચે પડી જાય અને મૂર્તિ પણ ખંડિત થાય એટલી રફતારમાં તેણે બાઇક દોડાવી-દોડાવીને કરતબ બતાવ્‍યાં હતાં. જો સહેજ પણ ચૂક થઈ હોત તો બાપ્‍પાની મૂર્તિ ખંડિત થાત અને યુવકનો જીવ પણ જોખમમાં મુકાઈ જાત.

સોશ્‍યલ મીડિયા યુઝસે પોલીસતંત્રને ટેગ કરીને આવા જોખમી સ્‍ટન્‍ટ કરનારાઓ વિરુદ્ધ ધાક બેસાડતી કાનૂની કાર્યવાહી કરવાની માગણી કરી છે.

(3:10 PM IST)