<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

બેરોજગારીનો આનાથી વધુ ભયાનક ચહેરો બીજો કયો હોય? ચીનમાં બે ટંકના રોટલા માટે યુવાનો રસ્તા પર કરવા મજબૂર બન્યા ૨૪ કલાક લાઈવ સ્ટ્રીમિંગ!

ચીનની સડકો રાતોરાત બની ગઈ 'મોબાઈલ સ્ટુડિયો'; ડિજિટલ ભીખ અને ગિફ્ટના સહારે જીવી રહ્યા છે લાખો શિક્ષિત યુવાનો, ૧૦ કરોડથી વધુ લોકો કૂદ્યા આ કાળા બજારમાં.

બેઇજિંગ: તા.૧૮: સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવી અને ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ (Live Streaming) કરવું એ દુનિયા માટે માત્ર એક શોખ કે મનોરંજનનું સાધન હોઈ શકે છે, પરંતુ ચીનમાં તે અત્યારે બેરોજગારીના એક અત્યંત ખતરનાક અને લાચાર ચહેરા તરીકે સામે આવ્યું છે. હાલમાં સોશિયલ મીડિયા પર ચીનનો એક ચોંકાવનારો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચીનના રસ્તાઓ અને પુલ નીચે સેંકડો યુવાનો રિંગ લાઈટ અને મોબાઈલ લઈને લાઈવ રહેવા માટે રાત-દિવસ સંઘર્ષ કરતા જોવા મળે છે. ચીનમાં બેરોજગારી કઈ હદ સુધી વધી ગઈ છે, આ વાયરલ વીડિયો તેનું જીવતું જાગતું અને કડવું ઉદાહરણ છે.

શિક્ષિત હોવા છતાં નોકરી નથી: ૨૪ કલાક ઓનલાઈન રહેવાની મજબૂરી

આ વાયરલ વીડિયો અંગે સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં અનેક આંચકાજનક દાવા કરવામાં આવી રહ્યા છે. ચીનમાં આર્થિક મંદીને કારણે ઉચ્ચ શિક્ષિત યુવાનોને પણ નોકરીઓ મળી રહી નથી. પોતાની મૂળભૂત જરૂરિયાતો અને દિવસમાં બે ટંકનું ભોજન મેળવવા માટે આ યુવાનો સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગ તરફ વળ્યા છે. તેઓ ૨૪-૨૪ કલાક લાઈવ રહીને ઓનલાઈન દર્શકો પાસે 'ડિજિટલ ગિફ્ટ' અને પૈસાની માંગણી (ભીખ) કરી રહ્યા છે જેથી તેમનું પેટ ભરાઈ શકે.

શેરીઓ અને જાહેર જગ્યાઓ બની ગઈ 'લાઈવ સ્ટુડિયો'

સતત ઓનલાઈન રહીને પૈસા કમાવવા માટે આ યુવાનોએ રસ્તાઓને જ પોતાનું ઘર બનાવી લીધું છે. તેમને આ કામ માટે માત્ર એક સ્માર્ટફોન, એક રિંગ લાઈટ અને સક્રિય ઈન્ટરનેટ કનેક્શનની જરૂર પડે છે. આ ત્રણ વસ્તુઓની મદદથી ચીનની સડકો, ફૂટપાથ અને જાહેર જગ્યાઓ રાતોરાત વિશાળ 'મોબાઈલ સ્ટુડિયો' માં ફેરવાઈ ગઈ છે. વધુમાં વધુ ઓડિયન્સ (પ્રેક્ષકો) ને આકર્ષવા માટે આ યુવાનો આખી રાત રસ્તા પર બેસીને ગીતો ગાય છે, ડાન્સ કરે છે અથવા અવનવી હરકતો કરે છે.

"ચીનમાં આ કન્ટેન્ટ ક્રિએશન ઉદ્યોગ બહારથી જેટલો આકર્ષક લાગે છે, અંદરથી તેટલો જ પોકળ અને કાળું સત્ય છુપાવેલો છે. અહીં સ્પર્ધા એટલી ભયાનક છે કે મોટાભાગના યુવાનો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે."

— વૈશ્વિક અર્થશાસ્ત્રીઓનો ચિંતાતુર સૂર

૧૦ કરોડની ભીડ પાછળ છુપાયેલું કાળું સત્ય

આર્થિક નિષ્ણાતોના મતે, ચીનમાં લાઈવ સ્ટ્રીમિંગ અને ઈ-કોમર્સ બજાર ભલે ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું હોય અને રોજગારની શોધમાં ૧૦ કરોડથી વધુ લોકો તેમાં કૂદી પડ્યા હોય, પણ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. આ ક્ષેત્રમાં આવેલા ૫૦ ટકાથી વધુ યુવાનો ઉચ્ચ શિક્ષિત એટલે કે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ છે. અહેવાલો અનુસાર, આ ગ્લેમરસ ઉદ્યોગમાં માત્ર ૦.૪% સર્જકો (Creators) જ મોટી આવક મેળવી શકે છે, જ્યારે ૯૫% થી વધુ કન્ટેન્ટ ક્રિએટર્સ દર મહિને ૫૦,૦૦૦ રૂપિયાથી પણ ઓછી કમાણી માંડ-માંડ કરી શકે છે. ચીન જેવા મોંઘા દેશમાં આ રકમ માત્ર જીવતા રહેવા માટે જ પૂરતી છે.

(5:29 PM IST)