<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

જો PoK પાકિસ્તાનથી અલગ થઈ જાય તો શું થશે? પહેલા ચીન અબજોનો પ્રોજેક્ટ સમેટી લેશે, પછી શરૂ થશે ભયાનક 'ડોમિનો ઈફેક્ટ'

રાવલકોટમાં આઝાદીના નારા ગુંજતા ઈસ્લામાબાદથી રાવલપિંડી સુધી ફફડાટ: અર્થતંત્ર પત્તાના મહેલની જેમ તૂટશે, પાણી અને વીજળીની કટોકટી વચ્ચે પાકિસ્તાનના અનેક ટુકડા થવાની ભીતિ

રાવલકોટ : પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (PoK) ના રાવલકોટમાં ફાટી નીકળેલા જનઆંદોલને ઈસ્લામાબાદની સત્તાથી લઈને રાવલપિંડીના સૈન્ય વડા મથક સુધી જોરદાર હલચલ મચાવી દીધી છે. અગાઉ સસ્તો લોટ, કઠોળ અને વીજળીના બિલ જેવી મૂળભૂત માંગણીઓથી શરૂ થયેલો વિરોધ હવે પાકિસ્તાનથી સંપૂર્ણ સ્વતંત્રતા (આઝાદી) ની માંગમાં પરિવર્તિત થઈ ગયો છે. હજારો લોકોએ એકસૂરે ગર્જના કરી છે કે "PoK પાકિસ્તાનનો ભાગ નથી". સંરક્ષણ અને ભૂ-રાજકીય નિષ્ણાતોના મતે, જો PoK ખરેખર પાકિસ્તાનથી અલગ થઈ જશે, તો પહેલાથી જ કંગાળીયત અને ભૂખમરાની આરે ઉભેલો આ દેશ સંપૂર્ણપણે બરબાદ થઈ જશે અને તેનો નકશો હંમેશા માટે બદલાઈ જશે.

ચીન-પાકિસ્તાન ડ્રીમ પ્રોજેક્ટ CPEC નો કાયમી અંત

PoK ગુમાવવું એ પાકિસ્તાન માટે માત્ર ભૌગોલિક નુકસાન નહીં, પરંતુ સૌથી મોટો વ્યૂહાત્મક અને આર્થિક ફટકો સાબિત થશે. ચીનનો અબજો ડોલરનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'CPEC' (ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર) કાયમ માટે દફનાવવામાં આવશે. આ આખો કોરિડોર, જે ચીનને અરબ સમુદ્રના ગ્વાદર બંદર સુધી સીધી પહોંચ આપે છે, તે ગિલગિટ-બાલ્ટિસ્તાન અને PoK માંથી પસાર થાય છે. જો આ વિસ્તાર પાકિસ્તાનના હાથમાંથી સરકી જશે, તો ચીનનો જમીની સંપર્ક તૂટી જશે અને બેઇજિંગ પાકિસ્તાન પરથી પોતાનો હાથ ખેંચી લેશે. ચીનના ભરોસા વગર સાઉદી અરેબિયા કે IMF પણ પાકિસ્તાનને મદદ નહીં કરે, જેના કારણે પાકિસ્તાની અર્થતંત્ર પત્તાના ઘરની જેમ તૂટી પડશે.

ભારત તરફ વધતો ઝુકાવ અને આર્મી ચીનની ચિંતા

વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલી જોઈન્ટ આવામી એક્શન કમિટી (JAAC) ના મુખ્ય સભ્ય સરદાર અમાન ખાને ખુલ્લી ચીમકી આપી છે કે જો ઇસ્લામાબાદ તેમના અધિકારો દબાવશે અને ખાદ્ય પુરવઠાની નાકાબંધી યથાવત રાખશે, તો અહીંના લોકો ભારત સાથે સંબંધો મજબૂત કરવામાં સહેજ પણ અચકાશે નહીં. એકતરફ સ્થાનિક લોકો નિઃશસ્ત્ર લડી રહ્યા છે, ત્યારે પાકિસ્તાની સેનાના વડા જનરલ અસીમ મુનીર આ વિસ્તારમાં તોપો અને ડ્રોન તૈનાત કરી રહ્યા છે. જો PoK અલગ થશે, તો પાકિસ્તાની સેનાનું છેલ્લા ૭૫ વર્ષનું 'કાશ્મીર કાર્ડ' કાયમ માટે ખતમ થઈ જશે, જેના આધારે તેઓ દેશના બજેટના અબજો રૂપિયા ઉડાવે છે. સેનાની શાખ ધૂળમાં મળતા જ દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

પાણી અને વીજળીનું મોટું સંકટ: અંધારપટની આશંકા

પાકિસ્તાન એક કૃષિપ્રધાન દેશ છે અને તેની સિંધુ નદી પ્રણાલીનો મોટો હિસ્સો આ ક્ષેત્રમાંથી વહે છે. પાકિસ્તાનના સૌથી મોટા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ જેવા કે 'મંગલા ડેમ' અને 'નીલમ-જેલમ પ્રોજેક્ટ' PoK માં જ આવેલા છે. મંગલા ડેમ પાકિસ્તાનને સસ્તી વીજળી આપવા ઉપરાંત પંજાબ પ્રાંતની લાખો હેક્ટર જમીનની સિંચાઈ કરે છે. PoK અલગ થતાં જ પાકિસ્તાન કાયમી અંધકારમાં ડૂબી જશે અને ત્યાં ભયાનક દુષ્કાળ સર્જાશે.

શરૂ થશે 'ડોમિનો ઇફેક્ટ': પાકિસ્તાનના ટુકડા થવાનું જોખમ

PoK ની આઝાદી પાકિસ્તાનમાં એક ખતરનાક 'ડોમિનો ઇફેક્ટ' (એક પછી એક પ્રાંત અલગ થવા) શરૂ કરશે. હાલમાં પાકિસ્તાન આંતરિક રીતે અત્યંત નબળું છે. બલુચિસ્તાનમાં 'બલુચ લિબરેશન આર્મી' (BLA) પહેલાથી જ આઝાદીની જંગ લડી રહી છે, જ્યારે સિંધ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પણ અલગ દેશની માંગ ઉઠી રહી છે. PoK મુક્ત થતાં જ આ તમામ બળવાખોરોને નવું જોમ મળશે, જેના પરિણામે પાકિસ્તાનના અનેક ટુકડા થઈ જશે અને એક દેશ તરીકે તેનું અસ્તિત્વ જ ભૂંસાઈ જશે.

(6:18 PM IST)