News of Friday, 27th November 2026
વોટ્સએપમાં ૧૪ દિવસ પછી મોકલવો હોય તેવા મેસેજ પણ શીડયુલ થઈ શકશે
બેટરી પૂરી થઈ ગઈ હોય તો પણ શીડયુલ કરેલા સમયે મેસેજ પહોંચી જશે

નવી દિલ્હી, તા. ર૭ : વોટ્સએપમાં મેસેજ શેડ્યૂલ કરવાનું ફીચર રોલઆઉટ થઈ ગયું છે, જેનાથી યુઝર્સ મેસેજ લખીને તે કયા દિવસે અને કયા સમયે મોકલવો તે અગાઉથી નક્કી કરી શકશે. આ સુવિધા પ્રાઇવેટ અને ગ્રૂપ ચેટ બંનેમાં કામ કરશે. તેની મદદથી ૧૦ મિનિટથી લઈને ૧૪ દિવસ સુધીની આગળની તારીખ માટે કોઈ પણ મેસેજ શેડ્યૂલ કરી શકાશે. આ ફીચર ટેક્સ્ટ, ફોટો અને વીડિયો મેસેજ માટે ઉપલબ્ધ રહેશે, જે હાલમાં કંપનીએ પસંદગીના યુઝર્સને જ આપ્યું છે.
શીડ્યૂલ કરેલો મેસેજ મોકલવાના સમયે ફોન બંધ હોય કે તેની બેટરી પૂરી થઈ ગઈ હોય, તો પણ મેસેજ નક્કી કરેલા સમયે સામેવાળી વ્યક્તિને પહોંચી જશે. વોટ્સએપના જણાવ્યા અનુસાર, આ મેસેજ પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે, એટલે કે તેને કોઈ ત્રીજી વ્યક્તિ વાંચી શકશે નહીં. મેસેજ શીડ્યુલ કર્યા પછી પણ તેને નિર્ધારિત સમય પહેલા ડિલીટ કરી શકો છો. વોટ્સએપમાં આગામી તમામ શેડ્યૂલ કરેલા મેસેજ એક્સાથે જોવાની સુવિધા પણ મળશે.
નવા ફીચરની ખાસિયત
* પર્સનલ અને ગ્રુપ ચેટ બંનેમાં આ સુવિધા મળશે
* ટેક્સ્ટ, ફોટો અને વીડિયો મોકલવાનો સમય નક્કી કરી શકાશે
* મેસેજ નક્કી કરેલા સમયે આપમેળે મોકલાઈ જશે
* ફોન બંધ હોય કે બેટરી પૂરી થઈ ગઈ હોય તો પણ મેસેજ પહોંચી જશે
* મોકલતા પહેલા શીડ્યૂલ કરેલા મેસેજને ડિલીટ કરી શકાશે.
* આ સુવિધા એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત રહેશે.
યુઝરને શું લાભ થશે?
જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠની શુભેચ્છાઓ યોગ્ય સમયે મોકલી શકાશે, મીટિંગ, એપોઇન્ટમેન્ટ અને જરૂરી કામના રિમાઇન્ડર મોકલી શકાશે. ઓફિસ અને બિઝનેસ ગ્રુપમાં જરૂરી અપડેટ્સ અગાઉથી તૈયાર રાખી શકાશે. અલગ-અલગ ટાઈમ ઝોનમાં રહેતા લોકોને તેમના યોગ્ય સમયે મેસેજ મોકલી શકાશે. મેસેજ મેળવનાર (રિસીવર)ને તે સામાન્ય વોટ્સએપ મેસેજ જેવો જ દેખાશે. એટલે કે મેસેજ અગાઉથી શીડ્યૂલ કરાયેલો હતો, તેવી ખબર નહીં પડે
અમુક યુઝર્સે નવા ફીચર માટે રાહ જોવી પડશે
વોટ્સએપે આજથી ભારત સહિત વિશ્વભરના યુઝર્સ માટે મેસેજ શેડ્યૂલ કરવાનું ફીચર શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સુવિધા ધીમે-ધીમે તમામ યુઝર્સ સુધી પહોંચશે. હાલમાં અમુક યુઝર્સ તેનો ઉપયોગ કરી શકે છે, જ્યારે બાકીના લોકોએ તેના માટે થોડા અઠવાડિયા રાહ જોવી પડી શકે છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
