<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

WhatsApp હવે ફ્રીમાં નહીં? ભારતમાં સત્તાવાર રીતે શરૂ થયું 'WhatsApp Plus' : દર મહિને ચૂકવવા પડશે ₹79

મેસેજિંગ એપના ઇતિહાસમાં પહેલીવાર પેઇડ સબ્સ્ક્રિપ્શન મોડેલની એન્ટ્રી: એન્ડ્રોઇડ અને iOS યુઝર્સને મળશે 18 નવી કલર થીમ્સ, કસ્ટમ આઇકોન્સ અને 20 ચેટ્સ પિન કરવાની શાનદાર સુવિધા,

નવી દિલ્હી: દુનિયાભરમાં કરોડો લોકોની દિનચર્યાનો હિસ્સો બનેલું WhatsApp હવે તેના ઇતિહાસમાં સૌથી મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. કંપનીએ ભારતીય યુઝર્સ માટે સત્તાવાર રીતે 'WhatsApp Plus' નામની પેઇડ સબ્સ્ક્રિપ્શન સર્વિસ લોન્ચ કરી દીધી છે. અત્યાર સુધી સંપૂર્ણપણે મફત રહેલી આ એપનો અલગ અંદાજમાં ઉપયોગ કરવા માટે હવે યુઝર્સે દર મહિને ₹79 ચૂકવવા પડશે. જોકે, કંપની શરૂઆતમાં ગ્રાહકોને આકર્ષવા માટે પ્રથમ મહિનાની ફ્રી ટ્રાયલ ઓફર કરી રહી છે. આ નવો પ્લાન એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવાયો છે, જે યુઝર્સના ચેટિંગ એક્સપિરિયન્સને તદ્દન બદલી નાખશે.

આ પેઇડ પ્લાન મુખ્યત્વે એક પ્રીમિયમ કસ્ટમાઇઝેશન પેક છે, જે એપના લુક અને ફીચર્સને પર્સનલાઈઝ કરવાની સુવિધા આપે છે. આ સબ્સ્ક્રિપ્શન હેઠળ યુઝર્સને 18 નવી આકર્ષક કલર થીમ્સ અને 14 અનોખી ડિઝાઇનના એપ્લિકેશન આઇકોન્સ મળશે, જેનાથી એપનો આખો દેખાવ બદલી શકાશે. આ ઉપરાંત, હવે યુઝર્સ પોતાની મહત્વની 20 ચેટ્સને ટોચ પર પિન કરી શકશે, જે મર્યાદા પહેલા ખૂબ જ ઓછી હતી. આ પ્લાનમાં પ્રીમિયમ યુઝર્સ માટે ખાસ એક્સક્લુઝિવ રિંગટોન્સ અને નવા સ્ટીકર પેક્સ પણ સામેલ કરવામાં આવ્યા છે, જે સામાન્ય યુઝર્સને નહીં મળે.

જોકે, આ નવી સુવિધાથી સામાન્ય યુઝર્સે ગભરાવાની જરૂર નથી, કારણ કે WhatsAppના મૂળભૂત ફીચર્સ જેવા કે મેસેજિંગ, વોઇસ-વીડિયો કોલિંગ, સ્ટેટસ અને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સિક્યોરિટી હંમેશાની જેમ બધા માટે તદ્દન મફત જ રહેશે. આ પ્લાન માત્ર તે લોકો માટે છે જેઓ પોતાની એપને વધુ કસ્ટમાઇઝ અને યુનિક બનાવવા માંગે છે. યુઝર્સ ગુગલ પ્લે સ્ટોર કે એપ સ્ટોર પેમેન્ટ દ્વારા સેટિંગ્સમાં જઈને આ પ્લાન એક્ટિવેટ કરી શકે છે. હાલમાં આ ફીચર ધીમે-ધીમે રોલઆઉટ થઈ રહ્યું હોવાથી તમામ યુઝર્સને આગામી દિવસોમાં પોતાના ફોનમાં જોવા મળશે.

(5:36 PM IST)