<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

વોટ્સએપમાં મોટા ફેરફારની તૈયારી : હવે ચેટિંગ સાથે બિલ ભરવા, નાણાકીય વ્યવહારો કરવા અને રોજિંદાં કામકાજ પૂરા કરવાનું બનશે વધુ સરળ

ભારતીય ઉદ્યોગપતિ અને વોટ્સએપના નવા વડા કુણાલ શાહે જાહેર કર્યો ભવિષ્યનો રોડમેપ : કૃત્રિમ બુદ્ધિથી બુકિંગ અને મુલાકાતોની યાદ અપાવાશે, વ્યક્તિગત સંદેશા અને કોલની ગોપનીયતા જળવાશે

નવી દિલ્હી  : વિશ્વના ૩ અબજથી વધુ લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા વોટ્સએપમાં આગામી સમયમાં મોટા ફેરફારો થવાના છે. મેટાની માલિકીના આ લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મના વડા અને ભારતીય ઉદ્યોગપતિ કુણાલ શાહે વોટ્સએપને માત્ર સંદેશાવ્યવહાર પૂરતું મર્યાદિત નહીં રાખતાં રોજિંદા જીવનનાં અનેક કામો માટે ઉપયોગી બનાવવાની મહત્વાકાંક્ષી યોજના જાહેર કરી છે.

 

કુણાલ શાહે ગઈકાલે તા. ૧૦ નવેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર વિસ્તૃત સંદેશ મૂકીને વોટ્સએપના ભવિષ્યની ત્રણ મુખ્ય પ્રાથમિકતાઓ જણાવી હતી. તેમાં વાતચીતને વધુ સરળ અને રસપ્રદ બનાવવી, ચેટિંગ દરમિયાન જ નાણાકીય તથા અન્ય કામકાજ પૂર્ણ કરવાની સુવિધા આપવી અને કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરીને લોકોનો કિંમતી સમય બચાવવાનો સમાવેશ થાય છે. 

 

કુણાલ શાહના જણાવ્યા પ્રમાણે હાલમાં વોટ્સએપ ઉપર દરરોજ ૧૦૦ અબજથી વધુ સંદેશાઓની આપલે થાય છે અને આશરે ૨ અબજ કોલ થાય છે. આ ઉપરાંત દરરોજ ૧૦ અબજથી વધુ વોઇસ મેસેજ અને ૪ અબજથી વધુ સ્ટીકર મોકલવામાં આવે છે. કંપની હવે વોઇસ મેસેજ, ગ્રુપ ચેટિંગ, સ્ટીકર અને વીડિયો સંબંધિત સુવિધાઓને વધુ સરળ તથા અભિવ્યક્તિપૂર્ણ બનાવશે.

 

નવી યોજનામાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે લોકો ચેટિંગ કરતાં કરતાં જ રોજિંદા કામકાજ સરળતાથી કરી શકશે. વીજળી, પાણી, ગેસ, વીમા અને લોનના હપ્તાં ભરવા ઉપરાંત નાણાકીય સેવાઓ મેળવવા અને પ્રવાસ દરમિયાન મોબાઇલ કનેક્ટિવિટી સંબંધિત કામો માટે બીજી એપ્લિકેશન ઉપર જવાની જરૂરિયાત ઘટાડવાનો કંપનીનો પ્રયાસ છે.

 

આ માટે વોટ્સએપ નાણાકીય સંસ્થાઓ અને ટેલિકોમ કંપનીઓ સાથે મળીને કામ કરી રહ્યું છે. ભારતમાં સપ્ટેમ્બર મહિનાથી ભારત કનેક્ટ વ્યવસ્થા મારફતે બિલ ભરવાની સુવિધા તબક્કાવાર શરૂ કરવામાં આવી છે. તેમાં ૩૦ શ્રેણીઓની ૨૨,૭૨૨ જેટલી બિલ વસૂલતી સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રાહકો વોટ્સએપમાં રૂપિયાના ચિહ્ન ઉપર ક્લિક કરીને ઉપલબ્ધ બિલની માહિતી મેળવી તથા ચુકવણી કરી શકે છે. 

 

કંપની કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ વધારવા પણ વિશેષ ધ્યાન આપશે. વપરાશકર્તાને જરૂરી માહિતી શોધવામાં મદદ કરવી, રોજિંદાં નાનાં કામો પૂર્ણ કરવામાં સહાય કરવી અને અગાઉથી નક્કી કરેલી મુલાકાત કે બુકિંગ ભૂલાઈ ન જાય તે માટે યાદ અપાવવી જેવી સુવિધાઓ વિકસાવવાની યોજના છે.

 

જોકે આ તમામ નવી સુવિધાઓ કઈ તારીખથી ઉપલબ્ધ થશે તેની ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી.

 

વોટ્સએપના વડાએ સ્પષ્ટતા કરી છે કે નવી સુવિધાઓ ઉમેરવા છતાં વ્યક્તિગત સંદેશાઓ અને કોલની એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સુરક્ષા યથાવત્ રહેશે. કંપની સરળતા, વિશ્વસનીયતા અને ગોપનીયતા સાથે કોઈ સમાધાન કરશે નહીં. 

 

દરમિયાન, બેંગલુરુની જાણીતી ફિનટેક કંપની ક્રેડના સ્થાપક કુણાલ શાહને ચાલુ વર્ષે ૨૨ જૂને વોટ્સએપના વૈશ્વિક વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે ૨૦૧૯થી વોટ્સએપનું નેતૃત્વ સંભાળનારા વિલ કેથકાર્ટનું સ્થાન લીધું હતું.

 

આ નિમણૂક સાથે મેટાના નેતૃત્વમાં ક્રેડ કંપની માટે આશરે ૯૦ કરોડ ડોલર, એટલે કે અંદાજે રૂ. ૮,૫૫૦ કરોડના ભંડોળનો સોદો થયો હતો. તેના આધારે ક્રેડ કંપનીનું મૂલ્યાંકન આશરે ૪.૫ અબજ ડોલર, એટલે કે રૂ. ૪૩,૨૩૯ કરોડની આસપાસ થયું હતું. કુણાલ શાહે ક્રેડની રોજિંદી વહીવટી જવાબદારી છોડી છે, પરંતુ કંપનીમાં પોતાનો વ્યક્તિગત હિસ્સો જાળવી રાખ્યો છે. 

 

ભારત વોટ્સએપનું સૌથી મોટું બજાર છે, જ્યાં ૫૦ કરોડથી વધુ વપરાશકર્તાઓ છે. આથી વોટ્સએપના આગામી ફેરફારો ભારતીય ગ્રાહકો, વેપારીઓ અને નાની-મોટી નાણાકીય સંસ્થાઓ માટે પણ મહત્વપૂર્ણ બની શકે છે.

(6:02 PM IST)