હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
WhatsApp પર Username ફીચર લાઇવ કરવામાં આવ્યું નથી: સરકારની નોટિસ બાદ મેટાએ સ્પષ્ટતા કરી
કંપનીએ ખાતરી આપી છે કે જાણીતી હસ્તીઓ, સરકારી સંસ્થાઓ, સેલિબ્રિટી અને Meta દ્વારા વેરિફાઇડ એકાઉન્ટ્સના નામ પહેલાથી જ રિઝર્વ રાખવામાં આવશે,

વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ WhatsAppના નવા Username ફીચરને લઈને ભારતમાં ચર્ચા અને વિવાદ બંને તેજ બન્યા છે. આ ફીચર દ્વારા યુઝર્સ પોતાના મોબાઇલ નંબરના બદલે યુનિક યુઝરનેમ પસંદ કરી શકશે. જોકે, ફીચર જાહેર થતાં જ ઓનલાઈન ઠગાઈ અને ફિશિંગ જેવી ઘટનાઓ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે Metaને આ ફીચર અંગે સ્પષ્ટતા માંગતા નોટિસ પાઠવી છે
સરકારનું માનવું છે કે, જો કોઈ વ્યક્તિ સરળતાથી પોતાનું યુઝરનેમ બદલી શકશે તો તે જાણીતા લોકો, સરકારી સંસ્થાઓ અથવા અન્ય વિશ્વસનીય ઓળખનો દુરુપયોગ કરીને લોકોને છેતરવાનો પ્રયાસ કરી શકે છે. આ કારણસર સરકારે Metaને ફીચર અંગે વિગતવાર માહિતી આપવા અને ચર્ચા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેનો રોલઆઉટ સ્થગિત રાખવા જણાવ્યું છે.
સરકારી નોટિસ બાદ Metaએ સ્પષ્ટ કર્યું છે કે, હાલમાં WhatsApp પર Username ફીચર લાઇવ કરવામાં આવ્યું નથી. કંપનીના જણાવ્યા મુજબ આ સુવિધા વર્ષના અંત સુધીમાં તબક્કાવાર રીતે રજૂ કરવામાં આવશે. સાથે જ કંપનીએ ખાતરી આપી છે કે જાણીતી હસ્તીઓ, સરકારી સંસ્થાઓ, સેલિબ્રિટી અને Meta દ્વારા વેરિફાઇડ એકાઉન્ટ્સના નામ પહેલાથી જ રિઝર્વ રાખવામાં આવશે, જેથી કોઈ અન્ય વ્યક્તિ તેનો દુરુપયોગ ન કરી શકે.
આ સાથે Metaનું કહેવું છે કે, આ ફીચરનો હેતુ યુઝર્સને વધુ ગોપનીયતા અને સરળ ઓળખ આપવાનો છે. જોકે, કંપની સરકાર સાથે સતત સંવાદમાં રહી જરૂરી તમામ સુરક્ષા વ્યવસ્થાઓ અમલમાં મૂકશે. હવે સૌની નજર એ વાત પર છે કે સરકાર અને Meta વચ્ચેની ચર્ચા બાદ આ ફીચર કયા સ્વરૂપમાં અને ક્યારે યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
