<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

વોટ્સએપનો મોટો ધમાકો: એકાઉન્ટ કે એપ વગર પણ હવે થઈ શકશે વોટ્સએપ કોલ! યુઝર્સ માટે ટૂંક સમયમાં લોન્ચ થશે નવું 'ગેસ્ટ કોલિંગ' ફીચર!

વેબ બ્રાઉઝર દ્વારા સીધા કોલમાં જોડાઈ શકશે બિન-યુઝર્સ; હોસ્ટની મંજૂરી વિના પ્રવેશ નહીં મળે અને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનથી વાતચીત રહેશે સંપૂર્ણ સુરક્ષિત.

અમદાવાદ, તા. ૦૮: વિશ્વભરમાં અબજો યુઝર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp) યુઝર્સના અનુભવને વધુ શ્રેષ્ઠ અને સરળ બનાવવા માટે એક ક્રાંતિકારી ફીચર પર કામ કરી રહ્યું છે. હવે વોટ્સએપ પર કોલિંગ કરવા કે મેળવવા માટે સામે વાળી વ્યક્તિ પાસે વોટ્સએપ એકાઉન્ટ હોવું કે મોબાઈલમાં એપ ડાઉનલોડ કરેલી હોવી ફરજિયાત નહીં રહે. વોટ્સએપ ટૂંક સમયમાં જ 'ગેસ્ટ કોલિંગ' (Guest Calling) ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેનાથી વોટ્સએપ એકાઉન્ટ ન ધરાવતા લોકો પણ વેબ બ્રાઉઝરના માધ્યમથી સીધા જ વોટ્સએપ વિડીયો કે વોઇસ કોલમાં જોડાઈ શકશે.

 

'WABetaInfo' ના રિપોર્ટ અનુસાર, આ નવું ફીચર વોટ્સએપની હાલની ગેસ્ટ ચેટ ફંક્શનલિટી પર આધારિત છે, જેને હવે વોઇસ અને વિડીયો કોલ માટે વિસ્તૃત કરવામાં આવી રહ્યું છે. નવા ફીચર મુજબ, વોટ્સએપ યુઝર પોતાના કૉલ્સ (Calls) ટેબમાંથી સીધી એક 'કોલ લિંક' (Call Link) જનરેટ કરી શકશે. આ લિંકને વોટ્સએપ ન વાપરતા કોઈપણ વ્યક્તિ સાથે શેર કરી શકાશે. પ્રાપ્તકર્તા જેવો તે લિંક પર ક્લિક કરશે કે તરત જ તેના વેબ બ્રાઉઝર (જેમ કે ક્રોમ, સફારી કે એજ) પર વોટ્સએપનું કોલ ઇન્ટરફેસ ખુલી જશે અને તે એક 'ગેસ્ટ' તરીકે સીધો જ કોલમાં જોડાઈ શકશે.

 

સુરક્ષા અને ગોપનીયતાની દ્રષ્ટિએ પણ આ ફીચરમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. લિંક હોવા છતાં કોઈ પણ અનધિકૃત વ્યક્તિ કોલમાં પ્રવેશી શકશે નહીં. કોલમાં જોડાવા માટે મહેમાને મોકલેલી વિનંતીને હોસ્ટ (મુખ્ય યુઝર) દ્વારા મેન્યુઅલી સ્વીકારવી (Approve) પડશે. આ ઉપરાંત, હોસ્ટ પાસે કોલ દરમિયાન કોઈપણ સહભાગીને ઉમેરવા, રિમૂવ કરવા કે દરેક માટે કોલ સમાપ્ત કરવાનો પૂર્ણ અધિકાર રહેશે. સૌથી મહત્વની વાત એ છે કે, ગેસ્ટ કોલ્સ પણ વોટ્સએપના અન્ય કૉલ્સની જેમ 'એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ' હશે. હાલમાં આ સ્માર્ટ ફીચર ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને આગામી અપડેટ્સમાં તમામ યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવશે.

 

(4:32 PM IST)