તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
વોટ્સએપનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રાઇવસી ધડાકો : હવે મોબાઈલ નંબર વગર પણ થઈ શકશે ચેટ, નવું યુઝરનેમ ફીચર લોન્ચ
યુઝર્સ અગાઉથી જ બુક કરાવી શકશે પોતાનું યુનિક હેન્ડલ : સ્પામ મેસેજ અટકાવવા કોઈ પબ્લિક સર્ચેબલ ડિરેક્ટરી નહીં મળે : સુરક્ષા માટે યુઝરનેમ કીનો વધારાનો ઓપ્શન પણ ઉમેરાયો

નવી દિલ્હી: વિશ્વના સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp) દ્વારા તેના યુઝર્સની પ્રાઇવસીને વધુ મજબૂત કરવા માટે એક સીમાચિહ્નરૂપ અને અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કંપનીએ સત્તાવાર રીતે નવું 'યુઝરનેમ' ફીચર રજૂ કર્યું છે, જેનાથી હવે યુઝર્સે કોઈ અજાણી વ્યક્તિ સાથે ચેટ કરવા માટે પોતાનો પર્સનલ મોબાઈલ નંબર આપવાની જરૂર નહીં પડે. આ વર્ષના અંતમાં આવનારા મોટા અપડેટ પહેલા વોટ્સએપે અત્યારથી જ એડવાન્સમાં 'યુઝરનેમ રિઝર્વેશન' (બુકિંગ) પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેથી યુઝર્સ પોતાની પસંદગીનું યુનિક હેન્ડલ સુરક્ષિત કરી શકે. આ સુવિધા આગામી થોડા મહિનાઓમાં તબક્કાવાર રીતે વૈશ્વિક સ્તરે રોલઆઉટ કરવામાં આવશે.
૩ અબજથી વધુ યુઝર્સ હોવાથી અગાઉથી બુકિંગ કરાવવાની સુવિધા:
વિશ્વભરમાં વોટ્સએપના ૩ અબજથી પણ વધારે યુઝર્સ કાર્યરત હોવાથી, દરેક વ્યક્તિને પોતાની પસંદનું અથવા પોતાના નામનું યુનિક યુઝરનેમ મળી રહે તે માટે એડવાન્સ બુકિંગની પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જો કે, કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ ફીચર સંપૂર્ણપણે વૈકલ્પિક (ઓપ્શનલ) રહેશે. જો કોઈ યુઝર કોઈ નવી વ્યક્તિ સાથે પહેલીવાર વાતચીત શરૂ કરવા માંગે છે, તો તે ફોન નંબરના બદલે આ યુનિક યુઝરનેમનો ઉપયોગ કરી શકશે. જો યુઝરે પસંદ કરેલું નામ પહેલેથી જ કોઈએ લઈ લીધું હશે, તો એપમાં આપેલું ઇન-બિલ્ટ યુઝરનેમ જનરેટર વૈકલ્પિક નામોના સજેશન પણ આપશે.
આ રીતે ચેક કરો તમારું યુઝરનેમ બુકિંગ સ્ટેટસ:
પોતાના ખાતા માટે આ ફીચર ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા માટે યુઝર્સે સૌથી પહેલા પોતાની વોટ્સએપ એપ્લિકેશન અપડેટ કરવી પડશે. ત્યારબાદ એપના સેટિંગ્સ (Settings) માં જઈને એકાઉન્ટ (Account) અને પછી યુઝરનેમ (Username) ઓપ્શન પર જઈને નવું અપડેટ ચેક કરી શકાશે. જે તે દેશમાં આ ફીચર સત્તાવાર રીતે લાઈવ થતાં જ કંપની તમામ યુઝર્સને ઇન-એપ નોટિફિકેશન (એપની અંદર જ મેસેજ) મોકલીને પણ આ અંગે માહિતગાર કરશે.
સ્પામ મેસેજ રોકવા માટે અદભુત પ્રાઇવસી અને સુરક્ષા કી:
અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની સરખામણીએ વોટ્સએપે આ ફીચરમાં પ્રાઇવસીનું ખાસ ધ્યાન રાખ્યું છે. વોટ્સએપ પર યુઝરનેમની કોઈ પબ્લિક સર્ચેબલ ડિરેક્ટરી એટલે કે લિસ્ટ બનાવવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે કોઈ પણ વ્યક્તિ સર્ચ કરીને તમારું યુઝરનેમ શોધી શકશે નહીં; તમારી સાથે વાત કરવા માટે સામેવાળી વ્યક્તિ પાસે તમારું યુઝરનેમ પહેલેથી જ હોવું જરૂરી છે. આનાથી વણજોઈતા સ્પામ મેસેજ પર સંપૂર્ણ રોક લગાવી શકાશે. એટલું જ નહીં, વધારાની સુરક્ષા માટે કંપની એક ઓપ્શનલ 'યુઝરનેમ કી' (Username Key) પણ લાવી રહી છે. આ કી શેર કર્યા બાદ જ યુઝર્સ નક્કી કરી શકશે કે તેમના યુઝરનેમ દ્વારા કોણ તેમની સાથે નવી વાતચીત શરૂ કરી શકે છે અને કોણ નહીં.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
