<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

વોટ્સએપના નવા 'યુઝરનેમ' ફીચર પર કેન્દ્ર સરકારની તલવાર: સાયબર ક્રાઈમ વધવાની આશંકાએ મેટાના જવાબની કડક સમીક્ષા શરૂ!

મોબાઈલ નંબર વગર ચેટિંગ કરવાના ફીચર પર ભારતે લગાવ્યો બ્રેક; ગુનેગારોને પકડવા મુશ્કેલ બનશે તેવા ડર વચ્ચે તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ માટે એક સમાન નીતિ લાવવા સરકારનો મોટો પ્લાન.

નવી દિલ્હી : ભારતમાં સાયબર છેતરપિંડી અને ઓનલાઈન કૌભાંડોના વધતા જતા ગ્રાફ વચ્ચે કેન્દ્ર સરકાર અને સોશિયલ મીડિયા જાયન્ટ મેટા (Meta) કંપની આમને-સામને આવી ગયા છે. વોટ્સએપ (WhatsApp) દ્વારા લાવવામાં આવી રહેલા મોસ્ટ અવેટેડ 'યુઝરનેમ' ફીચરના કારણે દેશની આંતરિક સુરક્ષા અને યુઝર્સની સેફ્ટી જોખમાય તેવી ભીતિ સરકારે વ્યક્ત કરી છે. આ મામલે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) દ્વારા મોકલવામાં આવેલી નોટિસના જવાબમાં મેટાએ મોકલેલા ખુલાસાની હવે કેન્દ્ર સરકાર દ્વારા અત્યંત બારીકાઈથી સમીક્ષા શરૂ કરવામાં આવી છે.
શું છે આ વિવાદાસ્પદ 'યુઝરનેમ' ફીચર?
વોટ્સએપના આ આગામી અપડેટ મુજબ, યુઝર્સે કોઈની પણ સાથે ચેટ કરવા માટે પોતાનો પર્સનલ મોબાઈલ નંબર શેર કરવાની જરૂર નહીં પડે. યુઝર્સ માત્ર એક યુનિક 'યુઝરનેમ' (જેમ કે ઇન્સ્ટાગ્રામ કે એક્સ પર હોય છે) બનાવીને એકબીજા સાથે કનેક્ટ થઈ શકશે. મેટા કંપનીનો દાવો છે કે આનાથી લોકોની પ્રાઈવસી (ગોપનીયતા) વધુ મજબૂત બનશે. પરંતુ, ભારત સરકારનું ગણિત આનાથી બિલકુલ અલગ છે.
'ડિજિટલ ધરપકડ' અને સાયબર કૌભાંડો વધવાનો ખતરો
સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂરતી સુરક્ષા વ્યવસ્થા વિના જો આ ફીચર લોન્ચ કરવામાં આવે, તો ફિશિંગ એટેક, નકલખોરી અને હાલમાં દેશભરમાં તરખાટ મચાવી રહેલા 'ડિજિટલ એરેસ્ટ' (Digital Arrest) જેવા ગંભીર ગુના આચરતા ગુનેગારોને ટ્રેસ કરવા (ઓળખવા) અત્યંત મુશ્કેલ બની જશે. ગુનેગારો પોતાની અસલી ઓળખ છુપાવીને નિર્દોષ નાગરિકોને સરળતાથી ટાર્ગેટ કરી શકશે. આ જ કારણોસર સરકારે મેટાને કડક સૂચના આપી છે કે જ્યાં સુધી સરકારને સંપૂર્ણ સંતોષ ન થાય, ત્યાં સુધી ભારતમાં આ ફીચર રોલઆઉટ કરવામાં ન આવે.
આઈટી એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહીની ચેતવણી
સરકારે મેટા પાસે એ બાબતની પણ સ્પષ્ટતા માંગી છે કે ઇન્ફર્મેશન ટેકનોલોજી (IT) એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે કાનૂની કાર્યવાહી કેમ ન કરવી જોઈએ? ભારતના ડિજિટલ નિયમો અનુસાર, વોટ્સએપ જેવા પ્લેટફોર્મ્સે યુઝર્સની સુરક્ષા પ્રત્યે જવાબદાર રહેવું પડે છે. સરકારના આ કડક વલણ બાદ, વોટ્સએપે સત્તાવાર રીતે ખાતરી આપી છે કે જ્યાં સુધી સરકાર સાથેની ચર્ચા પૂરી નહીં થાય, ત્યાં સુધી તેઓ ભારતમાં આ સુવિધા લોન્ચ નહીં કરે.
સરકાર તમામ પ્લેટફોર્મ્સ માટે લાવશે 'માસ્ટર પોલિસી'
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સરકાર હવે માત્ર વોટ્સએપ પૂરતી મર્યાદિત રહેવા માંગતી નથી. ડિજિટલ પ્લેટફોર્મ્સ પર યુઝરનેમ-આધારિત ઓળખ પ્રણાલીઓને નિયંત્રિત કરવા માટે દેશમાં એક સમાન અને પ્રમાણિત નીતિ (Standard Policy) લાવવા અંગે ગંભીર વિચારણા ચાલી રહી છે. આ પ્રારંભિક ચર્ચાનો મુખ્ય હેતુ દરેક એપ્લિકેશન માટે અલગ નિયમો બનાવવાના બદલે એક મજબૂત અને સુરક્ષિત ડિજિટલ ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો છે.

(6:33 PM IST)