તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
વોટ્સએપના 'યુઝરનેમ' ફીચર પર બ્રેક: સરકારના આકરા વલણ સામે આખરે મેટા ઝૂક્યું
મોબાઈલ નંબર છુપાવીને ચેટ કરવાની નવી સુવિધા ભારતમાં હાલ લોન્ચ નહીં થાય: ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ક્રાઈમના ખતરાને જોતાં આઈટી મંત્રાલયની નોટિસ બાદ કંપનીએ લીધો મોટો યુ-ટર્ન

નવી દિલ્હી: લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ પર જે 'યુઝરનેમ ફીચર' ની કરોડો ભારતીય યુઝર્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તેના પર હવે ગ્રહણ લાગી ગયું છે. આ નવા ફીચર અંતર્ગત યુઝર્સ પોતાનો પર્સનલ મોબાઈલ નંબર શેર કર્યા વિના માત્ર એક કસ્ટમ યુઝરનેમ દ્વારા અન્યો સાથે ચેટ કરી શકવાના હતા. પરંતુ, કેન્દ્ર સરકારની કડક ચેતવણી અને આશંકાઓ બાદ માતૃ કંપની મેટાએ સ્પષ્ટ ખાતરી આપી છે કે જ્યાં સુધી આ વિષય પર સરકારી વહીવટીતંત્ર સાથે ચાલી રહેલી હાઈ-લેવલ ચર્ચા કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર ન પહોંચે, ત્યાં સુધી ભારતમાં આ ફીચર લોન્ચ કરવામાં આવશે નહીં. સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ, ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયએ મેટાને સત્તાવાર નોટિસનો જવાબ આપવા માટે વધારાના ત્રણ દિવસનો સમય પણ આપ્યો છે.
આ વિવાદ પાછળનું મુખ્ય કારણ દેશમાં વધી રહેલા હાઈટેક સાયબર ગુનાઓ છે. ગૃહ મંત્રાલય (MHA) અને આઈટી મંત્રાલયના મતે, વોટ્સએપ પર યુઝરનેમની સુવિધા મળવાથી ઓનલાઈન છેતરપિંડી, ફિશિંગ અને હાલમાં આતંક મચાવી રહેલા "ડિજિટલ અરેસ્ટ" જેવા ગંભીર કૌભાંડોનું જોખમ અનેક ગણું વધી જશે. સાયબર ગુનેગારો આ સુવિધાનો દુરુપયોગ કરીને પોતાની સાચી ઓળખ છુપાવી નવા-નવા કાવતરાં ઘડી શકે છે. આથી જ સરકારે મેટાને કડક સવાલ કર્યો હતો કે સાયબર ગુનાની આ ભયાનક સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આઈટી કાયદા હેઠળ તેમની સામે કાનૂની કાર્યવાહી કેમ ન કરવી જોઈએ, અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરીકેની તેમની કાયદાકીય જવાબદારીઓની પણ યાદ અપાવી હતી.
બીજી તરફ, વોટ્સએપે બચાવ પક્ષ રજૂ કરતા જણાવ્યું છે કે આ ફીચર હજુ લાઈવ થયું નથી અને તેને વર્ષના અંત સુધીમાં તબક્કાવાર રોલ આઉટ કરવાનું આયોજન હતું. કંપનીએ દાવો કર્યો છે કે નકલી ઓળખ ઉભી કરીને થતી છેતરપિંડી રોકવા માટે સેલિબ્રિટી, સરકારી સંસ્થાઓ અને વીઆઈપી એકાઉન્ટ્સના નામોને પહેલેથી જ લોક (હોલ્ડ પર) કરી દેવાયા છે. આ સિવાય, જો કોઈ અજાણી વ્યક્તિ યુઝરનેમ દ્વારા પહેલીવાર સંપર્ક કરશે, તો વોટ્સએપ તે એકાઉન્ટ નવું છે કે જૂનું, કયા દેશનું છે અને કોઈ કોમન ગ્રુપ છે કે નહીં તેની સંપૂર્ણ કુંડળી સ્ક્રીન પર પ્રદર્શિત કરશે. રસપ્રદ વાત એ છે કે, સરકારનો આ ડિજિટલ સપાટો માત્ર વોટ્સએપ પૂરતો સીમિત નથી; સાયબર સુરક્ષાને મજબૂત કરવા માટે આઈટી મંત્રાલયે ટેલિગ્રામ અને સિગ્નલ જેવી અન્ય પ્રતિષ્ઠિત એપ્સને પણ નોટિસ ફટકારીને તેમની સુરક્ષા વ્યવસ્થાની વિગતો માંગી છે.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
