<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

સુનંદા પુષ્‍કર વિશે પૂછયું તો થરૂરે દરોડાની ધમકી આપી'તી

આઈપીએલનો સૌથી મોટો ખુલાસોઃ લલિત મોદીએ વર્ષો જૂનું ‘કોચી કન્‍સોર્ટિયમ'નું સનસનાટીભર્યુ રહસ્‍ય ખોલ્‍યું! : શેરધારકો અને કરોડોની મફત ઇક્‍વિટીના રહસ્‍ય પરથી આખરે પડદો ઊંચકાયોઃ સ્‍વર્ગસ્‍થ પત્‍નીનું નામ આવતા થરૂર લાલચોળ થયાતા

બેંગલુરુ, તા.૪: ક્રિકેટ, સત્તા અને કાળા નાણાંના ગઠબંધનની એક એવી વાર્તા જેણે વર્ષો પહેલા ભારતીય રાજકારણમાં ભૂકંપ લાવી દીધો હતો, તે ફરી એકવાર ચર્ચામાં આવી છે. ઇન્‍ડિયન પ્રીમિયર લીગના પૂર્વ કમિશનર લલિત મોદીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર અને તેમની સ્‍વર્ગસ્‍થ પત્‍ની સુનંદા પુષ્‍કરને લઈને એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. એક ઇન્‍ટરવ્‍યુમાં મોદીએ ખુલાસો કર્યો કે ૨૦૧૦ માં જ્‍યારે કોચી ટસ્‍કર્સ કેરળ ફ્રેન્‍ચાઇઝીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, ત્‍યારે શશી થરૂરે તેમને ફોન પર સીધી ધમકી આપી હતી. થરૂરે ગુસ્‍સામાં કહ્યું હતું કે જો સુનંદા પુષ્‍કરના ફ્રી શેર અને નાણાકીય લેણદેણ અંગે પ્રશ્‍નો ઉઠાવવાનું બંધ નહીં કરવામાં આવે, તો તેઓ કેન્‍દ્રીય એજન્‍સીઓનો ઉપયોગ કરીને લલિત મોદીના સ્‍થળો પર દરોડા પડાવશે. આ સાંભળીને લલિત મોદીએ પણ નર્કમાં જવાનું કહી ફોન કાપી નાખ્‍યો હતો અને જ્‍યાં સુધી પડદા પાછળના અસલી માલિકોના નામ સામે ન આવે ત્‍યાં સુધી કરાર પર સહી કરવાનો સ્‍પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

બેંગલુરુની એક હોટેલમાં મોડી રાત સુધી ચાલેલી આ હાઈ-ડ્રામા મીટિંગ દરમિયાન વિવાદ તેના ચરમસીમાએ પહોંચી ગયો હતો. લલિત મોદીના જણાવ્‍યા અનુસાર, તે સમયે શશી થરૂરને ગાંધી પરિવાર અને ખાસ કરીને સોનિયા ગાંધીનું સંપૂર્ણ સમર્થન હતું. સ્‍થિતિ એવી હતી કે મોદી પર દબાણ લાવવા માટે તત્‍કાલીન દિગ્‍ગજ નેતાઓ અહેમદ પટેલ અને પ્રણવ મુખર્જીના સતત ફોન આવી રહ્યા હતા, જ્‍યારે રાજીવ શુક્‍લા મધ્‍યસ્‍થી તરીકે દોડધામ કરી રહ્યા હતા. આ આખો વિવાદ સુનંદા પુષ્‍કરને ફ્રેન્‍ચાઇઝીમાં મફત આપવામાં આવેલા ૨૫% શેર અને ૧૫% ની ફ્રી ઇક્‍વિટીની આસપાસ ફરતો હતો. જ્‍યારે મોદીએ પૂછયું કે કોઈ અજાણી મહિલાને આટલી મોટી રકમ અને હિસ્‍સેદારી કયા આધારે આપવામાં આવી રહી છે, ત્‍યારે તેમને સંતોષકારક જવાબ મળવાને બદલે માત્ર રાજકીય દબાણનો સામનો કરવો પડ્‍યો હતો.

લલિત મોદીએ આ સમગ્ર સોદાના નાણાકીય ગણિતને સંપૂર્ણપણે ખોટું અને શંકાસ્‍પદ ગણાવ્‍યું હતું. તેમણે પ્રશ્‍ન કર્યો કે કોઈ બિઝનેસ મોડેલમાં એવું કેવી રીતે બની શકે કે ૭૫% શેરધારકો ૧૦૦% ખર્ચ ભોગવે અને બાકીના ૨૫% શેર કોઈને મફતમાં મળી જાય? આ અસમાનતાને કારણે જ તેમણે કોચી ટીમના હસ્‍તાક્ષર રોકી રાખ્‍યા હતા. જોકે, શરૂઆતમાં શશી થરૂરે પોતાની મીઠી વાતોથી લલિત મોદીને પ્રભાવિત કરીને, કેરળમાં આંતરરાષ્‍ટ્રીય સ્‍તરનું સ્‍ટેડિયમ ન હોવા છતાં આ ટીમને બિડિંગમાં સામેલ કરાવી દીધી હતી. પરંતુ અંતે આ વિવાદ એટલો વકર્યો કે શશી થરૂરે પોતાના મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્‍યું અને નિયમોના ઉલ્લંઘન બદલ BCCI એ માત્ર એક જ સીઝન (૨૦૧૧) રમાડીને કોચી ટસ્‍કર્સ કેરળની ટીમને હંમેશા માટે IPL માંથી હાંકી કાઢી હતી.

(2:52 PM IST)