હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"જ્યારે કાનૂની દાવપેચ નિષ્ફળ જાય, ત્યારે વાડ્રા પરિવાર ધમકીઓ પર ઉતરી આવે છે!" ઉત્તરાખંડ લેન્ડ ગ્રેબિંગ વિવાદમાં પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા સામે ભાજપના આકરા પ્રહારો
૯૦ વર્ષના વૃદ્ધાની ૪ એકર કિંમતી જમીન હડપ કરવાનો કથિત પ્રયાસ; કોંગ્રેસ ધારાસભ્ય ૧૦૦ ગુંડાઓ સાથે ધમકાવવા પહોંચ્યા હોવાનો ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીનો સનસનાટીપૂર્ણ દાવો

નવી દિલ્હી : દેશના રાજકારણમાં ફરી એકવાર 'જમીન કૌભાંડ' અને વાડ્રા પરિવારને લઈને મોટો ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુરુવારે એક હાઈ-વોલ્ટેજ પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને તેમના ઉદ્યોગપતિ પતિ રોબર્ટ વાડ્રા પર ઉત્તરાખંડમાં ૪ એકર કિંમતી જમીન ગેરકાયદેસર રીતે હડપ કરવાનો સનસનાટીપૂર્ણ આરોપ લગાવ્યો છે. ભાજપે આ ઘટનાને "જમીન હડપ કરવાનું ગાંધી-વાડ્રા મોડેલ" ગણાવીને કોંગ્રેસની કથિત દાદાગીરી સામે આકરા પ્રહારો કર્યા છે.
રોબર્ટ વાડ્રાના સંબંધી સાયરા વાડ્રાનું નામ આવ્યું સામે
નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ દાવો કર્યો હતો કે ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લામાં આવેલી ચાર એકર કિંમતી જમીન પર કબજો મેળવવા માટે વાડ્રા પરિવાર તમામ હદો વટાવી રહ્યો છે. ભંડારીના જણાવ્યા અનુસાર, "આ મૂળ જમીન લીઝ સ્વર્ગસ્થ કુલસુમ ખાનના નામે છે અને હાલમાં આ મિલકત તેમની ૯૦ વર્ષની વૃદ્ધ બહેન નસરીન ખાન પાસે છે. રોબર્ટ વાડ્રાના ભાભી સાયરા વાડ્રા આ જમીન પડાવી લેવા માંગે છે. જ્યારે તેમને સમજાયું કે કાનૂની રસ્તે આ જમીન નહીં મળે, ત્યારે તેમણે ધમકાવવાનો આશરો લીધો છે. સાયરા માત્ર મહોરું છે, અસલી ખેલાડી પ્રિયંકા અને રોબર્ટ વાડ્રા છે."
અડધી રાત્રે ૧૦૦ સમર્થકો સાથે ધારાસભ્યની ધાકધમકી
ભાજપના નેતાએ પીડિત વૃદ્ધા નસરીન ખાનના નિવેદનને ટાંકીને કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે બુધવારે મોડી રાત્રે કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય તિલક રાજ બેહર અંદાજે ૧૦૦ જેટલા સમર્થકો અને ગુંડાઓ સાથે નસરીન ખાનના ઘરે ધસી ગયા હતા. તેમણે ૯૦ વર્ષના મુસ્લિમ મહિલાને ખુલ્લેઆમ ધમકી આપી હતી કે જો તેઓ તાત્કાલિક આ જમીન ખાલી કરીને વાડ્રા પરિવારને નહીં સોંપે, તો તેમણે આના ખૂબ જ ગંભીર પરિણામો ભોગવવા પડશે.
ભાજપનો આકરો સવાલ— શું પ્રિયંકા ગાંધીએ ફોન કર્યો હતો? પ્રદીપ ભંડારીએ આડકતરી રીતે પ્રિયંકા ગાંધી પર નિશાન સાધતા પૂછ્યું, "શું પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતે કોંગ્રેસના ધારાસભ્યને ફોન કરીને આદેશ આપ્યો હતો કે ગમે તેમ કરીને ૯૦ વર્ષના મુસ્લિમ મહિલાને ડરાવી-ધમકાવીને તેમની ભાભી સાયરા વાડ્રાને જમીનનો કબજો અપાવો?"
"મુસ્લિમ અને ગરીબ પ્રેમ માત્ર ઢોંગ"
ભાજપે કોંગ્રેસની વોટબેંકની રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, એકતરફ કોંગ્રેસ દેશભરમાં ગરીબો અને મુસ્લિમોના હકની રક્ષા કરવાનો દાવો કરે છે, પરંતુ જ્યારે પોતાના પરિવારના સ્વાર્થની વાત આવે છે ત્યારે એક અસહાય ૯૦ વર્ષના મુસ્લિમ મહિલાની જમીન છીનવવામાં પણ તેમને કોઈ શરમ નથી આવતી. રોબર્ટ વાડ્રા સાથે સંકળાયેલા અગાઉના જમીન વિવાદોનો ઉલ્લેખ કરતા ભંડારીએ ઉમેર્યું કે, આ વાડ્રા પરિવારની જૂની પેટર્ન છે; જ્યાં પણ જમીન દેખાય ત્યાં સત્તા અને ગુંડાતત્વોના જોરે કબજો કરી લેવો.
આ સનસનાટીપૂર્ણ આક્ષેપો બાદ ઉત્તરાખંડથી લઈને દિલ્હી સુધીનું રાજકારણ ગરમાયું છે, અને આગામી દિવસોમાં આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મોટું રાજકીય યુદ્ધ ખેલાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
