તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
જ્યારે ૧૯૩૦ના દાયકામાં સંઘ પર પ્રતિબંધ મુકવાની કોશિશ થઈ, ત્યારે એક મુસ્લિમ વ્યક્તિએ બચાવ કર્યો હતો: મોહન ભાગવત
નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન સરસંઘચાલકે યાદ કર્યા સંઘના આરંભિક દિવસો, સ્થાપક ડૉ. હેડગેવાર સાથે જોડાયેલા ઐતિહાસિક કિસ્સાનું વર્ણન

નાગપુર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે સોમવારે નાગપુર ખાતે એક સાર્વજનિક કાર્યક્રમમાં સંબોધન કરતા ૧૯૩૦ના દાયકાના આરંભિક સમયનો એક ઐતિહાસિક કિસ્સો યાદ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું કે સંઘ પર પ્રથમ વખત પ્રતિબંધ મુકવાની કોશિશ થઈ ત્યારે એક મુસ્લિમ વ્યક્તિએ સંઘના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, નાગપુર નાગરિક સહકારી બેંકના નવનિર્મિત ઓડિટોરિયમના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા મોહન ભાગવતે જણાવ્યું કે તે સમયે સેન્ટ્રલ પ્રોવિન્સિસની વિધાનસભામાં સંઘને પ્રતિબંધિત કરવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે કોઈ સ્વયંસેવક સમર્થનમાં નહોતું આવ્યું, પરંતુ 'ઇબ્રાહિમ' નામના વ્યક્તિએ સંઘ સાંપ્રદાયિક નથી તેમ કહીને તેનો બચાવ કર્યો હતો.
સરસંઘચાલકે ઇબ્રાહિમના નિવેદનને યાદ કરતા જણાવ્યું કે તે વ્યક્તિ ડૉ. કેશવ બળિરામ હેડગેવારને અંગત રીતે ઓળખતા હતા અને જાણતા હતા કે તેઓ સારા વ્યક્તિ છે, જેથી સંઘ સાંપ્રદાયિક હોઈ શકે નહીં તેમ માનીને વિધાનસભામાં તેનો વિરોધ કર્યો હતો.
સંઘની ૧૦૦ વર્ષની યાત્રાનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે શરૂઆતના દિવસોમાં સંગઠન મોટું નહોતું છતાં સંસ્થાપક અને સ્વયંસેવકોના સમર્પણ તથા નિષ્ઠાને કારણે જ આજે સંઘ વૈચારિક અને સામાજિક સ્તરે વ્યાપક વટવૃક્ષ બન્યો છે.
આ પ્રસંગે તેમણે પ્રચારકોના નિઃસ્વાર્થ જીવન અને સમાજસેવા માટેના યોગદાન વિશે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી, અને જણાવ્યું કે અંદાજે ૭૦થી ૭૫ લાખ સ્વયંસેવકો પૈકી હજારો પૂર્ણકાલીન કાર્યકરો પોતાની અંગત ઈચ્છાઓ બાજુએ મૂકીને દેશ સેવા કરી રહ્યા છે.
આગામી સમયમાં પણ સંઘના આદર્શો અને વિચારોને જાળવી રાખીને સમાજના ઉત્થાન માટે કામ કરતા રહેવાની પ્રતિબદ્ધતા સાથે આ વિશેષ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
