તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
NEET-UG 2026 ના વિવાદોનો અંત ક્યારે? સુપ્રીમ કોર્ટે સુનાવણી જુલાઈ પર ઠેલી: પુનઃપરીક્ષા સામેની અરજી પર હવે જસ્ટિસ નરસિંહાની બેન્ચ કરશે નિર્ણય
પુનઃપરીક્ષા રદ કરવાની માંગ અને NTA ની કામગીરી પર ઉઠતા સવાલો વચ્ચે લાખો વિદ્યાર્થીઓની નજર હવે કોર્ટના આગામી આદેશ પર; 21 જૂનની પરીક્ષા અંગે સ્થિતિ યથાવત.

નવી દિલ્હી : NEET-UG 2026 પરીક્ષાને લઈને ચાલી રહેલો વિવાદ હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા સ્પષ્ટ કર્યું છે કે પુનઃપરીક્ષાના નિર્ણયને પડકારતી અરજી પર હવે જુલાઈ મહિનામાં સુનાવણી હાથ ધરવામાં આવશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ વી મોહનાની બેન્ચે જણાવ્યું હતું કે, આ મામલે જસ્ટિસ પી.એસ. નરસિંહાની આગેવાની હેઠળની બેન્ચ સુનાવણી કરશે, જેઓ પહેલેથી જ NEET સંબંધિત અન્ય અરજીઓ પર વિચારણા કરી રહ્યા છે.
આ નવી અરજી માત્ર પુનઃપરીક્ષાને રદ કરવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે પરીક્ષા પદ્ધતિમાં આમૂલ પરિવર્તનની પણ માંગ કરે છે. અરજદારે કોર્ટ સમક્ષ ટેકનોલોજી-આધારિત સુધારાઓની વકીલાત કરી છે, જેમાં એન્ક્રિપ્ટેડ ડિજિટલ પ્રશ્નપત્ર વિતરણ, બાયોમેટ્રિક પ્રમાણીકરણ અને AI-સહાયિત દેખરેખ જેવી આધુનિક પ્રણાલીઓ લાગુ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. એટલું જ નહીં, NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) ની કાર્યપ્રણાલી અને તેમાં રહેલી ખામીઓની તપાસ કરવા માટે એક સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે.
વધતી જતી આ ચિંતાઓને ધ્યાનમાં રાખીને, અગાઉ સુપ્રીમ કોર્ટે પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી આ સમસ્યાનું સમાધાન લાવવા માટે વાસ્તવિક જવાબદારી નક્કી કરવી અનિવાર્ય છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને આશ્વાસન આપ્યું છે કે સરકાર યુવાનોના હિત માટે સંપૂર્ણ ગંભીર છે અને વડાપ્રધાન પોતે આ સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે જેથી કરીને 21 જૂને યોજાનારી પુનઃપરીક્ષામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહે.
હાલમાં સીબીઆઈ આ સમગ્ર પેપર લીક પ્રકરણની તપાસ કરી રહી છે. એક તરફ 21 જૂને પરીક્ષાની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ આ અરજીએ વિદ્યાર્થીઓમાં ફરીથી એક અસમંજસની સ્થિતિ ઊભી કરી છે. હવે જુલાઈમાં સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી જ નક્કી કરશે કે NEET-UG 2026 ના આ વિવાદિત અધ્યાયનો અંત કેવી રીતે આવશે અને શું NTA ની પરીક્ષા પદ્ધતિમાં કોઈ મોટા ફેરફાર જોવા મળશે કે નહીં.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
