<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

દુનિયામાં સૌથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ ક્યાં મળે છે? જાણો કયા દેશમાં છે માત્ર ૩૯ પૈસાનું ડીઝલ અને ભારતમાં કેટલી છે કિંમત

મુંબઈ: આજના સમયમાં સામાન્ય માણસ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ એ સૌથી મોટી ચિંતાનો વિષય છે. પરંતુ દુનિયામાં એવા પણ કેટલાક દેશો છે જ્યાં પાણી કરતા પણ સસ્તા ભાવે ઈંધણ મળે છે. તાજેતરના વૈશ્વિક આંકડાઓ અનુસાર, દુનિયામાં સૌથી સસ્તું ડીઝલ માત્ર ૩૯ પૈસા પ્રતિ લિટર અને પેટ્રોલ માત્ર ૨ રૂપિયા અને ૨૫ પૈસા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે ભારત સાથે સરખામણી કરીએ તો અમુક દેશોમાં પેટ્રોલ ૪૪ ગણું સસ્તું છે, તો અમુક દેશોમાં ચાર ગણું મોંઘું છે. 

 

આંતરરાષ્ટ્રીય આર્થિક નિષ્ણાતોના રિપોર્ટ અનુસાર, ઈરાન અને વેનેઝુએલા જેવા દેશોમાં સરકાર દ્વારા અપાતી જંગી સબસિડી અને સ્થાનિક ચલણના ભારે અવમૂલ્યનને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ સાવ તળિયે છે. 

 

ઈરાનમાં એક લિટર ડીઝલનો ભાવ માત્ર ૩૯ પૈસા છે, જ્યારે લિબિયા અને વેનેઝુએલામાં પણ પેટ્રોલની કિંમત અનુક્રમે ૨ રૂપિયા ૬૦ પૈસા અને ૨ રૂપિયા ૯૦ પૈસા આસપાસ છે. આ દેશો પાસે ઓઈલનો વિપુલ ભંડાર હોવા છતાં આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે તેઓ તેને ખુલ્લા બજારમાં વેચી શકતા નથી, પરિણામે સ્થાનિક લોકોને તે મફતના ભાવે મળે છે. 

 

આની સરખામણીએ જો હોંગકોંગ, નોર્વે કે ડેનમાર્ક જેવા વિકસિત દેશોની વાત કરીએ તો ત્યાં પેટ્રોલની કિંમત ભારતીય રૂપિયામાં ૧૮૦ થી ૨૫૦ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી જાય છે. ત્યાંની સરકારો કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઈંધણ પર અત્યંત ભારે ટેક્સ વસૂલે છે. 

 

ભારતમાં હાલ પેટ્રોલનો સરેરાશ ભાવ ૯૫ થી ૧૦૫ રૂપિયાની આસપાસ છે, જે આ વૈશ્વિક સરેરાશની બરાબર મધ્યમાં આવે છે.

(9:45 AM IST)