<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

એક વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર કઈ બેંક આપી રહી છે સૌથી વધુ વ્યાજ? ₹1 લાખના રોકાણ પર શાનદાર રિટર્ન મેળવવા માટે સ્મોલ ફાઇનાન્સ અને અગ્રણી બેંકોના લેટેસ્ટ વ્યાજ દરની સંપૂર્ણ યાદી

શેરબજારના જોખમોથી દૂર રહીને સુરક્ષિત રોકાણ કરવા ઈચ્છુક નાગરિકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ઉત્તમ વિકલ્પ; જાણી લો કઈ બેંકોમાં નાણાં મૂકવાથી મળશે સૌથી વધુ વળતર.

રાજકોટ, તા.20: જો તમે તમારા મહેનત કમાયા નાણાં સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવા માંગતા હોવ અને શેરબજારના ઉતાર-ચઢાવના જોખમથી બચવા માંગતા હોવ, તો ફિક્સ્ડ ડિપોઝિટ (FD) હંમેશાંથી રોકાણકારો માટે સૌથી ભરોસાપાત્ર વિકલ્પ રહ્યો છે. ખાસ કરીને એક વર્ષની ટૂંકી મુદતની એફડી માટે તમારે લાંબા સમય સુધી નાણાં બ્લોક રાખવાની જરૂર નથી પડતી. હાલમાં ઘણી સ્મોલ ફાઇનાન્સ બેંકો એક વર્ષની એફડી પર ૭ ટકાથી વધુ વ્યાજ ઓફર કરી રહી છે, જ્યારે સરકારી અને મોટી ખાનગી બેંકોમાં વ્યાજ દર થોડા અલગ છે.

વિવિધ નાની ફાઇનાન્સ બેંકો એક વર્ષની એફડી પર અત્યંત આકર્ષક વ્યાજ દર આપી રહી છે. ઉપલબ્ધ આંકડાઓ મુજબ સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક અને ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક એક વર્ષની એફડી પર ૭.૨૫ ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. આ ઉત્તમ દર મુજબ જો કોઈ વ્યક્તિ રૂ. ૧ લાખનું રોકાણ કરે, તો પાકતી મુદતે તેને અંદાજે રૂ. ૧,૦૭,૪૫૦ જેટલી રકમ મળી શકે છે. આ ઉપરાંત ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક ૭.૧ ટકા અને જાના સ્મોલ ફાઇનાન્સ બેંક ૭ ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.

ખાનગી ક્ષેત્રની બેંકોની વાત કરીએ તો, એસબીએમ બેંક ઇન્ડિયા (SBM Bank India) એક વર્ષની એફડી પર ૭.૧ ટકા વ્યાજ આપી રહી છે, જેનાથી રૂ. ૧ લાખના રોકાણ પર આશરે રૂ. ૧૦૭,૨9૧ વ્યાજ મળી શકે છે. જ્યારે બંધન બેંક ૭ ટકા અને ડીસીબી તથા આરબીએલ બેંક ૬.૯ ટકા વ્યાજ દર આપી રહી છે. આ ઉપરાંત એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક જેવી મોટી ખાનગી બેંકો એક વર્ષની એફડી પર ૬.૨૫ ટકા વ્યાજ આપી રહી છે.

જાહેર ક્ષેત્રની (સરકારી) બેંકોમાં બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક એક વર્ષની એફડી પર ૬.૫ ટકા વ્યાજ આપી રહી છે, જેનાથી રૂ. ૧ લાખની ડિપોઝિટ પર પાકતી મુદતે આશરે રૂ. ૧,૦૬,૬૬૦ મળે છે. આ તરફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા, કેનેરા બેંક અને પંજાબ નેશનલ બેંક (PNB) જેવી મુખ્ય સરકારી બેંકો ૬.૨૫ ટકાના દરે વ્યાજ આપી રહી છે, જેમાં રૂ. ૧ લાખના રોકાણ પર આશરે રૂ. ૧,૦૬,૩9૮ સુધીની રકમ પરત મળે છે.

ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરતા પહેલા રોકાણકારોએ કેટલીક બાબતોની ખાસ કાળજી રાખવી જરૂરી છે. વ્યાજ દર બેંકના નિયમો, સમયગાળો અને વ્યાજ ગણતરીની પદ્ધતિ પર આધાર રાખે છે. વરિષ્ઠ નાગરિકો માટે ઘણી બેંકો વધારાનું વ્યાજ પણ ઓફર કરતી હોય છે. રોકાણ કરતા પહેલા સંબંધિત બેંકની સત્તાવાર વેબસાઇટ પર જઈને વ્યાજ દર, અકાળ ઉપાડ (Premature Withdrawal) ના નિયમો અને લાગુ પડતા ટેક્સ નિયમો અવશ્ય ચકાસી લેવા હિતાવહ છે.

(4:23 PM IST)