<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

રસોઈ બનાવવા માટે કઈ ધાતુનાં વાસણો પસંદ કરવાં? ભારત સરકારે વાસણો માટે નવા નિયમો લાગુ કર્યા

એલ્યુમિનિયમનાં વાસણો અને કૂકવેર માટે તો તાત્કાલિક અસરથી આ નવા આદેશનો અમલ ફરજિયાત: હવે એલ્યુમિનિયમનાં વાસણો અને ઠંડા પીણા માટેની કેનની ગુણવત્તામાં સહેજ પણ બાંધછોડ નહીં ચાલે

નવી દિલ્હી :છેલ્લા કેટલાક સમયથી આખા દેશમાં એક ઝુંબેશ ચાલી રહી છે. દેશના કરોડો લોકોને ખાવાપીવાની શુદ્ધ વસ્તુઓ પહોંચાડવા માટે આ ઝુંબેશ ચાલી રહી છે. એના માટે ક્યાંક હોટેલો અને રેસ્ટોરન્ટ્સને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. બીજી તરફ ખાવાપીવાની વસ્તુઓ બનાવતી કંપનીઓને ત્યાં પણ તપાસ ચાલી રહી છે. 

હવે, સરકાર એનાથી એક ડગલું આગળ વધી છે. કેમ કે, તમે જે વાસણમાં ખાઓ છો, એ વાસણની શુદ્ધતા અને ગુણવત્તા પણ એટલી જ જરૂરી છે. એટલે જ સરકારે એના માટે ખાસ નિર્ણય કર્યો છે. 13 ઑક્ટોબર, 2026ના દિવસે ભારત સરકારે વાસણો માટે નવા નિયમો લાગુ કર્યા છે. જેના માટે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. જેનો સાર એટલો જ છે કે, હવે એલ્યુમિનિયમનાં વાસણો અને ઠંડા પીણા માટેની કેનની ગુણવત્તામાં સહેજ પણ બાંધછોડ નહીં ચાલે. અમે તમને વિસ્તારથી જણાવીશું કે, એલ્યુમિનિયમનાં વાસણોમાં રાંધવાથી કે જમવાથી બીમાર પડાય કે નહીં. જોકે, સૌથી પહેલાં તો નવા નિયમ પર ફોકસ કરીએ. 

આ જાહેરનામામાં ખાસ કરીને ત્રણ વસ્તુઓનો ઉલ્લેખ છે. જેમાં સૌથી પહેલી વસ્તુ છે કૂકવેર. જેનો સીધો અર્થ છે કે, ખોરાકને રાંધવા, પીરસવા કે પછી સ્ટોર કરવા માટેનાં વાસણો. જેમ કે, પ્રેશર કૂકર, પેન અને કડાઈ. એ એલ્યુમિનિયમના હોય તો એના માટે ચોક્કસ માર્કો જરૂરી રહેશે. બીજી વસ્તુ છે એલ્યુમિનિયમનાં વાસણો. એ લંચ બોક્સથી લઈને કડાઈ કે તવો પણ હોય શકે છે. એ સિવાય ત્રીજી વસ્તુ છે કેન. જેમાં તમે કોલ્ડ ડ્રિન્ક એટલે કે ઠંડા પીણા પીઓ છો.

આ બધી વસ્તુઓનો દેશના તમામ ઘરોમાં રોજેરોજ ઉપયોગ થાય છે. એટલે જ એની ગુણવત્તા પણ જરૂરી છે. એટલા માટે જ હવે આ તમામ વાસણો અને કેન પર BISનો ચોક્કસ માર્કો ફરજિયાત કરવામાં આવ્યો છે. BIS એટલે કે, બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. જે ચીજવસ્તુઓની ગુણવત્તા તપાસ કરતો સરકારી વિભાગ છે. હવે, સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે, BISના આ માર્કાથી શું ફરક પડે ? માર્કો કંઈ જેવા તેવા વાસણને નહીં મળે. લોકોને બીમાર પાડે એવાં વાસણોને આ માર્કો નહીં મળે.

વેપાર અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કામ કરતા ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, કૂકવેર, એલ્યુમિનિયમનાં વાસણો અને કેનના ઉત્પાદન માટે ચોક્કસ માપદંડોનું પાલન કરવું ફરજિયાત છે. હવે, BIS એવા જ વાસણો પર પોતાનો માર્કો લગાવવા દેશે કે જે વાપરવાલાયક હોય. જેમ કે, એ વાસણની ચોક્કસ જાડાઈ હોવી જોઈએ. એ વાસણ શુદ્ધ હોવું જોઈએ. એને બનાવવામાં હાનિકારક પદાર્થોનો ઉપયોગ ના થવો જોઈએ. એ ટકાઉ અને સારી ક્વોલિટીના હોય. હવે, તમને વાસણ પર BISનો ISI માર્કો જોવા મળે તો જ એ વાસણ લેજો. 

એલ્યુમિનિયમનાં વાસણો અને કૂકવેર માટે તો તાત્કાલિક અસરથી આ નવા આદેશનો અમલ ફરજિયાત છે. બીજી તરફ એલ્યુમિનિયમની કેન માટે નિયમોનું પાલન કરવા માટે 2027 સુધીની છૂટ આપવામાં આવી છે. એ સિવાય ભારતમાંથી વિદેશોમાં નિકાસ થતાં એલ્યુમિનિયમનાં વાસણોને આ નિયમથી છૂટ આપવામાં આવી છે. કેમ કે, એ વાસણોનો ઉપયોગ ભારતીયો કરવાના નથી. સરકાર તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, આ નિયમનો ભંગ કરવા બદલ આકરી કાર્યવાહી કરવામાં આવશે. 

સરકાર એલ્યુમિનિયમનાં વાસણો અને કેનની ગુણવત્તા સુધારવા માગે છે. જોકે, પહેલાંથી જ અનેક લોકોના મનમાં એલ્યુમિનિયમનાં વાસણોને લઈને અનેક સવાલો છે. જેમ કે, એક સવાલ વારંવાર પૂછવામાં આવે છે કે, શું એલ્યુમિનિયમનાં વાસણોમાં ખાવાનું બનાવવું ખરેખર આરોગ્ય માટે જોખમી છે? ઘણા બધા લોકો એમ પણ માને છે કે, આવાં વાસણોમાં રાંધેલો ખોરાક ખાવાથી કેન્સર થઈ શકે છે. એ વાત સાચી છે કે, એલ્યુમિનિયમનાં વાસણોમાં રાંઘવાથી થોડુંક એલ્યુમિનિયમ ભોજનમાં ભળી જાય છે. પરંતુ એનો અર્થ એવો નથી કે એલ્યુમિનિયમનાં દરેક વાસણમાં રાંધવામાં આવેલું ભોજન ઝેરી બની જાય છે, કે પછી એના લીધે કેન્સર થાય છે.

એલ્યુમિનિયમનાં વાસણોને લઈને ડરવાની જરૂર છે કે નહીં, એ સમજવા માટે એક મહત્ત્વની વાત જાણવી જરૂરી છે. આપણા બધાના શરીરમાં એલ્યુમિનિયમ પહોંચી રહ્યું છે, પરંતુ એનું કારણ માત્ર વાસણો નથી. આપણે રોજ જે ખોરાક ખાઈએ છીએ, એમાં પણ કુદરતી રીતે એલ્યુમિનિયમનું થોડુંક પ્રમાણ હોઈ શકે છે. એ પણ વાત સાચી છે કે, વાસણોમાંથી પણ એલ્યુમિનિયમ શરીરમાં પહોંચી શકે છે. એટલે સવાલ થાય કે, શરીરમાં કેટલું એલ્યુમિનિયમ જાય તો વાંધો ના આવે ? યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટીએ વર્ષ 2008માં એક મર્યાદા નક્કી કરી હતી. એટલે કે, વ્યક્તિના શરીરના દર એક કિલોગ્રામ વજન દીઠ અઠવાડિયામાં એક મિલિગ્રામ એલ્યુમિનિયમનું સેવન સુરક્ષિત મર્યાદામાં ગણવામાં આવ્યું હતું. એટલે કે, વ્યક્તિનું વજન 60 કિલો હોય તો અઠવાડિયામાં એ વ્યક્તિના શરીરમાં વધારેમાં વધારે 60 મિલિગ્રામ એલ્યુમિનિયમ જ જવું જોઈએ. વધારેમાં વધારે આટલું જ એલ્યુમિનિયમ શરીરમાં જવું જોઈએ. 

એટલું યાદ રાખવું જરૂરી છે કે, આ મર્યાદા માત્ર વાસણોમાંથી મળતા એલ્યુમિનિયમની નથી. બધી રીતે વધારેમાં વધારે આટલું જ એલ્યુમિનિયમ શરીરમાં જવું જોઈએ. હવે સવાલ એ છે કે રસોઈ બનાવતી વખતે એલ્યુમિનિયમ ખોરાકમાં કેવી રીતે ભળે છે? અહીં વાસણમાંથી એલ્યુમિનિયમ ખોરાકમાં કેટલું ભળે છે, એ વાત મહત્ત્વની છે. તમે એલ્યુમિનિયમની તપેલીમાં ટામેટાંવાળું શાક બનાવો અથવા એમાં લીંબુ અને આમલીવાળી વાનગી લાંબા સમય સુધી રાખો તો ખોરાકની ખટાશને કારણે વાસણમાંથી એલ્યુમિનિયમ છૂટું પડીને ખોરાકમાં ભળી શકે છે. ક્યારેક વાસણને ખૂબ જ ગરમ કરવામાં આવે તો પણ એલ્યુમિનિયમ ભોજનમાં ભળી જાય છે. ખોરાકમાં મીઠાનું પ્રમાણ વધારે હોય તો પણ એવી અસર થઈ શકે છે. વાસણની અંદરની સપાટી ઘસાઈ ગઈ હોય કે તેના પર ખાડા પડી ગયા હોય, તો પણ સાવચેતી રાખવી જરૂરી છે. એટલે જ અહીં સમજવું જરૂરી છે કે, એલ્યુમિનિયમનું દરેક વાસણ કંઈ જોખમી નથી. તમે એ વાસણમાં શું રાંધો છો, કેટલો સમય રાંધો છો અને વાસણની સ્થિતિ કેવી છે, એ પણ એટલું જ જરૂરી છે. 

હવે, એલ્યુમિનિયમનાં વાસણોને લઈને લોકોના મનમાં રહેલા સૌથી મોટા ડરની વાત કરીએ. આ ડર એ છે કે, આવાં વાસણોમાં ખાવાથી કેન્સર થઈ શકે છે. અત્યારે આ વાત પુરવાર કરતાં કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. વળી, બીજી એક ચિંતા એ પણ છે કે એલ્યુમિનિયમના કારણે અલ્ઝાઇમર થઈ શકે છે. આ એવી બીમારી છે, જેમાં વ્યક્તિની યાદશક્તિ નબળી પડવા લાગે છે અને વિચારવાની ક્ષમતા પર પણ અસર થાય છે. જોકે, એના માટે પણ કોઈ નક્કર પુરાવો મળ્યો નથી. 

આ બધા વચ્ચે એલ્યુમિનિયમનાં વાસણોને લઈને ગયા વર્ષે અમેરિકામાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને કેટલાંક આયાતી વાસણોને લઈને ચેતવણી આપી હતી. એ સમયે વાત માત્ર એલ્યુમિનિયમનાં વાસણોની નહોતી. એની સાથે પિત્તળ અને બીજી ધાતુઓનાં વાસણો માટે પણ ચેતવણી આપવામાં આવી હતી. આ વાસણોમાંથી સીસું મળી આવ્યું હતું. સીસું એક ઝેરી ધાતુ છે. એ ખાસ કરીને બાળકોના મગજના વિકાસને નુકસાન પહોંચાડી શકે છે.

જો એલ્યુમિનિયમના વાસણને જેટલું ગરમ કરવામાં આવે, ભોજનમાં એનું પ્રમાણ એટલું જ વધી જાય. એનાથી સૌથી પહેલાં પાચનની સમસ્યા થાય. એના પછી કિડનીને નુકસાન થાય છે. જો એલ્યુમિનિયમનું થોડુંક પ્રમાણ હોય તો શરીર એને બહાર ફેંકી દે છે. હવે, જો એલ્યુમિનિયમનું પ્રમાણ ખૂબ જ વધી જાય તો એ શરીરમાં સ્ટોર થાય છે. એનાથી કિડનીને નુકસાન થાય છે. એ સિવાય હાડકાં અને દિમાગમાં ઝેરી તત્ત્વોનું પ્રમાણ વધી જાય છે. શરીરમાં કેલ્શિયમને એબ્સોર્બ કરવાની ક્ષમતા પણ ઘટી જાય. એટલે એનૈા લીધે હાડકાં નબળાં પડી જાય છે. 

એલ્યુમિનિયમનાં વાસણોની વાત થઈ, પરંતુ ખોરાક પેક કરવા માટે વપરાતી એલ્યુમિનિયમની ફોઇલનો પણ ખૂબ ઉપયોગ થાય છે. અનેક લોકો ગરમ રોટલી કે જમવાનું આ ફોઇલમાં લપેટીને ટિફિનમાં લઈ જાય છે. ખોરાક ગરમ હોય અથવા તેમાં વરાળ રહેતી હોય, ત્યારે ફોઇલમાંથી એલ્યુમિનિયમ ખોરાકમાં ભળવાની શક્યતા રહે છે. પરંતુ અહીં સૌથી વધુ ધ્યાન રાખવાની જરૂર ખાટા ખોરાકમાં છે. લીંબુ, ટામેટાં કે આમલીવાળો ખોરાક એલ્યુમિનિયમની ફોઇલમાં લપેટવામાં આવે, તો એમાંથી એલ્યુમિનિયમ ખોરાકમાં ભળી શકે છે. એની અસર ખોરાકના સ્વાદ અને ગુણવત્તા પર પણ પડી શકે છે.

હવે સવાલ એ થાય કે જો એલ્યુમિનિયમનાં વાસણોમાં સાવચેતી રાખવાની જરૂર હોય, તો પછી તેનો ઉપયોગ આટલો વધારે કેમ થાય છે? એની પાછળનું કારણ એ છે કે, એલ્યુમિનિયમનાં વાસણો સસ્તાં હોય છે, સાથે ઓછા વજનનાં હોય છે અને ઝડપથી ગરમ થાય છે. સાથે જ, યોગ્ય રીતે બનાવવામાં આવે તો એ લાંબો સમય ટકી પણ શકે છે. એટલે ઘરોમાં હોય કે હોટેલમાં, એલ્યુમિનિયમનાં વાસણોનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. બીજી તરફ, લોખંડ અને તાંબા જેવી ધાતુઓનાં વાસણો પણ વપરાય છે. જોકે, તેમની કિંમત અને જાળવણીનો ખર્ચ વધારે હોઈ શકે છે. પ્રેશર કૂકરમાં પણ એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે, કારણ કે એનું વજન ઓછું હોય છે અને એમાં ગરમી સારી રીતે ફેલાય છે. પરંતુ કૂકર કેટલું સુરક્ષિત છે, એ તેની ધાતુ કરતાં તેની બનાવટ અને ગુણવત્તા પર વધુ આધાર રાખે છે.

હવે, સૌથી મોટો સવાલ એ છે કે, રસોઈ બનાવવા માટે કઈ ધાતુનાં વાસણો પસંદ કરવાં? સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો રોજિંદા ઉપયોગ માટે એક સારો વિકલ્પ છે. એ ટકાઉ હોય છે, સાથે એની સાચવણી કરવામાં પણ સરળતા રહે છે. લોખંડનાં વાસણોમાં રસોઈ બનાવવાથી ખોરાકમાં થોડું આયર્ન ભળી શકે છે. જોકે, તમે એવું નામ માનતા કે, શરીરમાં આયર્નની ઉણપ એટલે માત્ર લોખંડનાં વાસણોમાં રસોઈ બનાવીને જમીશું એટલે એ ઉણપ દૂર થઈ જશે. તાંબા અને પિત્તળનાં વાસણોનો પણ ઉપયોગ થાય છે, પરંતુ એની અંદરની સપાટી કેવી છે અને વાસણનો ઉપયોગ શેના માટે થાય છે, એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. ખાસ કરીને લીંબુ કે ટામેટાં જેવી ખાટી વસ્તુઓ તાંબા કે અંદરથી ખાસ પડ ન ચડાવેલાં પિત્તળનાં વાસણોમાં રાંધવાનું ટાળવું જોઈએ.

મૂળ વાત એટલી જ છે કે તમે શું ખાઓ છો, એટલું જ મહત્ત્વનું એ પણ છે કે, તમે કયા વાસણમાં રસોઈ બનાવો છો. એટલે હવે વાસણ ખરીદતી વખતે માત્ર એનો દેખાવ કે કિંમત ન જુઓ. એની ગુણવત્તા પણ ચેક કરજો. ખાસ કરીને એલ્યુમિનિયમનાં વાસણો ખરીદો ત્યારે BISનો સ્ટાન્ડર્ડ માર્કો ખાસ જોજો.

(9:46 PM IST)