તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
રાત્રે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે TTE તમારી ઊંઘ બગાડીને ટિકિટ ચેક કરી શકે? જાણો ભારતીય રેલવેનો સત્તાવાર નિયમ!
રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી મુસાફરોની શાંતિપૂર્ણ ઊંઘ માટે ખાસ જોગવાઈ: અપવાદરૂપ કિસ્સાઓ સિવાય TTE જગાડી શકશે નહીં

નવી દિલ્હી | તા.૦૩: ટ્રેનમાં રાત્રિ દરમિયાન મુસાફરી કરતી વખતે મોટાભાગના મુસાફરો આરામથી સૂવાનું પસંદ કરતા હોય છે, પરંતુ ઘણીવાર મોડી રાત્રે TTE (ટિકિટ એક્ઝામિનર) આવીને ટિકિટ માગે ત્યારે મુસાફરોની ઊંઘ હરામ થઈ જતી હોય છે. આવી સ્થિતિમાં અસંખ્ય લોકોના મનમાં સવાલ થાય છે કે શું TTE ને રાત્રે ૧૦ વાગ્યા પછી તમને ઊંઘમાંથી જગાડીને ટિકિટ ચેક કરવાનો કાનૂની અધિકાર છે? ભારતીય રેલવેના નિયમો આ બાબતે અત્યંત સ્પષ્ટ અને મુસાફરોની સુવિધા માટે સાનુકૂળ છે.
ભારતીય રેલવેના સત્તાવાર નિયમો મુજબ, રાત્રે ૧૦:૦૦ વાગ્યાથી લઈને સવારે ૦૬:૦૦ વાગ્યા સુધીનો સમય મુસાફરોના આરામ માટે અનામત રાખવામાં આવ્યો છે. આ નિર્ધારિત સમયગાળા દરમિયાન TTE સામાન્ય સંજોગોમાં કોઈપણ મુસાફરને જગાડીને ટિકિટ કે ઓળખપત્ર ચકાસી શકતા નથી. રેલવે બોર્ડના આદેશ અનુસાર, TTE એ મુસાફરી શરૂ થયાના સમયે એટલે કે રાત્રે ૧૦ વાગ્યા પહેલાં જ ટિકિટ ચેકિંગની પ્રક્રિયા પૂર્ણ કરી લેવાની રહે છે, જેથી મુસાફરોની શાંતિપૂર્ણ ઊંઘમાં કોઈ ખલેલ ન પહોંચે.
જોકે, આ નિયમમાં કેટલીક મહત્વપૂર્ણ છૂટછાટો અને અપવાદો પણ આપવામાં આવ્યા છે. જો કોઈ મુસાફર રાત્રે ૧૦:૦૦ વાગ્યા પછી ટ્રેનમાં બોર્ડિંગ કરે છે (એટલે કે રાત્રે ૧૦ વાગ્યા પછીના સ્ટેશનથી ટ્રેનમાં ચઢે છે), તો TTE તેની ટિકિટ ચકાસી શકે છે. આ સિવાય, જો ટ્રેનમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા ટિકિટ વિના મુસાફરી કરનાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ મળે, તો સુરક્ષાના હેતુસર TTE અને RPF ની ટીમ રાત્રિના સમયે પણ તપાસ કરી શકે છે.
રેલવેના નિયમો અનુસાર, રાત્રે ૧૦ વાગ્યા પછી નાઈટ લાઈટ્સ સિવાયની તમામ મુખ્ય લાઈટો બંધ કરી દેવી ફરજિયાત છે, અને મુસાફરોને મોટેથી સંગીત સાંભળવા કે મોટેથી વાતો કરવા પર પણ મનાઈ છે. જો કોઈ TTE નિયમનો ભંગ કરીને બિનજરૂરી રીતે રાત્રે પરેશાન કરે, તો મુસાફરો રેલવેની હેલ્પલાઈન કે 'રેલ મદદ' એપ દ્વારા સત્તાવાર ફરિયાદ નોંધાવી શકે છે.
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
