<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

વ્હાઇટ હાઉસની નવી રણનીતિથી ક્યુબામાં ભારે ફફડાટ: રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવીને અમેરિકા કોઈપણ ક્ષણે સ્પેશિયલ ફોર્સ દ્વારા કરી શકે છે મોટો સૈન્ય હુમલો!

ચીન અને રશિયાના ગુપ્તચર નેટવર્કનો ગઢ બનેલા ક્યુબાને નેસ્તનાબૂદ કરવા સીઆઈએ ચીફે આપ્યું આખરી અલ્ટીમેટમ; ફ્લોરિડા બોર્ડર પર લશ્કરી ડ્રોન તૈનાત થતાં તણાવ ચરમસીમાએ

હવાના: પશ્ચિમી ગોળાર્ધમાં આંતરરાષ્ટ્રીય રાજકારણે ફરી એકવાર અત્યંત સ્ફોટક અને ખતરનાક વળાંક લીધો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળની અમેરિકન સરકારે ક્યુબા પર ચોમેરથી સૈન્ય અને આર્થિક દબાણ વધારી દીધું છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, વ્હાઇટ હાઉસ હાલમાં ક્યુબા વિરુદ્ધ એ જ આક્રમક રણનીતિ અપનાવી રહ્યું છે જે વર્ષની શરૂઆતમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને સત્તા પરથી ઉથલાવી દેવા માટે વાપરવામાં આવી હતી. જોકે, આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો ચેતવણી આપી રહ્યા છે કે ક્યુબાનો આ કેસ વેનેઝુએલા કરતાં વધુ જટિલ, જોખમી અને અમેરિકા માટે આર્થિક રીતે અત્યંત ખર્ચાળ સાબિત થઈ શકે છે.
આ ભયાનક વૈશ્વિક તણાવની શરૂઆત ત્યારે થઈ જ્યારે ટ્રમ્પ પ્રશાસને વર્ષ ૧૯૯૬માં અમેરિકાના બે વિમાનો તોડી પાડવાનો સીધો અને સત્તાવાર આરોપ ક્યુબાના ૯૪ વર્ષીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાઉલ કાસ્ટ્રો પર લગાવ્યો. અમેરિકામાં રહેતા ક્યુબન વિદેશીઓના પ્રતીકાત્મક સીમાચિહ્ન એવા મિયામીના ફ્રીડમ ટાવર ખાતેથી આ સનસનાટીભર્યા આરોપોની જાહેરાત કરવામાં આવી હતી. રાજકીય ટીકાકારોનું માનવું છે કે ટ્રમ્પનો આ કડક સંદેશ ખાસ કરીને ફ્લોરિડામાં રહેતા ક્યુબન-અમેરિકન મતદારોને આકર્ષવા માટે રાજકીય રીતે પ્રેરિત છે, પરંતુ તેનાથી બે દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે.
અમેરિકાએ ક્યુબાની કમર તોડવા માટે તેના પર અનેક આકરા આર્થિક પ્રતિબંધો લાદી દીધા છે, જેમાં વેનેઝુએલાથી આવતા તેલના સપ્લાય પર પ્રતિબંધ, ક્યુબાને બળતણ આપતા દેશો પર ભારે ટેરિફની ધમકી અને ક્યુબા સાથે વેપાર કરતી વિદેશી કંપનીઓ બ્લેકલિસ્ટ કરવાનો સમાવેશ થાય છે. આ અગાઉ જાન્યુઆરી મહિનામાં યુએસ સ્પેશિયલ ફોર્સે ન્યૂયોર્કમાં ડ્રગ ટ્રાફિકિંગના આરોપ હેઠળ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને એક ગુપ્ત સૈન્ય ઓપરેશનમાં સત્તા પરથી હટાવ્યા હતા અને ત્યાં ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે સત્તા સંભાળી હતી. હવે રાઉલ કાસ્ટ્રો વિરુદ્ધ ગુનાહિત કેસ નોંધાયા બાદ ક્યુબામાં પણ તેવા જ સૈન્ય હસ્તક્ષેપનો ભારે ભય વ્યાપી ગયો છે.
અમેરિકાએ ક્યુબાને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે સીધો ખતરો ગણાવતા દાવો કર્યો છે કે ક્યુબાની ધરતી પરથી રશિયા અને ચીનની ગુપ્તચર એજન્સીઓ અમેરિકાની સૈન્ય પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે. સીઆઈએ (CIA) ના ડિરેક્ટર જોન રેટક્લિફે હવાનાની મુલાકાત દરમિયાન ક્યુબન સત્તાવાળાઓને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે યુએસની શરતો સ્વીકારવાનો "સમય હવે પૂરો થઈ રહ્યો છે". વધુમાં, યુએસ વહીવટીતંત્રે દાવો કર્યો છે કે ક્યુબાએ એવા અત્યાધુનિક લશ્કરી ડ્રોન મેળવ્યા છે જે ગ્વાન્ટાનામો બે અને ફ્લોરિડા બોર્ડર માટે મોટું સંકટ છે, જોકે ક્યુબાના નાયબ વિદેશ પ્રધાન કાર્લોસ ફર્નાન્ડીઝ ડી કોસિયોએ આ દાવાઓને બકવાસ ગણાવીને ફગાવ્યા છે અને કહ્યું છે કે તેમને આક્રમણ સામે આત્મરક્ષણનો પૂરો અધિકાર છે.
અમેરિકાએ ક્યુબાની આસપાસ સૈન્ય દેખરેખ વધારી દીધી છે અને યુએસ એરક્રાફ્ટ કેરિયર 'યુએસએસ નિમિત્ઝ' ને કેરેબિયન સમુદ્રમાં તૈનાત કરી દેવાતા યુદ્ધ ગમે ત્યારે ફાટી નીકળી શકે છે. જોકે પ્રોફેસર ઓર્લાન્ડો પેરેઝ જેવા નિષ્ણાતોનું માનવું છે કે ક્યુબાની સેના વેનેઝુએલા કરતાં વૈચારિક રીતે વધુ મજબૂત અને સંગઠિત છે અને ત્યાં રશિયા-ચીનનું મોટું કવચ છે. જો અમેરિકા ૧૯૮૯ ના પનામા આક્રમણ જેવું પૂર્ણ કક્ષાનું યુદ્ધ છેડે છે, તો ખોરાક, વીજળી અને દવાની અછતથી પીડાતા ક્યુબાના કરોડો નાગરિકો શરણાર્થી બનીને અમેરિકા તરફ ભાગશે. ક્યુબા પાસે વેનેઝુએલાની જેમ તેલના ભંડાર પણ નથી, આથી આ યુદ્ધ અમેરિકા માટે માત્ર આર્થિક બોજ સમાન સાબિત થશે.

(12:14 AM IST)