<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

જીવલેણ ઇબોલા વાયરસને પગલે WHO દ્વારા ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર

ભારતમાં IMA નું હાઇ-એલર્ટ, રસી વગરના નવા સ્ટ્રેનથી મેડિકલ જગત ચિંતિત

નવી દિલ્હી: કોરોનાકાળની ભયાનક યાદો હજુ તાજી છે ત્યાં જ વિશ્વ આરોગ્ય સંગઠને આફ્રિકન દેશોમાં કાળો કેર વર્તાવી રહેલા 'ઇબોલા વાયરસ'ને આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેર આરોગ્ય કટોકટી ઘોષિત કરી દેતાં ભારત સરકાર સહિત તબીબી આલમ એક્શન મોડમાં આવી ગયું છે અને તાત્કાલિક સાવચેતીના પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે.
વિશ્વભરમાં ફેલાયેલા આ ખતરાની ગંભીરતાને જોતાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને દેશભરના ડોક્ટરો અને હોસ્પિટલો માટે કડક એડવાઇઝરી જારી કરી છે. અત્યાર સુધીમાં આફ્રિકાના કોંગો અને યુગાન્ડા જેવા દેશોમાં આ વાયરસના કારણે સેંકડો શંકાસ્પદ કેસો અને અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે. ચિંતાની વાત એ છે કે આ વખતે ઇબોલાનો 'બુન્ડીબુગ્યો સ્ટ્રેન' ફેલાયો છે, જેની સામે લડવા માટે હાલમાં તબીબી વિજ્ઞાન પાસે કોઈ માન્ય રસી કે ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી, જેના કારણે તેનો મૃત્યુદર અત્યંત ઊંચો જોવા મળી રહ્યો છે.

આ જીવલેણ વાયરસ ચેપગ્રસ્ત દર્દીના લોહી, લાળ, ઉલટી કે શરીરના અન્ય પ્રવાહી પદાર્થોના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે, જોકે રાહતની વાત એ છે કે તે કોરોનાની જેમ હવામાં ફેલાતો નથી. શરૂઆતમાં સામાન્ય લાગતા લક્ષણો જેવા કે અચાનક તીવ્ર તાવ આવવો, શરીરમાં અસહ્ય નબળાઈ, માથાનો અને સ્નાયુઓનો દુખાવો તેમજ ગળામાં સોજો આવવો એ આ રોગના પ્રારંભિક સંકેતો છે. આથી જ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પર નજર રાખવાની સાથે આ લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દીઓની તાત્કાલિક ઓળખ કરવા માટે એરપોર્ટ અને દેશની તમામ હોસ્પિટલોને સજ્જ રહેવા આદેશ આપવામાં આવ્યા છે.

(10:17 PM IST)