<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

ભારત આખું બન્યું 'ભઠ્ઠી': દિલ્હીથી કેરળ અને ગુજરાતથી આસામ સુધી આભમાંથી વરસતી આગ, હવામાન વિભાગે જાહેર કર્યું યેલો એલર્ટ

ઉત્તર અને મધ્ય ભારતમાં ભીષણ 'લૂ'નો પ્રકોપ, પ્રયાગરાજ 45.2 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ સ્થળ; શું કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ આપશે રાહત?

નવી દિલ્હી: સમગ્ર ભારત અત્યારે ગરમીના ભીષણ સકંજામાં છે. આકાશમાંથી વરસતા અગનગોળાએ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી હાહાકાર મચાવ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ નવી ચેતવણી જાહેર કરતા જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં 'હીટવેવ' એટલે કે ભીષણ લૂનો પ્રકોપ યથાવત રહેશે. રાજધાની દિલ્હીમાં સતત બીજા દિવસે ગરમીએ માઝા મૂકી છે, જેના પગલે તંત્ર દ્વારા 'યેલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે.
દેશના મોટાભાગના રાજ્યોમાં પારો 40 થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે સ્થિર થયો છે. ગત શુક્રવારે ઉત્તર પ્રદેશનું પ્રયાગરાજ 45.2 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું, જ્યારે રાજસ્થાનના બાડમેરમાં તાપમાન 44.8 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે સામાન્ય રીતે ઠંડા રહેતા જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ જેવા પર્વતીય રાજ્યો પણ આ વખતે ગરમીના મોજાથી બચી શક્યા નથી. ગુજરાતમાં પણ અમદાવાદ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સુર્યદેવતા આકરા મિજાજમાં જોવા મળી રહ્યા છે.
શું છે 'હીટવેવ'ના માપદંડ અને ક્યારે મળશે રાહત?
હવામાનશાસ્ત્રીઓના મતે, જ્યારે મેદાની વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરે અને સામાન્ય કરતા 4.5 ડિગ્રી વધુ નોંધાય ત્યારે તેને 'હીટવેવ' જાહેર કરવામાં આવે છે. સ્કાયમેટ વેધરના નિષ્ણાતોનું માનવું છે કે આજે શનિવારે રાહતની આશા ખૂબ ઓછી છે. જોકે, પ્રવાસીઓ અને સ્થાનિકો માટે એક સારા સમાચાર એ છે કે 26 થી 28 એપ્રિલ વચ્ચે હળવો વરસાદ અથવા ધૂળની આંધી આવવાની શક્યતા છે, જે તાપમાનના પારાને થોડો નીચે લાવી શકે છે.
હાલમાં વધતા તાપમાન અને 'એલ નીનો'ના જોખમને જોતા આરોગ્ય વિભાગે નાગરિકોને બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશમાં ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પાણી પીવા સલાહ આપી છે. ખાસ કરીને ખેતમજૂરો અને બહાર કામ કરતા લોકો માટે આ ગરમી 'અગ્નિપરીક્ષા' સમાન સાબિત થઈ રહી છે.

(8:02 PM IST)