તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
ભૂટાને ભારતનું E20 પેટ્રોલ કેમ નકાર્યું? હિમાલયના દેશ પર તોળાઈ રહ્યું છે મોટું જોખમ
જૂની ભૂગર્ભ ટાંકીઓ, ગાઢ ભેજ અને પર્વતીય રસ્તાઓના કારણે ભારતીય તેલ કંપનીઓની ઇથેનોલ-મિશ્રિત ઇંધણ આપવાની ઓફર ભૂટાને નમ્રતાપૂર્વક ફગાવી : સામાન્ય પેટ્રોલ ચાલુ રાખવા વિનંતી કરી

થિમ્ફુ: ભારતમાં જ્યાં E20 પેટ્રોલને લઈને ભારે ચર્ચા અને વિરોધ ચાલી રહ્યો છે, ત્યાં પાડોશી દેશ ભૂટાને ભારતીય તેલ કંપનીઓ ની આ બળતણ સપ્લાય કરવાની ઓફરને શાંતિથી નકારી કાઢી છે. ભૂટાનના અગ્રણી અખબાર 'ધ ભૂટાનીઝ' અનુસાર, દેશે ભારતને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી બજારમાં સામાન્ય પેટ્રોલ ઉપલબ્ધ હોય ત્યાં સુધી તેનો જ સપ્લાય ચાલુ રાખવામાં આવે. આ ભૌગોલિક અને માળખાકીય નિર્ણય પાછળ ભૂટાનની કઠિન પરિસ્થિતિઓ જવાબદાર છે.
આ અસ્વીકાર પાછળનું સૌથી મોટું અને વૈજ્ઞાનિક કારણ ભૂટાનનું જૂનું ઇંધણ સંગ્રહ માળખું અને ત્યાની આબોહવા છે. ભૂટાનની મોટાભાગની ઇંધણ ટાંકીઓ ભૂગર્ભમાં આવેલી છે, જેમાં પાણીના લીકેજની સમસ્યા સામાન્ય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઇથેનોલ અત્યંત હાઇગ્રોસ્કોપિક (ભેજ શોષક) હોય છે, જે હવામાંથી પાણીને ઝડપથી ખેંચી લે છે. પર્વતીય અને અત્યંત ભેજવાળા વિસ્તારોમાં સ્થિત આ ડેપોમાં જો E20 પેટ્રોલમાં પાણી ભળે, તો બળતણની ગુણવત્તા બગડે છે અને સ્ટીલની ટાંકીઓ તેમજ વાહનોના એન્જિનમાં કાટ લાગવાનું જોખમ અનેકગણું વધી જાય છે.
બીજી તરફ, ભૂટાનનો પર્વતીય અને કઠોર ભૂપ્રદેશ વાહનો પાસેથી સતત ઉચ્ચ શક્તિ અને વિશ્વસનીય પરફોર્મન્સની માંગ કરે છે. અધિકારીઓને ડર છે કે આવી વિપરીત સ્થિતિમાં E20 પેટ્રોલ વાહનોને જરૂરી પાવર આપી શકશે નહીં. ભારતમાં પણ વર્ષ 2023 પહેલાના વાહનોમાં માઇલેજ ઘટવા અને એન્જિન પર તાણ વધવાની ફરિયાદો ઉઠી છે. આ સ્થિતિને જોતા ભૂટાને ભારતીય કંપનીઓ પાસે ભવિષ્યના ફેરફારો માટે અગાઉથી સૂચના અને લીક-પ્રૂફ બળતણ ટાંકીઓની માંગ કરી છે, જેથી હિમાલયની ગોદમાં દોડતા વાહનો સુરક્ષિત રહી શકે.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
