<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

"દેશને અંધારામાં કેમ રાખવામાં આવી રહ્યો છે?": ચીન મુદ્દે ખડગેનો PM મોદી પર અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર : 3 તીખા સવાલોથી રાજકારણ ગરમાયું!

અરુણાચલ પ્રદેશમાં ચીની ઘૂસણખોરી અને વધતી વેપાર ખાધ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આક્રમક : ગલવાન અને ડોકલામ બાદ વધુ એક ગંભીર મુકાબલાની આશંકા વ્યક્ત કરી પીએમ પાસે માંગ્યા જવાબો

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે સરહદે ચાલી રહેલા તણાવને લઈને કેન્દ્ર સરકાર સામે રાજકીય ઘમાસાણ વધુ તીવ્ર બન્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ શેર કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ચીનના મુદ્દે સંપૂર્ણપણે મૌન સેવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ખડગેએ અરુણાચલ પ્રદેશમાં બેઇજિંગની શંકાસ્પદ ગતિવિધિઓ અને પડોશી દેશ સાથે ભારતની વધતી જતી રેકોર્ડબ્રેક વેપાર ખાધ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આડેહાથ લેતા જણાવ્યું કે ચીનને અગાઉ ઘણી બધી 'ક્લીનચીટ' આપી દેવામાં આવી છે, ત્યારે હવે સમય આવી ગયો છે કે પીએમ મોદી દેશ સમક્ષ અસલી સત્ય રજૂ કરે.

રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને સૌથી ઉપર રાખતા ખડગેએ પીએમ મોદી સમક્ષ ત્રણ મુખ્ય પ્રશ્નો ઉઠાવ્યા છે. ITBPના ડીજી દ્વારા અરુણાચલ પ્રદેશમાં ચીની સેના (PLA) સાથે ચાલી રહેલા મુકાબલાની પુષ્ટિને અત્યંત ચિંતાજનક ગણાવતા તેમણે સવાલ કર્યો કે શું ગલવાન અને ડોકલામ પછી હવે દેશ વધુ એક ગંભીર સૈન્ય સંઘર્ષ તરફ આગળ વધી રહ્યો છે? ઓગસ્ટમાં તકસિંગ પાસે ચીની ઘૂસણખોરીના અહેવાલો છતાં અને કોર્પ્સ કમાન્ડર સ્તરની વાટાઘાટોના 47 દિવસ વીતી ગયા પછી પણ જો સરહદ પર તણાવ યથાવત હોય, તો શું ભારતના પેટ્રોલિંગ અધિકારો છીનવાઈ ગયા છે?

આર્થિક મોરચે પણ સરકારને ઘેરતા ખડગેએ આંકડાઓ સાથે પ્રહાર કર્યો કે ગલવાન ખીણમાં 20 બહાદુર જવાનોની શહાદત બાદ પણ ચીનથી થતી આયાતમાં 102% નો જંગી વધારો થયો છે અને વેપાર ખાધ વધીને $112.16 બિલિયન પર પહોંચી ગઈ છે. એક તરફ નાણામંત્રી પણ સ્વીકારે છે કે ચીન ભારતીય નિકાસમાં અડચણો ઊભી કરે છે, તો બીજી તરફ સરકાર ચીની રોકાણ પરના નિયંત્રણો હળવા કરીને PLI યોજનાના લાભો ચીની કંપનીઓને આપવા વિચારી રહી છે. શી જિનપિંગ સાથેની બેસશુમાર બેઠકો અને રાજદ્વારી ફોટો-ઓપ્સથી શું નક્કર પરિણામ આવ્યું તે સ્પષ્ટ કરવા માંગ કરી કોંગ્રેસ અધ્યક્ષે વિપક્ષ પર પ્રહાર કરવાનું છોડીને સંસદ અને દેશને વિશ્વાસમાં લેવા તાકીદ કરી છે.

(7:05 PM IST)