<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

શગુનના કવરમાં ૧૦૧, ૫૦૧ કે ૧૦૦૧ રૂપિયા જ કેમ આપવામાં આવે છે?

ભારતીય સંસ્‍કૃતિમાં લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ, જન્‍મદિવસ કે કોઈપણ શુભ કામ પર શગુન આપવાની એક જૂની અને પવિત્ર પરંપરા છેશું આ માત્ર એક અંધવિશ્વાસ છે કે તેની પાછળ કોઈ ઊંડું વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક કે સાંસ્‍કૃતિક કારણ છુપાયેલું છે?

નવી દિલ્‍હી તા.૨૧: ભારતીય સંસ્‍કૃતિમાં લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ, જન્‍મદિવસ કે કોઈપણ શુભ કામ પર શગુન આપવાની એક જૂની અને પવિત્ર પરંપરા છે. કવરમાં પૈસા રાખતી વખતે મોટા ભાગે લોકો ૧૦૦ કે ૫૦૦ની જગ્‍યાએ ૧૦૧, ૫૦૧ કે ૧૦૦૧ રૂપિયા રાખે છે. એટલે કે ઉપરનો એક રૂપિયાનો સિક્કો લગભગ અનિવાર્ય થઈ ગયો છે. પરંતુ શું આ માત્ર એક અંધવિશ્વાસ છે કે તેની પાછળ કોઈ ઊંડું વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક કે સાંસ્‍કૃતિક કારણ છુપાયેલું છે?

ભારતીય માન્‍યતાઓમાં શૂન્‍ય (૦) ને અંત, પૂર્ણતા અથવા સમાપ્તિનું પ્રતીક માનવામાં આવે છે, જ્‍યારે સંખ્‍યા ૧ નવી શરૂઆત, વૃદ્ધિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. જો તમે ૧૦૦ રૂપિયા આપો છો, તો તે શૂન્‍ય પર સમાપ્ત થાય છે, જેને અશુભ માનવામાં આવે છે. જ્‍યારે ૧૦૧ રૂપિયા આપો છો, તો એ રકમ ૧ પર સમાપ્ત થાય છે, જે નવી શરૂઆત અને સતત વધતી ખુશીઓનો સંકેત આપે છે. અવિભાજ્‍યતાઃ ૧૦૧, ૫૦૧, ૧૦૦૧ જેવી સંખ્‍યાઓ અવિભાજ્‍ય (odd) હોય છે અને સરળતાથી વિભાજિત થતી નથી. તેનો અર્થ એ છે કે આપેલા આશીર્વાદ, પ્રેમ અને સંબંધો ક્‍યારેય વહેંચાય નહીં, અટૂટ રહે. ખાસ કરીને લગ્ન જેવા પ્રસંગે વર-વધૂને આપેલો શગુન તેમના અટૂટ બંધનનું પ્રતીક બની જાય છે.

આ એક રૂપિયાનો સિક્કો શગુનની રકમને પૂર્ણ કરે છે અને આપ-લે વચ્‍ચે એક નાનકડો ઋણ સંબંધ બનાવે છે. પછીની મુલાકાતે એ એક રૂપિયા પાછો આપવાનો અવસર મળે છે, જેથી સંબંધ જળવાઈ રહે છે. પૈસાને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે. છેલ્‍લે આપેલા રૂપિયામાં લક્ષ્મીનો વાસ હોય છે, જે સમૃદ્ધિ જાળવી રાખે છે. માનસિક રીતે પણ, દાતાને એ સંતોષ આપે છે કે તેણે આપેલા આશીર્વાદ સંપૂર્ણ અને અખંડ છે.

આ પરંપરા મુખ્‍યત્‍વે ઉત્તર ભારતમાં ખૂબ પ્રચલિત છે, પણ આખા દેશમાં અલગ-અલગ રૂપે જોવા મળે છે. પ્રાચીન સમયમાં શગુન તરીકે ૧૧, ૨૧, ૫૧ રૂપિયા આપવામાં આવતા. સમય સાથે રકમ વધી, પણ ૧ રૂપિયો ઉમેરવાની પરંપરા યથાવત રહી.

વૈદિક પરંપરા મુજબ અવિભાજ્‍ય સંખ્‍યાઓ શુભ માનવામાં આવે છે. ૧ એ ઈશ્વરની એકતાનું પ્રતીક છે. શાષોમાં કહેવામાં આવ્‍યું છે કે શુભ કાર્યની શરૂઆત ૧થી કરવી જોઈએ. ઘણા આચાર્યો માને છે કે શગુનમાં ૧નો સિક્કો રાખવાથી નકારાત્‍મક ઊર્જા દૂર રહે છે અને સકારાત્‍મક તરંગો આકર્ષાય છે

(3:05 PM IST)