News of Wednesday, 28th October 2026
દવાઓની MRP અને રીટેલરોની ખરીદકિંમત વચ્ચે મોટો તફાવત કેમ?
સુપ્રીમ કોર્ટે સરકારની નીતિઓ સામે ઉઠાવ્યા આકરા સવાલો

નવી દિલ્હી તા.૨૮: દવાઓની મેક્સિમમ રીટેલ પ્રાઇસ (MRP) અને રીટેલર્સની ખરીદકિમત વચ્ચેના મોટા તફાવત વિશે મંગળવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો ઊધડો લીધો હતો. જાસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે દવાઓની કિમત નક્કી કરવાની સરકારી નીતિઓ પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે આ સિસ્ટમ માત્ર ફાર્માસ્યુટિકલ ઉત્પાદકોની તરફેણ કરતી કેમ દેખાય છે? આ બધું સરકારની આંખ સામે જ થઈ રહ્યું છે ત્યારે શું આ પ્રથા ચાલુ રહેવા દેવાય?
કોર્ટે દવાઓના ભાવનું નિયમન કરતી સંસ્થા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિગ ઓથોરિટી (NPPA)ને સાવ નિષ્ક્રિય ગણાવી હતી. સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકાર વતી હાજર રહેલાં એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ઐશ્વર્યા ભાટીએ બચાવ કરતાં જણાવ્યું હતું કે સરકારની નીતિ સમગ્ર ઇકોસિસ્ટમને નિયંત્રિત કરવાની નથી. તેમણે દલીલ કરી હતી કે ભારતમાં દવાઓના ભાવ વિશ્વમાં સૌથી ઓછા છે. અગાઉ ૧૨ ઓક્ટોબરે કોર્ટે કેન્સરની દવાઓના ટ્રેડ-માર્જિનને MRPના ૩૦ ટકા સુધી મર્યાદિત કરવાના કેન્દ્રના નિર્ણય વિશે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સવાલ કર્યો હતો કે સરકાર અન્ય દવાઓના ટ્રેડ-માર્જિન પર મર્યાદા કેમ નથી લગાવતી? સરકારે દાવો કર્યો હતો કે કેન્સરની દવાઓ પર ૩૦ ટકાનું માર્જિન નક્કી કરવાથી દરદીઓની વાર્ષિક અંદાજે ૨૫૦૦ કરોડ રૂપિયાની બચત થશે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
